યુકેમાં એક દિવસમાં કોરોનાના એક લાખ નવા કેસ, ઓમિક્રૉને ચિંતા વધારી - BBC Top News

By Bbc Gujarati
|

સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે, યુકેમાં પ્રથમ વખત દૈનિક કોરોના કેસની સંખ્યા 1 લાખને પાર પહોંચી છે.

બુધવારના રોજ યુકેમાં રૅકર્ડબ્રેક 1,06,122 નવા કેસ નોંધાયા હતા.

મંગળવારે યુકેની હૉસ્પિટલોમાં કુલ 8,008 લોકો સારવાર મેળવી રહ્યા હતા. જે 22 નવેમ્બર બાદ સૌથી વધારે છે. જોકે, ગત શિયાળામાં આનાંથી પણ વધુ કેસ આવતા હતા.

જોકે, વડા પ્રધાન બોરિસ જૉન્સને કહ્યું હતું કે ક્રિસ્ટમસ પહેલાં કોઈ નિયંત્રણો લાદવામાં નહીં આવે.


પંજાબના લુધિયાણામાં કોર્ટમાં બ્લાસ્ટ, એકનું મૃત્યુ ચારને ઈજા

https://twitter.com/ANI/status/1473922494914445315

લુધિયાણાના પોલીસ અધિક્ષકને ટાંકીને સમાચાર એજન્સી એએનઆઈ લખે છે કે આ વિસ્ફોટ કોર્ટના બીજા માળે આવેલા રૅકોર્ડરૂમ પાસે થયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે 2 લોકોને ઈજા થઈ છે.

વિસ્ફોટની તપાસ માટે બૉમ્બ ડિસ્પોઝલ ટીમ અને ફૉરેન્સિક્સની ટીમને ચંડિગઢથી બોલાવાઈ છે.

જ્યારે બીબીસી પંજાબીના સહયોગીના જણાવ્યા પ્રમાણે ચારથી વધુ લોકોને ઈજા થઈ છે.

પંજાબના મુખ્ય મંત્રી ચરણજિત ચન્નીએ કહ્યું છે કે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે રાષ્ટ્રવિરોધી તત્ત્વો આ પ્રકારનાં કૃત્યો કરી રહ્યાં છે.

તેમણે કહ્યું કે તેઓ હાલ લુધિયાણા જઈ રહ્યા છે અને આ ઘટનામાં સામેલ લોકો સામે કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે.

પંજાબના પૂર્વ મુખ્ય મંત્રી કૅપ્ટન અમરિંદર સિંહે આ ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું છે. ઈજાગ્રસ્તો જલદી જ સ્વસ્થ થાય તેવી પ્રાર્થના તેમણે કરી છે.


ઓમિક્રૉનને લઈને ગુજરાતમાં ધોરણ 9થી 12ની પરીક્ષા પાછી ઠેલાઈ

કોરોના વાઇરસના નવા વૅરિયન્ટ ઓમિક્રૉનના વધી રહેલા કેસ વચ્ચે ગુજરાત સરકારે શાળાઓમાં યોજાનારી પરીક્ષા પાછી ઠેલવવાનો નિર્ણય લીધો છે.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે ગુજરાત સરકારે બુધવારે ધોરણ 9થી 12ની પરીક્ષાઓ પાછી ઠેલવવાનો નિર્ણય લીધો છે.

ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ નિયત તારીખ કરતાં બે અઠવાડિયાં મોડી યોજાશે, જ્યારે ધોરણ 9 અને 11ની પરીક્ષાઓ 10 દિવસ પાછળ ઠેલવવામાં આવી છે.

બોર્ડના પરિપત્ર મુજબ નવું શૈક્ષણિક સત્ર 6 જૂનની જગ્યાએ 13 જૂનથી શરૂ થશે.


કોરોનાનું સંક્રમણ વધતા ચીનના શહેરમાં લૉકડાઉન

કોરોના સંક્રમણના વધી રહેલા કેસને લઈને ચીનના શહેર શિયાનમાં લૉકડાઉન લાદવામાં આવ્યું છે.

એક કરોડ 30 લાખ લોકોની વસતી ધરાવતા આ શહેરમાં લોકોને ઘરમાં જ રહેવા માટે સૂચના આપવામાં આવી છે.

શિયાન શહેરમાં 9 ડિસેમ્બર બાદ 143 લોકો કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે.

શહેરમાં બુધવારથી લાદવામાં આવેલા નવા પ્રતિબંધો પ્રમાણે અહીં દર બે દિવસે ઘરમાંથી કોઈ એક વ્યક્તિ જીવનજરૂરી સામગ્રી ખરીદવા માટે બહાર જઈ શકશે.

કોરોનાના સંક્રમણને અટકાવવા માટે ચીન મોટાપાયે ટેસ્ટ કરવાની અને લૉકડાઉન લાદવાની રણનીતિ અપનાવી રહ્યું છે.

ચીનમાં ફેબ્રુઆરી 2022માં યોજાનાર વિન્ટર ઑલિમ્પિક્સને લઈને પણ સતર્કતા વધી હોવાનું જણાય છે.

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ શહેરમાં ડેલ્ટા વૅરિયન્ટના કેસ નોંધાઈ રહ્યા છે. તેમણે ઓમિક્રૉનનાં કેસ અંગે કોઈ સ્પષ્ટતા કરી ન હતી.


દિલ્હીમાં નાતાલ અને નવા વર્ષની ઉજવણી પર પ્રતિબંધ

ઓમિક્રૉન વૅરિયન્ટના કેસ વધતાં રાજધાની દિલ્હીમાં નાતાલ અને નવા વર્ષની ઉજવણી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

એનડીટીવીના અહેવાલ મુજબ દિલ્હી ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ ઑથોરિટી દ્વારા જારી કરવામાં આવેલા ઑર્ડર મુજબ ક્રિસ્ટમસ તેમજ નવા વર્ષની ઉજવણી માટે થતા મેળાવડા કોરોના વાઇરસના સુપરસ્પ્રેડર બની શકે છે.

જેથી તમામ સત્તાધીશોને પોતાના સંલગ્ન વિસ્તારોમાં આવાં સ્થળોની તપાસ કરીને ઉજવણી ન થાય તે માટે તકેદારી રાખવા સૂચના આપી છે.

આ ઉપરાંત બાર અને રેસ્ટોરાંને પણ અડધી કૅપેસિટી સાથે ચાલુ રાખવાની પરવાનગી આપવામાં આવી છે.

જ્યારે સિનેમા, થિયેટર્સ અને મલ્ટિપ્લેક્સને 100 ટકા કૅપેસિટી સાથે અને ઑડિટોરિયમ્સને 50 ટકા કૅપેસિટી સાથે ખુલ્લાં રાખવાની મંજૂરી આપવામાં આવી છે.



https://youtu.be/TENpT2Do-G4

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો