મ્યાનમારમાં સ્ત્રીઓને જેલમાં પૂરીને તેમને ત્રાસ અપાયો હોય, જાતીય સતામણી થઈ હોય અને બળાત્કારની ધમકીઓ મળી હોય તેવા કિસ્સાઓ બીબીસીના ધ્યાનમાં આવ્યા છે.
આ વર્ષની શરૂઆતમાં સેનાએ બળવો કરીને મ્યાનમારમાં સત્તા કબજે કરી તે પછી તેની સામે વિરોધપ્રદર્શનોમાં ભાગ લેનારાં પાંચ મહિલાઓને પકડી લેવામાં આવ્યાં હતાં.
આ મહિલાઓનું કહેવું છે કે ધરપકડ પછી કેદમાં તેમની સતામણી થઈ હતી અને ત્રાસ આપવામાં આવ્યો હતો.
આગળ તેમની વ્યથાને રજૂ કરી છે, પરંતુ તેમની સલામતી ખાતર નામો બદલી નાખવામાં આવ્યાં છે.
ચેતવણી : આ લેખમાં વિચલિત થઈ જવાય તે પ્રકારના ત્રાસનું વર્ણન છે
ફેબ્રુઆરી મહિનામાં સેનાએ મ્યાનમારમાં સત્તા કબજે કરી લીધી તે પછી દેશમાં વિરોધ થયો હતો. સેના વિરુદ્ધ પ્રતિકારની આ ચળવળમાં મહિલાઓએ અગ્રણી ભૂમિકા ભજવી હતી.
માનવ અધિકાર સંસ્થાઓનું કહેવું છે કે (બર્મા તરીકે પણ ઓળખાતા) મ્યાનમારમાં સેના કોઈને ગુમ કરી દે, અપહરણ કરી લેવામાં અને ત્રાસ આપવામાં આવે તેવી ઘટનાઓ અગાઉ પણ બનતી રહી છે, પરંતુ લશ્કરી બળવા પછી હિંસાનો વ્યાપ વધ્યો છે.
માનવ અધિકાર સંસ્થા આસિસ્ટન્ટ ઍસોસિયેશન ફૉર પૉલિટિકલ પ્રિઝનર્સ (AAPP)ના જણાવ્યા અનુસાર 8 ડિસેમ્બર સુધીના આંકડા પ્રમાણે લોકશાહી માટેનાં આંદોલનો સામે સેનાની કાર્યવાહીમાં 93 મહિલાઓ સહિત 1,318 નાગરિકો માર્યા ગયા છે.
આમાંની આઠ મહિલાઓનાં મોત જેલમાં જ થયાં હતાં, જ્યારે પૂછપરછ કેન્દ્રમાં ચાર મહિલાને ત્રાસ આપીને મારી નાખવામાં આવ્યાં હતાં.
અત્યાર સુધીમાં 10,200થી વધુ લોકોની ધરપકડ થઈ છે, જેમાં 2,000થી વધુ સ્ત્રીઓ છે.
એઇન સો મે નામના લોકતંત્ર તરફી કાર્યકર્તાને છ મહિના સુધી કેદમાં રખાયાં હતાં. પ્રથમ દસ દિવસ તેમને મ્યાનમારના કુખ્યાત પૂછપરછ કેન્દ્રમાં રખાયાં હતાં, જ્યાં પોતાની જાતીય સતામણી થઈ હોવાના અને અત્યાચાર થયાના આક્ષેપો તેમણે લગાવ્યા છે.
સો મેએ બીબીસીને જણાવ્યું કે એક સવારે પોતે વિરોધપ્રદર્શન માટેનાં પાટિયાં તૈયાર કરી રહ્યાં હતાં ત્યારે તેમની ધરપકડ કરીને એક વાનમાં ધકેલી દેવામાં આવ્યાં.
"(કોઈ અજાણ્યા સ્થળે) હું પહોંચી ત્યારે રાત થવા આવી હતી. મારી આંખે પાટો બાંધેલો હતો અને મને પૂછપરછ કેન્દ્રમાં વાંકા વળીને ચાલવા માટે જણાવાયું હતું. આ રીતે તેઓ મારી મજાક ઉડાવતા હતા."
ધરપકડ કરનારાઓએ તેમની ઊલટતપાસ શરૂ કરી હતી અને કોઈ જવાબ તેમને ગમે નહીં ત્યારે તેમને વાંસની લાકડીથી ફટકારતા હતા.
સો મેનું કહેવું છે કે વારંવાર તેને સેક્સ કેવી રીતે કરે છે તે બાબતમાં પણ પૂછવામાં આવ્યું. એક પૂછપરછ કરનારાએ ધમકી પણ આપી: "અહીં આવે તે સ્ત્રીઓની અમે શું વલે કરીએ છીએ તને ખબર છે? અમે બળાત્કાર કરીએ છી અને પતાવી દઈએ છીએ."
તેમની આંખે પાટા બાંધેલા હતા તે હાલતમાં જ તેમની જાતીય સતામણી થઈ હતી. સો મે કહે છે, "મેં મોટી સાઇઝનું ટોપ પહેર્યું હતું તે કાઢી નાખ્યું અને મને નિર્વસ્ત્ર કરીને બધી જગ્યાએ સ્પર્શ કરવા લાગ્યા હતા."
તે પછી તેમની આંખેથી કપડું દૂર કરાયું અને તેમણે જોયું કે એક ગાર્ડે પોતાની રિવોલ્વરમાંથી બધી ગોળી ખાલી કરીને માત્ર એક જ રાખી.
તે લોકોએ પૂછ્યું કે તારા સંપર્કમાં કોણ કોણ છે તે બધાની વિગતો આપી દે. પરંતુ વિગતો ના આપી 'એટલે મારું મોઢું ખોલાવીને મોઢામાં રિવોલ્વરનું નાળચું નાખી દીધું," એમ તેઓ કહે છે.
હ્મુમન રાઇટ્સ વોચના મ્યાનમાર ખાતેનાં સંશોધક મેન્ની મોઆંગના જણાવ્યા અનુસાર આવાં પૂછપરછ કેન્દ્રો એટલે આમ તો "કામચલાઉ ઊભી કરી દેવાયેલી જગ્યા પણ હોય, કોઈ ઓરડો હોય અથવા કોઈ ખાલી પડેલી સરકારી ઇમારતમાં પણ કેન્દ્ર બનાવી દેવાયું હોય."
આ વાત સાચી હોવાનું મ્યાનમારના એક વકીલે પણ બીબીસીને જણાવ્યું હતું. જોકે તેમણે સલામતી ખાતર પોતાનું નામ આપ્યું નહોતું. આ મહિલા વકીલે કહ્યું કે પૂછપરછ વખતે ત્રાસ આપવામાં આવ્યો હોય અને જાતીય સતામણી થઈ હોય તેવી ઘણી મહિલાઓ માટે તેમણે કામ કર્યું હતું.
મહિલા વકીલ કહે છે, "મારી એક અસીલની ખોટી ઓળખ થઈ હતી અને તેમ છતાં તેને પકડી લેવાઈ હતી. તમે જે માની રહ્યા છો તે હું નથી એવું કહ્યું ત્યારે તેને લોખંડના સળિયાથી મારવામાં આવી હતી. પગના હાડકા પર એટલા બધા વાર કરવામાં આવેલા કે બેભાન થઈ ગઈ હતી."
તેમણે વધુમાં જણાવ્યું કે "બાદમાં તેને બીજા પૂછપરછ કેન્દ્રમાં મોકલી દેવાઈ અને તેના આક્ષેપ અનુસાર ત્યાંના પુરુષ ગાર્ડે કહેલું કે પોતાની સાથે સૂઈ જશે તો તને છોડી મુકાશે."
આ મહિલા વકીલ કહે છે કે મ્યાનમારમાં કાનૂની તંત્ર સંદિગ્ધ છે અને પોતાના જેવા વકીલો પણ ખાસ કશું કરી શકતા નથી.
"અમે (ધરપકડો અને પૂછપરછ)ને પડકારીએ છીએ, પણ અમને કહી દેવાતું હોય છે કે બધું કાયદેસર થાય છે અને આવું કરવા માટે (તપાસકર્તાઓને) હુકમો મળેલા હોય છે."
સો મેએ જણાવ્યું તેની ખરાઈ કરવી મુશ્કેલ છે, પરંતુ બીબીસીએ અન્ય મહિલા કેદીઓ સાથે વાત કરી તેમણે પણ જણાવ્યું કે પૂછપરછ કેન્દ્રોમાં તેમના પર ત્રાસ ગુજારાયો હતો અને જાતીય સતામણી થઈ હતી.
અટકમાં લેવાયેલી અન્ય એક મહિલા કહે છે, "તે લોકોએ મને એક કલાક સુધી (મ્યાનમારના વિરોધપ્રદર્શનનું પ્રતીક ગણાય છે તે રીતે) ત્રણ આંગળીઓ ઊંચી કરીને રાખવા કહ્યું હતું. એક ગાર્ડે મને ધમકાવવા માટે મારા વાળ પકડીને રાખ્યા હતા."
શ્વે પાઇ થાર શહેરમાંથી પકડીને પૂછપરછ કેન્દ્રમાં લઈ જવામાં આવેલી અન્ય એક સ્ત્રી કહે છે : "તે લોકોએ છોકરીઓને રૂમમાંથી ખેંચીને બહાર કાઢી. તે છોકરીઓ પાછી આવી ત્યારે તેમનાં વસ્ત્રોનાં બટન ખૂલેલાં હતાં કે તૂટેલાં હતાં."
સો મેએ જણાવેલી બાબતો વિશે બીબીસીએ મ્યાનમારના માહિતી વિભાગના નાયબ પ્રધાન મેજર જનરલ ઝૉ મિન તુન પાસે પ્રતિસાદ માગ્યો હતો, ત્યારે તેમણે કહ્યું કે સેના તરફથી કોઈ ત્રાસ આપવામાં આવતો નથી અને આ બધી વાતો "ફેક ન્યૂઝ" એટલે કે નકલી સમાચારો છે.
આ વર્ષની શરૂઆતમાં સેનાએ અટકમાં રહેલી એક મહિલાની તસવીર જાહેર કરી હતી. તેના ચહેરા પર એટલો માર પડેલો હતો કે તે ઓળખી શકાય તેવો નહોતો. આ તસવીર વાઇરલ થઈ હતી.
આ મહિલા હજીય કેદમાં છે અને તેમની સામે શસ્ત્રો રાખવાના આરોપો મુકાયેલા છે.
બીબીસીએ મેજર જનરલ ઝૉ મિન તુને પૂછ્યું હતું કે મહિલાને થયેલી ઈજાઓને કેમ છુપાવવામાં આવી નહોતી.
તેમણે કહ્યું કે, "ધરપકડ કરવામાં આવે ત્યારે ઈજા થતી હોય છે. તે લોકો નાસી જવાની કોશિશ કરતા હોય છે અને અમારે તેમને પકડવાના હોય છે."
ગુપ્ત કેદખાનું
માત્ર ગુપ્ત પૂછપરછ કેન્દ્રોમાં જ અત્યાચાર થતો હોય તેવું નથી.
50 વર્ષની ઉંમરની એક મહિલા કાર્યકર્તાએ (જેમને અમે મીસ લિન નામ આપ્યું છે) બીબીસીને જણાવ્યું કે યાંગોનની જેલમાં 40 સુધી તેમને ગુપ્ત કોટડીમાં રાખવામાં આવ્યાં હતાં.
તેમની કોટડીમાં કશું જ રાખવા દેવાયું નહોતું. જરૂરી દવાઓ પણ રાખવા દેવામાં આવી નહોતી. કેદમાં હતી તે દરમિયાન તે શારીરિક રીતે બહુ જ નબળી પડી ગઈ હતી.
મીસ લિન કહે છે, "હું અંધારી કોટડીમાં પડી રહેતી હતી અને વિચારતી હતી કે હું મરી જવાની છું. ક્યારેક મને બાજુની કોટડીઓમાંથી ચીસો અને રડારોળ સંભળાતી. કોને માર પડતો હશે તેનો હું વિચાર કર્યા કરતી."
તેઓ યાદ કરતાં કહે છે કે એક દિવસ ઘણી મહિલા અધિકારીઓ સાથે એક પુરુષ અમલદાર તેની કોટડીમાં આવ્યો હતો.
"તે લોકો જઈ રહ્યા હતા ત્યારે મેં જોયું કે પુરુષ અધિકારી મારો વીડિયો લઈ રહ્યો હતો," એમ તેઓ કહે છે અને ઉમેરે છે કે તેમણે ફરિયાદ કરી પણ તેનાથી કોઈ ફરક પડ્યો નથી.
HRW સંસ્થાનાં સંશોધક મેન્ની મોઆંગે બીબીસીને જણાવ્યું કે 100 જણ પણ માંડ માંડ રહી શકે તેવા ઓરડામાં ઘણી વાર એક સાથે 500 સ્ત્રીઓને પૂરી દેવામાં આવે છે. એકસાથે બધા ઊંઘી પણ ના શકે એટલે તે સ્ત્રીઓએ ઊંઘવાના પણ વારા કાઢવા પડે.
તેમને પ્રાથમિક સેનિટેશનની સુવિધાઓ પણ મળી નથી એમ જણાવીને તેઓ ઉમેરે છે કે આમ કરવું એ "તેમના મૂળભૂત અધિકારોનો ભંગ છે."
શ્વે પાઇ થાર પૂછપરછ કેન્દ્રમાં લઈ જવામાં આવેલી મહિલાને પણ કેદમાં આવા જ અનુભવો થયા હતા.
તેઓ કહે છે, "પૂછપરછ કેન્દ્રમાંથી આવેલી સ્ત્રીઓને લાગેલા ઘા પણ તાજા હોય. કેટલાીક સ્ત્રીઓ માસિકમાં હતી, પણ તેમને જેલમાં આવ્યાના સાત પછી છેક નહાવાની છૂટ મળી હતી."
ઑક્ટોબરમાં 5,000થી વધુ કેદીઓને માફી આપવામાં આવી તે સૌની સાથે સો મેનો પણ છુટકારો થયો હતો. તેઓ કહે છે કે ભલે ફરી પકડાવું પડે, પણ તેઓ ચળવળ ચાલુ રાખવા માગે છે.
તેઓ કહે છે, "મને ખબર છે કે ગમે ત્યારે મારી ફરીથી ધરપકડ થઈ શકે છે અને કદાચ હું મોત પણ પામું, પણ હું મારા દેશ માટે હું કશુંક કરવા માગું છું."
"મને સલામતી દેખાતી નથી, પરંતુ હું આ ચળવળમાં જોડાયેલી રહેવા માગું છું."
(ઇલસ્ટ્રેશન્સ ડેવીસ સૂર્યા અને જિલ્લા દેસ્તમાલ્ચી)
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો