વૉશિંગ્ટનઃ કોરોનાનો નવો વેરિઅંટ ઓમિક્રૉન દુનિયાભરમાં નવો પડકાર બનીને સામે આવ્યો છે. સતત જે રીતે કોરોનાના આ નવા વેરિઅંટના કેસ સામે આવી રહ્યા છે તેણે દરેકની ચિંતા વધારી દીધી છે. તમામ સરકારો આ વેરિઅંટની રોકથામને લઈને અલગ-અલગ પગલાં ઉઠાવી રહી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને પણ ઓમિક્રૉનને લઈને નવી ગાઈડલાઈન જાહેર કરી છે. બાઈડેને કહ્યુ કે જે વિદશી યાત્રીઓ અમેરિકા આવી રહ્યા છે તેમને કોરોનાનો ટેસ્ટ યાત્રાના દિવસે કરાવવો અનિવાર્ય હશે. પછી ભલે તે કોઈ પણ દેશના હોય, તેમણે વેક્સીનના બંને ડોઝ લગાવી દીધા હોય.
દક્ષિણ આફ્રિકામાં મળેલા કોરોના વાયરસના નવા વેરિઅંટ 'ઓમિક્રૉન'ને લઈને દુનિયાભરમાં ડરનો માહોલ છે. વૈજ્ઞાનિકોના અમુક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે કોરોનાનો આ નવો વેરિઅંટ ઘણા ઘાતક અને સંક્રમક છે. અત્યાર સુધીની માહિતી મુજબ દુનિયાના 23 દેશોમાં ઓમિક્રૉન વેરિઅંટના કેસોની પુષ્ટિ થઈ ચૂકી છે. આ દરમિયાન અમેરિકામાં પણ ઓમિક્રૉન વેરિઅંટનો પહેલો કેસ સામે આવ્યો છે. અમેરિકી આરોગ્ય અધિકારીઓએ એક નિવેદન જાહેર કરીને જણાવ્યુ કે હાલમાં જ દક્ષિણ આફ્રિકાથી પાછા આવેલા એક યાત્રીમાં કોરોના વાયરસના નવા વેરિઅંટ 'ઓમિક્રૉન'ની પુષ્ટિ થઈ છે.
આરોગ્ય અધિકારીઓના જણાવ્યા મુજબ કેલિફૉર્નિયામાં મળેલ ઓમિક્રૉન વેરિઅંટનો આ કેસ અમેરિકાનો પહેલો કેસ છે. દક્ષિણ આફ્રિકાથી પાછા આવેલ વ્યક્તમાં કોરોનાના ઓમિક્રૉન વેરિઅંટની પુષ્ટિ થઈ છે, તે વેક્સીનના બંને ડોઝ લઈ ચૂક્યો હતો પરંતુ તેને બૂસ્ટર ડોઝ લાગ્યો નહોતો. આ મુસાફર 22 નવેમ્બરે દક્ષિણ આફ્રિકાથી પાછો આવ્યો હતો અને હોમ ક્વૉરંટાઈન હતો. 29 નવેમ્બરે તેનો કોરોના રિપોર્ટ પૉઝિટીવ આવ્યો ત્યારબાદ આ વ્યક્તિના સંપર્કમાં આવેલ બધા લોકોની તપાસ કરવામાં આવી પરંતુ આ બધા લોકોનો રિપોર્ટ નેગેટીવ આવ્યો. આરોગ્ય અધિકારીઓએ જણાવ્યુ કે હાલમાં દર્દીની હાલતમાં સુધારો થઈ રહ્યો છે.
તમને જણાવી દઈએ કે હાલમાં જ અમુક વૈજ્ઞાનિકોના રિપોર્ટમાં એ વાતનો પણ દાવો કરવામાં આવ્યો છે કે દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રૉનની ઓળખ થતા પહેલા જ કોરોના વાયરસનો આ વેરિઅંટ યુરોપમાં હાજર હતો. કોરોનાના આ નવા વેરિઅંટને લઈને જો કે હજુ બહુ વધુ માહિતી મળી નથી પરંતુ વિશ્વ આરોગ્ય સંગઠન તરફથી કહેવામાં આવ્યુ છે કે આ વેરિઅંટથી દુનિયાને વધુ ખતરો થઈ શકે છે. વિશ્વ આરોગ્ય સંગઠનના રિપોર્ટ બાદ દુનિયાના મોટાભાગના દેશોએ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો માટે પ્રતિબંધો એક વાર ફરીથી કડક કરી દીધા છે.