એક ઓડિયો ટેપના કારણે પાકિસ્તાનનું રાજકારણ ગરમાયું છે. જો આ ટેપને સાચી માનીએ તો બિલકુલ સ્પષ્ટ થઈ જાય છે કે ત્રણ વર્ષ પહેલાં ઈમરાન ખાન માત્ર સેનાના કારણે સત્તામાં આવ્યા હતાં. ચૂંટણીમાં તેમનું કોઈ યોગદાન નહોતું અને ન તો તેમને એટલા વોટ મળ્યા કે જેનાથી તેમની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) સરકાર બનાવી શકી હોત.
હાલ આ ટેપનો ખૂબ જ ઓછી સેકેન્ડનો ભાગ સામે આવ્યો છે, પરંતુ આશા રાખવામાં આવી રહી છે કે ટૂંક સમયમાં પૂરી ટેપ સામે આવશે. આ ટેપમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ (CJP) સાકિબ નિસાર કોઈ અજાણા વ્યકિત વિશે વાત કરી રહ્યા છે. વાતચીતમાં નિસાર માને છે કે તેમના પર ભૂતપૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફ અને તેમની દીકરી મરિયમ નવાઝને સજા આપવા પર દબાણ હતું, જેથી ઈમરાન ખાનને સત્તામાં લાવી શકાય.
થોડા દિવસો પહેલા એક ઓડિયો ટેપ સામે આવી હતી. જેમાં CJP કોઈ અજાણી વ્યક્તિને પોતાની તકલીફ જણાઈ રહ્યા હતા. તેઓ કહે છે કે પાકિસ્તાનમાં ન્યાયતંત્ર સ્વતંત્ર નથી, તેના પર સેનાનું દબાણ રહે છે. ટેપ 2018માં થયેલી ફેડરલ ઈલેક્શન (આપણાં ત્યાંની લોકસભા ચૂંટણીની જેમ)થી થોડા દિવસ પહેલાની છે. ત્યારે ઈમરાન કંટેનર્સ પર ચઢાવીને ઈસ્લામાબાદની રેલીઓ કરી રહ્યા હતા.
બાદમાં પનામા પેપર્સ લીક અને બીજા મામલાઓમાં નવાઝને 10 વર્ષ જ્યારે પુત્રી મરિયમને 8 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. તેમને જેલમાં મોકલવામાં આવ્યા બાદમાં નવાઝ સારવાર માટે લંડન જતા રહ્યા અને હજી સુધી પરત નથી ફર્યા. મરિયમે સજા વિરુદ્ધ અપીલ કરી હતી. આ મામલો હજી પેન્ડિગ છે.
ટેપનો હાલ ખૂબ જ ટૂંકો ભાગ સામે આવ્યો છે. પાકિસ્તાનની ફેમસ યૂટ્યૂબર અને જર્નલિસ્ટ આલિયા શાહે પોતાના શો બ્રેકિંગ બેરિયર્સ વિથ આલિયામાં કહ્યું આને તમે નાની ટેપ સમજવાની ભૂલ ન કરો. આવનારા દિવસોમાં આ ટેપ પૂરી સામે આવશે અને પાકિસ્તાનના રાજકારણમાં ભૂકંપ આવશે.
જસ્ટિસ નિસાર- હું ખૂબ જ સ્પષ્ટ રીતે કહેવા માગુ છું કે કમનસિબથી અમારી પાસે એવી સેના છે જે જજોને ફરમાન જારી કરે છે. હવે તેઓ કહી રહ્યા છે કે મિયાં સાહબ (નવાઝ શરીફ)ને સજા આપવી જોઈએ, કેમકે અમારે ખાન સાહેબ (ઈમરાન ખાન)ને લાવવા છે. સામે વાળો કહે છે કે- નવાઝ શરીફને સજા ઠીક છે, પરંતુ પુત્રીને સજા ન આપવી જોઈએ. આ પર જસ્ટિસ નિસાર કહે છે- હા, તેનાથી તો જ્યૂડિશિયરી પર પણ સવાલ ઉઠશે.
આ ટેપને સામે લાવનાર શખ્સનું નામ અહમદ નૂરાની છે. તેઓ ઈન્વેસ્ટિગેટિવ જર્નલિસ્ટ છે. નૂરાની એટલી ઝિણવટતાથી કામ કરે છે કે તેમના રિપોર્ટ પર સવાલ ન ઉઠે. આ ટેપને જાહેર કરતા પહેલા તેમણે અમેરિકામાં તેની ફોરેન્સિક તપાસ કરાવી, જેથી બાદમાં આ ટેપ ખોટી છે તેવો આરોપ કોઈ લગાવી ન શકે.