શીખ તરીકેની ખોટી ઓળખ ઊભી કરીને સોશિયલ મીડિયામાં પ્રોફાઇલ બનાવીને અને પછી વિભાજિત કરનારા દુષ્પ્રચાર કરતા લોકોના એક નેટવર્કનો પર્દાફાશ થયો છે.
બુધવારે આ અંગેનો અહેવાલ પ્રકાશિત થાય તે પહેલાં બીબીસીને એક્સક્લુઝિવ તે જોવા મળ્યો હતો, જેમાં પકડાયેલા 80 બનાવટી (ફેક) એકાઉન્ટની વિગતો છે. આ એકાઉન્ટ ફૅક એટલે કે નકલી હોવાથી તેને સંબંધિત સોશિયલ મીડિયા કંપનીઓ દ્વારા હવે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે.
આ નેટવર્કના લોકો ટ્વિટર, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર નકલી ઓળખ ઊભી કરીને હિંદુ રાષ્ટ્રવાદ અને ભારતની કેન્દ્ર સરકાર તરફી પ્રચાર કરવાનું કામ કરતા હતા.
આ અહેવાલ તૈયાર કરનારા બેન્જામીન સ્ટ્રિકનું કહેવું છે કે આ નેટવર્કનો ઈરાદો "શીખોની સ્વતંત્રતા, માનવ અધિકારો અને મૂલ્યો વિશેના અગત્યના મુદ્દાઓમાં જુદા પ્રકારની છાપ ઊભી કરવાનો" હોય તેવું દેખાઈ આવતું હતું.
આ નેટવર્ક જોકે ભારત સરકાર સાથે સીધી રીતે જોડાયેલું હોય તેના કોઈ પુરાવા નથી અને આ વિશે પ્રતિસાદ માટે બીબીસીએ વિનંતી કરી હતી, પણ તેનો હજી સુધી જવાબ મળ્યો નથી.
આ નેટવર્ક "બૉટ્સ" એટલે કે મશીનથી સંચાલિત એવા નહીં, પરંતુ "સૉક પપેટ" એટલે કે કઠપૂતળીઓ તરીકે ઓળખાતા એકાઉન્ટ ઊભા કરતા, જેને ચલાવનાર કોઈ વ્યક્તિ હોય, પણ તેણે પોતાની નકલી ઓળખ ઊભી કરી હોય.
આ નકલી ઓળખમાં શીખ નામ રાખવામાં આવ્યું હોય અને "અસલી શીખ" વ્યક્તિ જ હોય તેવો દેખાવ કરવામાં આવતો હોય છે. આ માટે #RealSikh એવા હૅશટૅગથી સમર્થનનો પ્રયાસ કરાતો હતો અને શીખોને બદનામ કરવા માટે તથા અલગ રાજકીય અભિપ્રાયોને બદનામ કરવા માટે #FakeSikh એવા હૅશટૅગનો ઉપયોગ થતો હતો.
સેન્ટર ફૉર ઇન્ફર્મેશન રેઝિલિયન્સ (સીઆઈઆર) નામની એનજીઓએ તૈયાર કરેલા આ અહેવાલમાં જણાવ્યા અનુસાર એક સરખો નકલી પ્રોફાઇલ એકથી વધુ પ્લૅટફૉર્મ પર મૂકવામાં આવ્યો હતો. આ જુદા-જુદા એકાઉન્ટ્સમાં નામ, પ્રોફાઇલ પિક્ચર અને કવર ફોટો એક સરખા મૂકવામાં આવેલા હતા અને એક સરખી પોસ્ટ તેમાં મૂકવામાં આવતી હતી.
ઘણાં એકાઉન્ટ્સમાં જાણીતી વ્યક્તિઓની, સેલિબ્રિટીઝની, જેમ કે પંજાબી ફિલ્મી અભિનેત્રીઓની તસવીરોનો પણ ઉપયોગ થયો હતો.
જોકે કોઈ સેલિબ્રિટીની તસવીરનો ઉપયોગ કરવામાં આવે તેટલા માત્રથી એકાઉન્ટને ફૅક ગણવામાં આવતું નથી. પરંતુ એક સરખી રીતે મેસેજો મૂકવા, સરખાંસરખાં હૅશટૅગ્સ રાખવા, ઓળખમાં સમાન પ્રકારની વિગતો મૂકવી અને ફૉલો કરનારા લોકો કોણ છે તેમાં પણ સરખાપણું હોય - આ બધી રીતે વિચાર કરવામાં આવે ત્યારે ખ્યાલ આવી જાય કે આ કોઈ સાચા એકાઉન્ટ્સ નથી.
બીબીસીએ જે 8 સેલિબ્રિટીઝની તસવીરોનો ઉપયોગ થયો હતો તેમનો સંપર્ક કરવાની કોશિશ કરી હતી અને તેમની કમેન્ટ્સ માગી હતી. તેમાંથી એક સેલિબ્રિટી મૅનેજમેન્ટ તરફથી જવાબ મળ્યો હતો કે આવી રીતે તેમની તસવીરનો ઉપયોગ થઈ રહ્યો છે તેની જાણ નહોતી. હવે જાણ થઈ છે ત્યારે તેની સામે પગલાં લેવાશે એમ જણાવાયું હતું.
અન્ય એક સેલિબ્રિટીના મૅનેજમેન્ટે જણાવ્યું કે આ રીતે તેમના ક્લાયન્ટના નામ સાથે હજારો નકલી એકાઉન્ટ્સ છે અને તેઓ આની સામે ખાસ કશું કરી શકે તેમ નથી.
રાજકીય ઇરાદાઓ
ગત શુક્રવારે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિવાદાસ્પદ બનેલા ત્રણ કૃષિકાયદાઓ પાછા લેવા માટેની જાહેરાત કરી હતી. છેલ્લા એક વર્ષ જેટલા સમયથી ખેડૂતો આ કાયદાઓનો વિરોધ કરીને આંદોલન કરી રહ્યા છે.
એક વર્ષથી ચાલતું ખેડૂત આંદોલન અને દાયકાઓ જૂની ખાલિસ્તાની ચળવળ આ બે મુદ્દાઓ વિશે આ નેટવર્કમાં વારંવાર ચર્ચા કરીને ટીકાઓ કરવામાં આવતી હતી.
અહેવાલમાં જણાવ્યા અનુસાર શીખ તરફથી પોતાની સ્વતંત્રતા અંગે કંઈ પણ કહેવામાં આવે તેને ખાલિસ્તાનીઓ ગણાવીને ખેડૂતોના આંદોલનને બદનામ કરવા માટેની કોશિશ થતી હતી. આ આંદોલનને "ખાલિસ્તાની આતંકવાદીઓ"એ હાઇજૅક કરી લીધું છે તેવા દાવા કરાતા હતા.
જોકે અગાઉ ભારત સરકારે પણ એવો દાવો કર્યો હતો કે ખેડૂત આંદોલનમાં કેટલાક "ખાલિસ્તાની તત્ત્વો ઘૂસી ગયા" છે.
કેટલાંક એકાઉન્ટ્સમાં એવું ચિત્ર ઊભું કરવામાં આવતું હતું કે યુકે અને કૅનેડામાં સ્થાયી થયેલા શીખો ખાલિસ્તાની ચળવળને ઉત્તેજન આપી રહ્યા છે.
આ એકાઉન્ટ્સના હજારો ફૉલોઅર્સ હતા અને તેમાં મૂકાતી પોસ્ટને અસલી ઇન્ફ્લુએર્ન્સ તરફથી લાઇક મળી હોય કે રિટ્વીટ કરવામાં આવ્યું હોય તેવું પણ જોવા મળતું હતું. તેનો ઉલ્લેખ કરીને વૅબસાઇટ્સમાં સમાચારો પણ અપાતા હતા.
દરમિયાન, જે ખેડૂતો આંદોલન યથાવત રાખી રહ્યાં છે તેમનું માનવું છે કે આ એક ઇરાદાપૂર્વક રાજકીય પગલું છે.
પ્રદર્શનમાં ભાગ લઈ રહેલા અને ધરણાં પર બેસેલા ખેડૂતોના 30 યુનિયનોમાંથી એક ભારતીય કિસાન યુનિયનના નેતા જગજિત સિંઘે દાલેવાલે કહ્યું, "અમારું માનવું છે કે સરકારના કહેવાથી આ ઍકાઉન્ડ બનાવાયા હતાં તે માત્ર વિરોધ સામે એક ખોટી ઓળખ ઊભી કરવા માટે બનાવાયા હતા."
જોકે સોશિયલ મીડિયામાં યૂઝર્સને આકર્ષવા માટેના આવા પ્રયાસોમાં ખરેખર સામાન્ય જનતા સામેલ થતી હોતી નથી કે અસલી યૂઝર્સ ફૅક એકાઉન્ટ્સ સાથે સંવાદ કરતા હોય તેવું બહુ દેખાતું હોતું નથી. પરંતુ આ નેટવર્કના એકાઉન્ટ્સનું સંશોધન કરીને તેમાં મૂકવામાં આવેલી એવી પોસ્ટ પણ જોવામાં આવલી હતી, જે અંગે જાણીતા, સુવિદિત મહાનુભાવોના એકાઉન્ટ્સ તરફથી પ્રતિક્રિયા થઈ હોય.
આ ઉપરાંત આ નકલી લોકોએ અહીં મૂકેલી માહિતીને ઘણા ન્યૂઝ બ્લૉગ અને વૅબસાઇટ્સમાં મૂકવામાં આવી હોય - એમ્બેડ કરવામાં આવી હોય તે વિશે પણ આ અહેવાલમાં જણાવાયું છે.
આ રીતે ઑનલાઇન માહિતી ફેલાવવાની બાબતને જાણકારો "ઍમ્પ્લીફિકેશન" કરવું એ રીતે ઓળખાવતા હોય છે. એટલે કે અમુક બાબતોને ચગાવવામાં આવતી હોય છે અને આવા નેટવર્કને વધારે પ્રતિસાદ મળે તેટલી વાત વધારે ચગતી હોય છે.
વૅરિફાઇ કરેલા એકાઉન્ટ્સ ધરાવતા કેટલા જાણીતા લોકોએ આ નેટવર્કમાં મૂકેલી પોસ્ટ્સને પ્રતિક્રિયા આપી હતી. તેમનો મત જાણવા માટે બીબીસીએ તેમનો સંપર્ક કર્યો હતો.
પોતાને માનવતાવાદી અને સામાજિક કાર્યકર ગણાવતા રૂબલ નેગીએ એક ફેક ટ્વિટ ઍકાઉન્ટના ટ્વિટ્સ પર પ્રતિક્રિયાઓ આપી હતી. બે હાથે તાળી પડતી હોય તેવા ઇમોજી તેમણે મૂક્યા હતા. પ્રતિસાદમાં રૂબલ નેગીએ જણાવ્યું કે "આ ઍકાઉન્ટ ફૅક હતું તે જાણીને મને દુઃખ થયું છે".
પોતાને લશ્કરી બાબતોના નિષ્ણાત ગણાવતા કર્નલ રોહિત દેવે પણ આમાંના એક એકાઉન્ટ્સમાં થમ્સ અપ ઇમોજીથી પ્રતિસાદ આપ્યો હતો. તેમણે પ્રતિક્રિયા આપતા કહ્યું કે પોતે એ એકાઉન્ટ ચલાવતી વ્યક્તિને જાણતા નથી.
ડિજિટલ રાઇટ્સ માટે ઝુંબેશ ચલાવતા અને મીડિયાનામા નામની વૅબસાઇટના તંત્રી નિખીલ પાહવા કહે છે આ પ્રકારના પ્રચાર કરનારા નેટવર્ક અમુક ચોક્કસ વિચારસરણી ધરાવતા લોકોને આકર્ષવા માટે કોશિશ કરતા હોય છે.
પાહવા કહે છે, "આવાં 80 જેટલાં ઍકાઉન્ટ્સને કારણે અમુક બાબત પ્રચલિત થઈ જવાની નથી, પરંતુ સતત પ્રચાર કરીને તે લોકો અમુક વિચારો અને અભિપ્રાયોને બદનામ કરવાની કોશિશ કરતા હોય છે."
"આ એક સિફતપૂર્વકનો પ્રયાસ હોય તેવું લાગે છે અને કોઈ વ્યાપક ઑપરેશનના ભાગરૂપે હોય તેવું લાગે છે."
ભારતમાં શીખોની ભાષા પંજાબી છે, પરંતુ આ નકલી ઍકાઉન્ટ્સમાં જે પ્રચાર થતો હતો તેમાં ભાગ્યે જ પંજાબી ભાષાનો ઉપયોગ થયો હતો. મોટા ભાગની વિગતો અંગ્રેજીમાં મૂકાયેલી હતી.
પાહવા એમ પણ જણાવે છે કે ખેડૂત આંદોલનની બાબતમાં બધા જ પક્ષો તરફથી રાજકીય હલચલ હતી અને કોઈ સમર્થન આપવાની કોશિશ કરી રહ્યા હતા, જ્યારે કેટલાક બદનામ કરવાની કોશિશમાં લાગ્યા હતા.
"રાજકીય પ્રચારનું યુદ્ધ જીતી જવા માટેની રમતનો આ ભાગ છે."
બીબીસીએ આ અહેવાલ ટ્વિટર અને ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામની માલિકી ધરાવતી કંપની મેટાને દેખાડીને તેમની પ્રતિક્રિયા જાણવા માગી હતી.
ટ્વિટરે આ ઍકાઉન્ટ્સને તેમના 'પ્લૅટફૉર્મનો દુરુપયોગ' કરવાના તથા ફૅક એકાઉન્ટ અંગેના નિયમો ના ભંગ બદલ સસ્પેન્ડ કરી દીધા.
ટ્વિટરના પ્રવક્તાએ જણાવ્યું કે: "હાલમાં સંયુક્ત રીતે વ્યાપક પ્રયાસો થઈ રહ્યા હોય તેવા કોઈ પુરાવા નથી, એક જ વ્યક્તિ અનેક ઍકાઉન્ટ્સ ચલાવતી હોય કે પ્લૅટફૉર્મનો અન્ય રીતે દુરુપયોગ થતો હોય તેવા કેવા કોઈ પુરાવા નથી."
મેટા કંપનીએ પણ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર રહેલા આવા ઍકાઉન્ટ્સને "અશ્રદ્ધેય વર્તણૂક" વિશેની પોતાની નીતિઓને ધ્યાને રાખીને દૂર કરી દીધા છે.
મેટાના પ્રવક્તાએ જણાવ્યું કે આ એકાઉન્ટ્સ "પોતાની માહિતીની લોકપ્રિયતા કે તેના મૂળ અંગે લોકોને ગેરમાર્ગે દોરતા હતા અને ફૅક એકાઉન્ટ્સનો ઉપયોગ કરીને લોકો પર પ્રચારનો મારો ચલાવતા હતા અને અમારા નિયંત્રણોને ટાળતા હતા".
https://www.youtube.com/watch?v=yUwejY1AQ-I
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો