નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટને લઈને મોટી જાહેરાત કરી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સચિવ રાજીવ બંસલે જણાવ્યું હતું કે કોરોના સમયગાળા દરમિયાન બંધ કરાયેલી તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ડિસેમ્બરના અંત સુધીમાં ફરી શરૂ કરવામાં આવશે. આ વર્ષના અંત સુધીમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ સામાન્ય થઈ જવાની અપેક્ષા છે.
તમને જણાવી દઈએ કે કોરોનાના કારણે ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ આંતરરાષ્ટ્રીય પેસેન્જર ફ્લાઇટ પર લાગુ પ્રતિબંધને 29 ઓક્ટોબરથી 30 નવેમ્બર સુધી લંબાવી દીધો છે. જો કે, ડીજીસીએએ કહ્યું હતું કે આ નિયંત્રણો કાર્ગો ફ્લાઇટ્સ અને ખાસ કરીને ડીજીસીએ દ્વારા મંજૂર કરાયેલી ફ્લાઇટ્સ પર લાગુ થશે નહીં. સરકારના આ નિર્ણયથી વિદેશ જનારા પ્રવાસીઓને મોટી રાહત મળવાની આશા છે. હાલમાં, વંદે ભારત હેઠળ ફ્લાઇટ્સ ઉડાન ભરી રહી છે.
ખોટ કરતી એર ઈન્ડિયા અંગે રાજીવ બંસલે કહ્યું કે વર્ષના અંત સુધીમાં તેને ટાટા જૂથને સોંપવામાં આવે તેવી શક્યતા છે. તેમણે કહ્યું કે, અમે ડિસેમ્બરના અંત સુધીમાં એર ઈન્ડિયાની તમામ કામગીરી સોંપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, સરકારે ઑક્ટોબરમાં 18,000 કરોડ રૂપિયામાં ટાટા જૂથને એર ઈન્ડિયામાં તેની 100 ટકા હિસ્સેદારી વેચવાની પુષ્ટિ કરતો ઈરાદો પત્ર (LOI) જારી કર્યો હતો. તમને જણાવી દઈએ કે ટાટા ગ્રૂપે સ્પાઈસજેટના પ્રમોટર અજય સિંહને પછાડીને એર ઈન્ડિયાને ખરીદી લીધી જેણે એર ઈન્ડિયા માટે 15,100 કરોડ રૂપિયાની બિડ કરી હતી. તમને જણાવી દઈએ કે ટાટા પહેલાથી જ વિસ્તારા અને એરએશિયા ઈન્ડિયા એરલાઈન્સની માલિકી ધરાવે છે, આ ઉપરાંત સિંગાપોર એરલાઈન્સમાં પણ ટાટાની ભાગીદારી છે.