અધિકારીઓએ જણાવ્યું હતું કે, મંગળવારના રોજ પશ્ચિમ બલ્ગેરિયામાં એક હાઇવે પર મોટાભાગે ઉત્તર મેસેડોનિયન પ્રવાસીઓને લઈ જતી બસમાં અચાનક આગ લાગતા 12 બાળકો સહિત ઓછામાં ઓછા 45 લોકોનાં મોત થયા હતા. સળગતી બસમાંથી કૂદકો મારનારા સાત લોકોને સોફિયાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને તેઓની સ્થિતિ સ્થિર હોવાનું હોસ્પિટલ સ્ટાફે જણાવ્યું હતું.
બલ્ગેરિયાના આંતરિક મંત્રાલયે જણાવ્યું હતું કે, 45 લોકોના મોત થયા છે, જે અગાઉ આપવામાં આવેલા ટોલ કરતા એક ઓછો છે.
બલ્ગેરિયન અધિકારીઓએ જણાવ્યું હતું કે, અકસ્માતનું કારણ અસ્પષ્ટ હતું, પરંતુ બસ આગ લાગી તે પહેલા કે પછી હાઇવે બેરિયરને અથડાઈ હતી. ટેલિવિઝન ફૂટેજમાં હાઇવેની વચ્ચે બસ સળગી ગયેલી દેખાઈ રહી છે.
બલ્ગેરિયાના વચગાળાના વડાપ્રધાન સ્ટેફન યાનેવે પત્રકારોને જણાવ્યું હતું કે, "આ એક મોટી દુર્ઘટના છે." ગૃહ પ્રધાન બોયકો રશ્કોવે કહ્યું કે, "લોકો અંદર બળીને રાખ થઈ ગયા છે. તસવીર ભયાનક અને હર્દયદ્રાવક છે. મેં આ પહેલા ક્યારેય એવું કંઈ જોયું નથી. બલ્ગેરિયન તપાસ સેવાના વડા બોરિસ્લાવ સરાફોવે જણાવ્યું હતું કે, ઉત્તર મેસેડોનિયન ટ્રાવેલ એજન્સીની ચાર બસો સોમવારે મોડી રાત્રે તુર્કીથી બલ્ગેરિયામાં પ્રવેશી હતી. ડ્રાઇવર દ્વારા માનવ ભૂલ અથવા તકનીકી ખામી એ અકસ્માતના બે પ્રારંભિક સંસ્કરણ છે. આ અકસ્માત સોફિયાથી 45 કિમી (28 માઇલ) પશ્ચિમમાં સ્ટ્રુમા હાઇવે પર સવારે 2:00 કલાકે (0000 GMT) થયો હતો.
ઉત્તર મેસેડોનિયન વિદેશ પ્રધાન બુજાર ઓસ્માનીએ જણાવ્યું હતું કે, કોચ પાર્ટી ઇસ્તંબુલની સપ્તાહના રજાના પ્રવાસથી સ્કોપજે પરત ફરી રહી હતી. ઉત્તર મેસેડોનિયાના વડાપ્રધાન જોરાન ઝેવે ખાનગી ટેલિવિઝન ચેનલ BTVને જણાવ્યું હતું કે, હું વ્યથિત છું. આ એક મોટી દુર્ઘટના છે."