લખનઉઃ કેન્દ્ર સરકાર પાસે સીએએ અને એનઆરસીને રદ કરવાની એઆઈએમઆઈએમ પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીની માંગ પર ખેડૂત નેતા રાકેશ ટિકેતનુ મોટુ નિવેદન સામે આવ્યુ છે. રાકેશ ટિકેતે ઓવૈસી અને ભાજપ વચ્ચે કાકા-ભત્રીજાનો સંબંધ બતાવ્યો છે. ટિકેતે કહ્યુ કે ઓવૈસી અને ભાજપ વચ્ચે કાકા-ભત્રીજાનો સંબંધ છે. તેમણે આ વિશે ટીવી પર વાત ન કરવી જોઈએ. તે આ વાત સીધી કહી શકે છે.
ઓવૈસીએ આપી છે ચેતવણી
વાસ્તવમાં, રવિવારે બારાબંકીમાં એક રેલીને સંબોધિત કરીને અસદુદ્દીન ઓવૈસીએ ચેતવણી આપી કે જો સીએએ અને એનઆરસીને ખતમ કરવામાં નહિ આવે તો પ્રદર્શનકારી રસ્તા પર ઉતરશે અને તેને શાહિન બાગમાં ફેરવી દેશે. દિલ્લીનુ શાહીન બાગ સીએએ અને એનઆરસીનો વિરોધનુ કેન્દ્ર રહ્યુ હતુ જ્યાં સીએએ સામે આંદોલન માટે સેંકડો મહિલાઓએ ઘણા મહિનાઓ સુધી પ્રદર્શન કર્યુ. દિલ્લી પોલિસે 2020ની શરૂઆતમાં કોવિડ-19 મહામારીના કારણે લૉકડાઉન બાદ ધરણા સ્થળને ખાલી કરાવ્યા હતા.
લખનઉમાં થઈ રહી છે ખેડૂતોની મહાપંચાયત
તમને જણાવી દઈએ કે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા ત્રણે નવા કૃષિ કાયદાની વાપસીના એલાન બાદ આજે સંયુક્ત કિસાન મોરચાની લખનઉમાં ખેડૂત મહાપંચાયત આયોજન કરવામાં આવ્યુ છે. આ મહાપંચાયત લખનઉમાં ઈકોગાર્ડન(જૂની જેલ) બંગલા બજારમાં આયોજિત કરવામાં આવી. આમાં ખેડૂત નેતા રાકેશ ટિકેત, દર્શનપાલ સહિત ઘણા નેતા ભાગ લઈ રહ્યા છે. આ મહાપંચાયતમાં સંયુક્ત મોરચાની ભવિષ્યની રણનીતિ પર મંથન થઈ રહ્યુ છે. કેન્દ્ર દ્વારા ત્રણે કૃષિ કાયદાને પાછા લેવાની ઘોષણા છતાં ખેડૂત નેતાઓનુ કહેવુ છે કે જ્યાં સુધી સરકાર લઘુત્તમ ટેકાના મૂલ્યની ગેરેન્ટીવાળો કાયદો અને લખીમપુર ખીરી હિંસા મામલે કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી અજય કુમાર ટેનીની ધરપકડ ન કરે ત્યાં સુધી તેમનુ આંદોલન ચાલુ રહેશે.