કૃષિ કાયદા વાપસીઃ ખેડૂત સંગઠનોની આજે મહત્વની બેઠક, આગળની યોજના પર થશે નિર્ણય
નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ત્રણ કૃષિ કાયદાને પાછા લેવાની ઘોષણા કર્યા બાદ ખેડૂત સંગઠનોની આજે રવિવારે(21 નવેમ્બર)ના રોજ મહત્વની બેઠક થવાની છે. આ બેઠકમાં કૃષિ કાયદા પાછા લેવા અને ખેડૂત આંદોલનની આગળની શું યોજના છે તેના પર ચર્ચા કરવામાં આવશે. આંદોલનકારી ખેડૂતની આ બેઠકનુ આયોજન સંયુક્ત ખેડૂત મોરચા(એસકેએમ) દ્વારા કરવામાં આવી રહ્યુ છે. એસકેએમ કોર કમિટીના સભ્ય દર્શન પાલે કહ્યુ કે એમએસપી મુદ્દા અને આગામી શિયાળુ સત્ર દરમિયાન સંસદ સુધી પ્રસ્તાવિત દૈનિક ટ્રેક્ટર માર્ચ અંગે પણ નિર્ણય લેવામાં આવશે.
ત્રણે કાયદાને પાછા લેવાના પોતાના નિર્ણય બાદ કેન્દ્ર હવે આંદોલનકારી ખેડૂત સંઘો અને વિપક્ષી દળોના દબાણનો સામનો કરી રહ્યુ છે કે તે લઘુત્તમ ટેકાના મૂલ્યની ગેરેન્ટીવાળો કાયદો લાવે. સત્તારૂઢ ભાજપ સાંસદ વરુણ ગાંધીએ પણ ટ્વિટ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે આ માંગ કરી છે. વરુણ ગાંધીએ લખ્યુ છે કે એમએસપીનો મુદ્દો ઉકેલવા સુધી આંદોલન સમાપ્ત નહિ થાય.
ખેડૂત નેતાઓનુ કહેવુ છે કે જ્યાં સુધી કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર સંસદમાં આ ત્રણે કાયદાઓને ઔપચારિક રીતે રદ ન કરી દે ત્યાં સુધી પ્રદર્શનકારી ખેડૂત દિલ્લીના સીમાવર્તી વિસ્તારોમાં જ રહેશે. દર્શન પાલે કહ્યુ, 'સંસદ સુધી ટ્રેક્ટર માર્ચનુ અમારુ આહ્વાન હજુ પણ અડગ છે. આંદોલનના ભવિષ્યના પાઠ્યક્રમ અને એમએસપી મુદ્દે અંતિમ નિર્ણય રવિવાર(21 નવેમ્બર)ના રોજ સિંધૂ સીમા પર એસકેએમની બેઠકમાં લેવામાં આવશે.'
એસકેએમે કહ્યુ કે તેના નિર્ધારિત કાર્યક્રમ ચાલુ રહેશે. એસકેએમે ખેડૂતોને 26 નવેમ્બરના રોજ કાયદા સામે આંદોલનને એક વર્ષ પૂર્ણ થવા પર બધા વિરોધ સ્થળોએ મોટી સંખ્યામાં એકઠા થવાનો આગ્રહ કર્યો છે. જો કે પીએમ મોદીએ ત્રણે કૃષિ કાયદાને પાછા લેવાના નિર્ણયનુ એલાન કરીને ખેડૂત આંદોલનમાં શામેલ ખેડૂતોને તેમના વિરોધ પ્રદર્શનને છોડીને ઘરે જવાનો આગ્રહ કર્યો હતો.