હૈદરાબાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે ખેડૂતોની માંગ માનીને ત્રણ કૃષિ કાયદા પાછા લેવાનુ એલાન કરી દીધુ છે. ત્યારબાદ આ મુદ્દા અંગે રાજકીય પાર્ટીઓ પોતાનુ હિત સાધવામાં લાગી ચૂકી છે. વળી, આ બધા વચ્ચે તેલંગાના સરકારે કૃષિ કાયદાનો વિરોધ કરતી વખતે માર્યા ગયેલા દેશભરના 750 ખેડૂતોના પરિવારોને 3 લાખ રૂપિયાની રકમ મદદ તરીકે આપવાનુ એલાન કર્યુ છે.
તેલંગાના સરકારે શનિવારે દિલ્લીની સીમાઓ પર કેન્દ્રના કૃષિ કાયદાના વિરોધમાં માર્યા ગયેલા 750 ખેડૂતોના પરિવારોને વળતર રૂપે 3 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરવા સાથે જ મૃતક ખેડૂતોના પરિવારોની મદદ કરવા માટે એક માંગ પણ કરી છે. મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે કેન્દ્ર સરકારને વિરોધ પ્રદર્શન દરમિયાન માર્યા ગયેલા પ્રત્યેક ખેડૂતને 25 લાખ રૂપિયા આપવા અને પ્રદર્શન કરી રહેલા ખેડૂતો સામેના બધા કેસ પાછા લેવાની માંગ કરી.
તેલંગાના સીએમે આ જાહેરાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કેન્દ્ર દ્વારા પાસ ત્રણ કૃષિ કાયદા પાછા લીધાના એક દિવસ બાદ કરી છે. કેસીઆરના નામથી જાણીતા તેલંગાના સીએમે કહ્યુ કે તેલંગાના દ્વારા ઘોષિત વળતર પર રાજ્યને 22.5 કરોડ રૂપિયા ખર્ચ કરવા પડશે. તેમણે વિરોધ કરનાર નેતાઓને મરનાર ખેડૂતોનુ વિવરણ મોકલવાનો અનુરોધ પણ કર્યો છે.
કેસીઆરે વિજળી સુધારા બિલને પાછુ લેવા ઉપરાંત રાજ્ય વિધાનસભા દ્વારા પાસ પ્રસ્તાવ અનુસાર જાતિ આધારિત વસ્તી ગણતરીની પણ માંગ કરી છે. આ ઉપરાંત તેમણે કેન્દ્રને ખેડૂતો અને તેમના સમર્થકો સામે બધા કેસો પાછા લેવાની અને સંસદના શિયાળુ સત્રમાં લઘુત્તમ ટેકાના મૂલ્ય પર કાયદો લાવવાની માંગ કરી છે.