આ આદિવાસી મહિલાઓ કેવી રીતે બની ગયાં ખેડૂતો માટે રોલમૉડલ?

By BBC News ગુજરાતી
|

જો તેમણે અભ્યાસ કર્યોં હોત તો સોશિયલ મીડિયા પર તેઓ એક "ઇન્ફ્લુએન્સર" એટલે કે પ્રભાવ છોડનારી વ્યક્તિ તરીકે સક્રિય હોત.

પરંતુ તેમની પાસે એક એવી કુશળતા છે કે તેમને કૃષિ અને આદિવાસી કલ્યાણના બ્રાન્ડ ઍમ્બૅસૅડર તો બનાવી જ શકાય છે.

{image-_113109801 gujarati.oneindia.com}

13 વર્ષ પહેલાં પ્રેમા દાસપ્પા (50) જંગલમાં જ રહેતાં હતાં અને એકદમ ઓછાં મહેનતાણાં પર મજૂરી કરતાં હતાં.

હવે તેઓ અન્ય આદિવાસીઓને આર્થિક સશક્તીકરણની તાલીમ આપે છે.

મૈસૂર જિલ્લાના એચડી કોટાથી બીબીસી સાથે વાત કરતા દાસપ્પાએ જણાવ્યું કે પહેલા વર્ષે તેમણે એક એકર જમીન પર ચિયાનાં બીજ રોપ્યાં હતાં, જેનાથી તેમને 90 હજાર રૂપિયાની કમાણી થઈ હતી. આ બીજ તેમણે 18 હજાર રૂપિયા ક્વિન્ટલમાં વેચ્યાં હતાં. આ કમાણીથી તેમણે પોતાના દીકરાને મોટરસાઇકલ પણ ખરીદી આપી હતી.


પ્રેમાએ જમીનનો કંઈક નોખી રીતે ઉપયોગ કર્યો

પ્રેમા જેનૂ કુરુબા આદિવાસી સમુદાયના એ 60 પરિવારોમાં સામેલ હતાં જેમણે વર્ષ 2007-08માં નાગરહૉલ ટાઇગર રિઝર્વના જંગલની બહાર નીકળવા માટે ત્રણ એકર જમીનનું વળતર સ્વીકાર્યું હતું.

તેમાંથી 15 પરિવારો આજે પણ વનવિભાગ માટે મજૂરી કરે છે, જ્યારે 45 અન્ય પરિવારોએ જમીનનો ઉપયોગ માત્ર રહેવા માટે કર્યો. માત્ર પ્રેમાએ કંઈક અલગ કરવાનું વિચાર્યું.

આ જમીનનો કઈ રીતે સારો ઉપયોગ કરી શકાય એ સમજવા પ્રેમાએ ઘણી જગ્યાએ મુલાકાતો લીધી અને તેમણે પતિ સાથે અહીં ખેતીવાડી શરૂ કરી. તેમણે ચોખા, જુવાર, મકાઈ અને શાકભાજીના પાક લીધા.

તેમના જીવનમાં બદલાવ છેલ્લા દાયકાનાં અંતિમ વર્ષોમાં આવ્યો.

પ્રેમા જણાવે છે, "અમે અમારી જમીન કેરળની એક વ્યક્તિને કરાર પર આપી જેઓ હળદરની ખેતી કરવા માગતા હતા. અમે તેના બદલામાં પૈસા ન લીધા પણ કૂવો ખોદી આપવા કહ્યું."

જે વિસ્તારમાં આદિવાસીઓને જમીન આપવામાં આવી હતી ત્યાં સિંચાઈની કોઈ વ્યવસ્થા નહોતી.

પ્રેમા કહે છે, "તમામ લોકો વરસાદ પર નિર્ભર હતા. આ જમીન એટલી શુષ્ક છે કે લોકો અહીં ખેતી કરવાની જગ્યાએ બીજી જગ્યાએ જઈને મજૂરી કરવાનું પસંદ કરે છે. અહીં ખેતીમાં નાખેલા પૈસા પણ ડૂબી જવાનું જોખમ હોય છે."

પરંતુ પ્રેમાની વિચારસરણી અલગ હતી અને તેમનામાં કંઈક નવું શીખવાની ખેવના પણ હતી, જેનો તેમને ફાયદો થયો.

કર્ણાટક સરકારના વનવિભાગ સાથે મળીને લોકપુનર્વસન માટે કામ કરતી સંસ્થા 'ધ વાઇલ્ડલાઇફ કન્ઝર્વેટિવ સોસાયટી (ડબ્લ્યૂએલએસ)' પણ પ્રેમાની ક્ષમતાઓ ઓળખી ગઈ.

ડબ્લ્યૂએલએસ માટે કામ કરતા ગોવિંદપ્પાએ બીબીસીને જણાવ્યું, "અમે તેમની જમીન પર એક પૉલીહાઉસ લગાવ્યું જે દર ત્રણ મહિનામાં કેટલાંક પ્રકારનાં ફળ, ટમેટાં, રાગી અને કેળાં ઉગાડે છે. અમે માત્ર બીજ આપીએ છીએ અને પાક કિસાનનો હોય છે."

પૉલીહાઉસ ગ્રીનહાઉસ જેવું જ હોય છે પણ તે પૉલિથિનનું બનેલું હોય છે અને તેમાં સૂર્યપ્રકાશ બાજુમાંથી અંદર પ્રવેશે છે.


પ્રેમા દર મહિને સરેરાશ 50-60 હજાર રૂપિયા કમાય છે

પ્રેમાની શીખવાની ધગશ અને વનવિભાગ તથા ડબ્લ્યૂએલએસ તરફથી આપવામાં આવેલી તકનો ફાયદો ઉઠાવવાની કોશિશનું તેમને હવે સારું ફળ મળ્યું છે.

હવે તેઓ સૂપરફૂડ માનવામાં આવતાં ચિયા બીજ ઉગાડે છે અને તેને મોંઘા ભાવે વેચે છે.

તેઓ હસતાં-હસતાં કહે છે, "હું બીજા ખેડૂતોને પણ ચિયા ઉગાડવા માટે વેચું છું. હવે હું અડધો કિલો બીજ અઢીસો રૂપિયામાં વેચું છે."

તેઓ ખુશ થતા કહે છે કે હવે વનવિભાગ તેમને બીજી જગ્યાએ લઈ જાય છે જ્યાં તેઓ ખેડૂતોને સલાહ આપે છે.

પ્રેમા દર બીજા-ત્રીજા મહિને સરેરાશ 50-60 હજાર રૂપિયા કમાય છે.

પ્રેમાને બે બાળકો છે અને બંનેનાં લગ્ન થઈ ચૂક્યાં છે. તેઓ ગર્વ સાથે જણાવે છે કે તેમની એક પૌત્રી અંગ્રેજી સ્કૂલમાં ભણે છે.

અગાઉ વનવિભાગે તેમને કૃષિમેળાનું ઉદ્ધાટન કરવા અપીલ કરી હતી. આ મેળાનું ઉદ્ધાટન મુખ્ય મંત્રી બાસવરાજ બૉમ્મઈ કરવાના હતા. મુખ્ય મંત્રી એ દિવસે દિલ્હીમાં હતા.



https://youtu.be/z0TKBy0VbZ8

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો