ક્રિપ્ટોકરન્સી મામલે સુપ્રીમ કોર્ટે બુધવારે અક મોટો નિર્ણય આપ્યો જેમાં વર્ચ્યુઅલ કરન્સી મારફતે ક્રિપ્ટોકરન્સીમાં લેવડદેલડ પરથી રોક હઠાવી લેવામાં આવી છે.
વર્ષ 2018ના રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના એક પરિપત્રને પડકારતી ઇન્ટરનેટ ઍન્ડ મોબાઇલ ઍસોસિયેશન ઑફ ઇન્ડિયાની અરજીને સુપ્રીમ કોર્ટ સ્વીકારી હતી.
હવે સુપ્રીમ કોર્ટના બુધવારના નિર્ણયથી વર્ચ્યુઅલ કરન્સીની લેવડદેવડનો રસ્તો ખૂલી ગયો છે.
ભારતની કેન્દ્રીય બૅન્ક આરબીઆઈએ એપ્રિલ 2018માં બૅન્કોને ક્રિપ્ટોકરન્સી મારફતે લેવડદેવડ નહીં કરવાના નિર્દેશ આપતો પરિપત્ર બહાર પાડ્યો હતો.
2018માં ડિજિટલ કરન્સી ધરાવનાર 50 લાખ યૂઝર્સ હોવોના અહેવાલ મળ્યા હતા.
અને તેની ચર્ચા ત્યારે વધી હતી જ્યારે ક્રિપ્ટોકરન્સી ધારકોના રાતોરાત લાખો અને કરોડો કમાવવાના સમાચાર આવી રહ્યા હતા.
શું છે ક્રિપ્ટોકરન્સી?
ડિજિટલ કરન્સી એક એવી મુદ્રા છે જે ઑનલાઇન હોય છે, તે સામાન્ય રીતે વપરાતી મુદ્રા, જેમ કે સિક્કા અને નોટ જેવી નથી હોતી. જોકે વિશેષ એટીએમમાંથી બિટકૉઇન ઇસ્યૂ કરાવી શકાય છે. તમે તેને વર્ચ્યુઅલ ટોકનની જેમ જોઈ શકો છો.
બિટકૉઇન એક પ્રખ્યાત ક્રિપ્ટોકરન્સી છે.
તેનું લૉન્ચિંગ 2009માં કરવામાં આવ્યું હતું. એ પછી તેના મૂલ્યમાં ધરખમ ફેરફારો જોવા મળ્યા હતા.
બિટકૉઇન કમ્પ્યૂટર કોડથી બનેલી ડિજિટલ કરન્સી કે વર્ચ્યુઅલ કરન્સી છે. લોકો તેને ઑનલાઇન 'કૅશ' તરીકે પણ ઓળખે છે.
એકદમ સાદા શબ્દોમાં કહીએ તો બિટકૉઇન એક કમ્પ્યૂટર ફાઇલ છે, તેનો સંબંધ કોઈ બૅન્ક કે સરકાર સાથે નથી.
એટલે કે બિટકૉઇન સરકારો અથવા બૅન્કો દ્વારા નથી છાપવામાં આવતું.
માઇનિંગ નામની જટિલ પ્રક્રિયાથી બિટકૉઇન ક્રીએટ કરવામાં આવે છે.
દુનિયાભરમાં કમ્પ્યૂટર નેટવર્ક પર તેને મૉનિટર કરવામાં આવે છે.
આ મુદ્રા કોઈ બૅન્કે બહાર પાડી ન હોવાથી તેના પર કોઈ ટેક્સ લાગતો નથી.
બિટકૉઇન ગુપ્ત કરન્સી છે અને તેને સરકારથી છુપાવીને રાખી શકાય છે.
બિટકૉઇનની મદદથી તમે સામાન કે સર્વિસ માટે ચુકવણી કરી શકો છો.
જોકે, બિટકૉઈન બહુ ઓછી બાબતો માટે વાપરી શકાય છે. કેટલાક દેશોમાં તો બિટકૉઇનનો વપરાશ પ્રતિબંધિત છે.
હાલ બુધવારે એક બિટકૉઇનની કિંમત 6,46,858.73 રૂપિયા હતી.
ગત પાંચ વર્ષમાં એવું અનેક વખત થયું કે બિટકૉઇનની કિંમત કોઈ ચેતવણી વગર 40થી 50 ટકા નીચે આવી હતી.
2013 એપ્રિલમાં ભારે ઉથલપાથલ થઈ હતી જેમાં બિટકૉઇનની કિંમત 70 ટકા નીચે આવી અને 233 ડૉલરથી પડીને 67 ડૉલર થઈ ગઈ હતી.
બિટકૉઇનનો સૌથી વધારે ઉપયોગ રોકાણ માટે કરવામાં આવે છે.
જોકે, બીજી કરન્સીની જેમ તેના ભાવ એ વાત પર નિર્ભર કરે છે કે લોકો તેને વેચવા અથવા ખરીદવા માટે કેટલો ખર્ચ કરવા માગે છે.
બિટકૉઇન કેવી રીતે ખરીદાય છે
બિટકૉઇન સૌથી જાણીતી ક્રિપ્ટોકરન્સી છે પરંતુ હજારો પ્રકારની ક્રિપ્ટોકરન્સીની લે-વેચ થઈ રહી છે, જેમકે રૅડ કૉઇન, સિયા કૉઇન, સિસ્કૉઇન, વૉઇસ કૉઇન અને મોનરે.
બિટકૉઇન રિસીવ કરવા માટે યૂઝર પાસે બિટકૉઇન ઍડ્રેસ હોવો જરૂરી છે જે સામાન્યપણ 27થી 34 અક્ષરો અને અંકોનો બનેલો હોય છે.
આ એક વર્ચ્યુઅલ પોસ્ટબૉક્સ છે જ્યાંથી બિટકૉઇનને મોકલી શકાય અને જ્યાં તેને રિસીવ કરી શકાય.
આની સાથે ખરું નામ અને ઍડ્રેસ રજિસ્ટર નથી થતા, જેનાંથી કેટલાક બિટકૉઇન યૂઝર્સ ઓળખ છુપાવી શકે છે. બિટકૉઇન વૉલેટ ઍડ્રેસને સ્ટોર કરે છે અને બચતનું સંચાલન કરે છે.
આ એક ખાનગી બૅન્ક એકાઉન્ટની જેમ વર્તે છે. જો ડેટા ખોવાઈ જાય તો બિટકૉઇન પણ ગુમાવી દીધા એમ કહી શકાય. જોકે વૉલેટ ખોલવા માટે આઈડી માગવામાં આવે છે.
બિટકૉઇન અંગેના નિયમો પ્રમાણે બે કરોડ દસ લાખ બિટકૉઇન્સ ક્રીએટ થઈ શકે છે. જોકે એ સ્પષ્ટ નથી કે ત્યાર પછી શું થશે.
આવી ડિજિટલ મુદ્રાધારકોની ઓળખ જાહેર ન થવાથી ઇન્ટરનેટ પર ગેરકાયદેસર ખરીદી તરફ આકર્ષણ જોવા મળ્યું છે.
જોકે, અમુક ક્ષેત્રમાં બિટકૉઇનને માન્યતા મળતા, ગ્રાહકોને બિટકૉઇન બદલ વસ્તુઓ અથવા સેવાઓ ખરીદવાનો મોકો મળ્યો છે.
માઇક્રોસૉફ્ટ જેવી માઇક્રોસૉફ્ટ કમ્પનીઓ અને ટ્રાવેલ બુકિંગ કરતી ઍક્સપીડિયાથી લઈને વિદેશમાં અમુક નાના વેપારીઓ અને રેસ્ટોરાંમાં બિટકૉઇન સ્વીકાર કરવામાં આવે છે.
ટૅક્નૉલૉજીને સારી રીતે સમજી ન શકતી વ્યક્તિ પણ બિટકૉઇનનો ઉપયોગ કરી શકે છે.
ઉપયોગકર્તા બિટકૉઇનને કમ્પ્યૂટર કે મોબાઇલ ફોન પર બિટકૉઇન વૉલેટ ઍપ્લિકેશન મારફત તેને ઇન્સ્ટૉલ કરી શકતા હોય છે.
વૉલેટના માધ્યમથી બિટકૉઇન મોકલી શકાય છે અથવા મેળવી શકાય છે. લેવડદેવડની તમામ વિગત 'બ્લૉક ચેઇન'માં નોંધાય છે.
બ્લૉક ચેઇન એક ડેટાબેઝ સિસ્ટમ છે અને તેમાં તમામ વિગત નોંધવામાં આવે છે.
આમાં પૈસાની લેવડદેવડ માટે બૅન્કની જરૂર નથી રહેતી. બિટકૉઇનના બધા જ વપરાશકારો બ્લૉક ચેઇનથી જોડાયેલા હોય છે.
આ કરન્સી માત્ર કોડમાં જ રહે છે, જેથી તેને જપ્ત પણ નથી કરી શકાતી અને તેનો નાશ પણ નથી થતો.
બિટકૉઇન ત્રણ રીતે મેળવવામાં આવે છે.
ક્રિપ્ટોકરન્સીના કેટલાક ફાયદા છે. પહેલો અને સૌથી નાનો ફાયદો તો એ છે કે ડિજિટલ કરન્સી હોવાને કારણે તેમાં દગાબાજી થવાની શક્યતા ઓછી છે.
ક્રિપ્ટોકરન્સીમાં રિટર્ન અથવા લાભ વધારે હોય છે, ઑનલાઇન ખરીદીને કારણે લેવડ-દેવડ સહેલી હોય છે.
નોટબંધી અને અવમૂલ્યનની અસર નહિંવત હોય છે.
પરંતુ બિટકૉઇન જેવી વર્ચ્યુઅલ કરન્સીમાં ભારે ઊથલપાથલ કેટલીક વખત ચિંતાનો વિષય બની શકે છે.
અમેરિકન શૅરબજાર વૉલસ્ટ્રીટમાં ચિંતા વ્યક્ત કરવા છતાં બિટકૉઇન મારફતે લેવડદેવડની પરવાનગી છે.
આ વર્ચ્યુઅલ કરન્સી છે એટલે આમા કરેલો સોદો જોખમી હોય છે. ગુજરાતમાં બિટકોઇન ટ્રેડિંગના કેસમાં કથિત રીતે આકરી ઉઘરાણીને પગલે એક વ્યક્તિએ આત્મહત્યા કરી હોવાની ઘટના ગત વર્ષે મે મહિનામાં બની હતી.
બીબીસીના સહયોગી ભાર્ગવ પરીખના એ વખતના એક અહેવાલ મુજબ ગુજરાતમાં નોટબંધી પછી બિટકોઇનમાં મોટા પાયે રોકાણ થયું હતું. મૂળ અમરેલીના અને સુરતમાં ધંધો કરતા શૈલેશ ભટ્ટ દ્વારા બિટકોઇનનું કૌભાંડ બહાર આવ્યું.
શૈલેશ ભટ્ટ ટેક્નોસેવી નહોતા એટલે એમના પાર્ટનર કિરીટ પાલડિયા સાથે બિટકોઇનમાં પૈસા રોક્યા હતા. જોકે, તકરાર થયા પછી અપહરણની ફરિયાદ નોંધાઈ હતી.
એ વખતે આ કેસમાં અમરેલીના એસ.પી. અને પી.આઈ. અનંત પટેલ સમેત પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાની મદદથી પોલીસ એમને પરેશાન કરી રહી છે હોવાની ફરિયાદ ફેબ્રુઆરી 2018માં નોંધાઈ હતી.
ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાની ધરપકડ થઈ હતી અને બાદમાં તેમને જામીન મળ્યા હતા.
https://www.youtube.com/watch?v=ixEPBcq0tc4
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો