નવી દિલ્હી, 20 નવેમ્બર : હવે દિલ્હી મેટ્રોમાં બેસીને 100 ટકા ક્ષમતા સાથે મુસાફરી કરી શકશે. આ ઉપરાંત 30 મુસાફરો એક કોચમાં ઉભા રહીને પણ મુસાફરી કરી શકશે. આ સિવાય દિલ્હીમાં બસોમાં ઉભા રહેવાની પણ મંજૂરી આપવામાં આવી છે. દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA) એ શનિવારે આ સંબંધમાં આદેશ જારી કર્યો છે. દિલ્હીમાં વાયુ પ્રદૂષણની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કે પબ્લિક ટ્રાન્સપોર્ટ કરતાં વધુ લોકો મુસાફરી કરી શકે.
દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણને જોતા DDMAએ દિલ્હી મેટ્રો અને બસમાં ઉભા રહીને મુસાફરી કરવાની પરવાનગી આપી છે. મેટ્રોના દરેક કોચમાં 30 મુસાફરો ઉભા રહીને મુસાફરી કરી શકશે. મુસાફરો બસની સીટ ક્ષમતાના 50 ટકા સુધી ઉભા રહીને મુસાફરી કરી શકશે. અત્યાર સુધી માત્ર 100 ટકા બેઠક ક્ષમતા પ્રમાણે જ મુસાફરી કરી શકતા હતા. તમને જણાવી દઈએ કે, કોરોના રોગચાળાને કારણે મેટ્રોમાં ઉભા રહીને મુસાફરી કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હવે લોકોએ પ્રદૂષણમાં ખાનગી વાહનને બદલે બસ અને મેટ્રોનો ઉપયોગ કરે તેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
દિલ્હી અને NCRમાં હવાની ગુણવત્તા ખૂબ જ નબળી શ્રેણીમાં છે. વાયુ પ્રદૂષણને કારણે દિલ્હી સરકારે શાળાઓ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓને આગામી આદેશ સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે. માત્ર ઓનલાઈન શિક્ષણને જ મંજૂરી આપવામાં આવી છે. દિલ્હી અને તેની આસપાસ એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) સતત કટોકટીની સ્થિતિમાં છે. આ બાબતે સતત મીટીંગો પણ ચાલી રહી છે પરંતુ સ્થિતિ જેમની તેમ જ છે.