ખેડૂતો અને મજૂરો વિરુદ્ધ રચાયેલા કાવતરાની હાર
કૃષિ કાયદાને પાછો ખેંચવાના નિર્ણય પર સોનિયા ગાંધીએ નિવેદન જારી કરીને કહ્યું કે, આજે 700 થી વધુ ખેડૂત પરિવારોના બલિદાનનું વળતર મળ્યું છે, જેમણે ન્યાય માટેના આ સંઘર્ષમાં પોતાનો જીવ આપ્યો. આજે સત્ય, ન્યાય અને અહિંસાની જીત થઈ છે. ખેડૂતો અને મજૂરો વિરુદ્ધ ષડયંત્ર કરનારા સત્તામાં રહેલા સરમુખત્યારશાહી લોકોના ઘમંડનો પણ પરાજય થયો છે.
મોદી સરકારને ભવિષ્ય માટે બોધપાઠ મળશે
પોતાના નિવેદનમાં સોનિયા ગાંધીએ વધુમાં કહ્યું કે, જે કાવતરું લોકોની આજીવિકા અને ખેતી પર હુમલો કરવા માગતું હતું તે આજે પરાસ્ત થયું છે. આજે દેશના અન્નદાતાની જીત થઈ છે. લોકશાહીમાં કોઈપણ નિર્ણય વિપક્ષ અને દરેક વ્યક્તિ સાથે ચર્ચા કર્યા પછી લેવામાં આવે છે, જે તે નિર્ણયમાં કોઈને કોઈ રીતે સામેલ હોય છે. મને આશા છે કે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર ભવિષ્ય માટે આમાંથી કંઈક બોધપાઠ મેળવશે.
જ્યાં સુધી સંસદમાં કાયદા રદ નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે
બીજી તરફ કૃષિ કાયદાને રદ કરવાના નિર્ણય પછી ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું કે આંદોલન ચાલુ રહેશે. રાકેશ ટિકૈતે કહ્યું કે, હજું ક્યાં કૃષિ કાયદાઓ રદ થયા છે, ક્યાં છે રદ કરવાના કાગળો. અમારું આંદોલન ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી સંસદમાં કૃષિ કાયદાને રદ કરવામાં નહીં આવે અને MSPની ગેરંટી સહિત ખેડૂતોના અન્ય પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે. જો કાયદા રદ કરવામાં આવશે તો અમે પણ અમારા ઘરે પાછા જઈશું.