નવી દિલ્હી, 18 નવેમ્બર : કોરોના વાયરસ સામે ચાલી રહેલા રસીકરણમાં દેશે એક નવો માઈલ સ્ટોન પાર કર્યો છે. કોવિડ રસીના 1 અબજ ડોઝ પુરા કર્યા બાદ માત્ર 27 દિવસમાં જ દેશે 115 કરોડ ડોઝ આપવાનો રેકોર્ડ પણ હાંસલ કર્યો છે. કોવિન પોર્ટલ પર નોંધાયેલા ડેટા અનુસાર ગુરુવાર સુધીમાં દેશભરમાં 1 અબજ 15 કરોડ 7 લાખ 92 હજાર 670 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે ગયા મહિને 21 ઓક્ટોબરે ભારતે 100 કરોડ ડોઝનો જાદુઈ આંકડો પાર કર્યો હતો. રસીકરણની ઝડપમાં ઉત્તર પ્રદેશનું નામ ટોચ પર છે.
ગુરુવારે (18 નવેમ્બર) દેશમાં કોરોના વાયરસના નવા કેસ સ્થિર છે પરંતુ મૃત્યુઆંક વધ્યો છે. ગુરુવારે (18 નવેમ્બર) કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 11,919 નવા કેસ નોંધાયા છે. બીજી તરફ 470 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં 11,242 લોકો કોરોનાથી સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસોની સંખ્યા 1,28,762 છે.