વર્ષ 2021 માટે ઍન્યુઅલ સ્ટેટસ ઑફ ઍજ્યુકેશન રિપોર્ટ (અસર) બહાર પાડવામાં આવ્યો છે, જે ગુજરાતમાં શિક્ષણ અંગે ચિંતાજનક ચિતાર રજૂ કરે છે.
ગુજરાતમાં સપ્ટેમ્બર મહિના દરમિયાન હાથ ધરવામાં આવેલા સરવેના તારણ પ્રમાણે, ગુજરાતમાં 3.3 ટકા બાળકોએ શાળામાં પ્રવેશ મેળવ્યો ન હતો. ત્રણ વર્ષ અગાઉ આ ટકાવારી 1.7 ટકા જેટલી હતી, આમ બમણા જેટલો વધારો થયો છે. આ અરસામાં પ્રવેશથી વંચિત બાળકીઓનું પ્રમાણ પણ બમણું થયું છે.
માર્ચ-2020 પછી ગુજરાતમાં ઑનલાઇન શિક્ષણનું પ્રમાણ વધ્યું છે અને વાલીઓએ સંતાનોના અભ્યાસ માટે સ્માર્ટફોન પણ ખરીદ્યાં છે, છતાં લગભગ 4.7 ટકા બાળકો આ સુવિધાથી વંચિત છે.
ઍન્યુઅલ સ્ટેસ ઑફ ઍજ્યુકેશન રિપોર્ટ વર્ષ 2005થી 2014 સુધી દરવર્ષે હાથ ધરવામાં આવ્યો હતો. જેનો હેતુ ગ્રામીણ ભારતમાં પાંચથી 16 વર્ષનાં બાળકોની શિક્ષણની સ્થિતિનો તાગ મેળવવાની છે. જેમાં તેમની વાચવાની તથા ગણિતની ક્ષમતા પણ ચકાસવામાં આવે છે.
https://www.youtube.com/watch?v=mJo0M2jdRfo
અસર 2018ના સરવે દરમિયાન 1.5 ટકા બાળકો તથા બે (સરેરાશ 1.7 ટકા) ટકા બાળકીઓ શાળામાં પ્રવેશથી વંચિત હતાં. અસર 2020ના અભ્યાસ દરમિયાન આ સરેરાશ 1.5 ટકા (બાળકો 1.4 ટકા અને બાળકીઓ 1.7 ટકા) ઉપર પહોંચી હતી.
જોકે, ત્રણ વર્ષમાં શાળામાં પ્રવેશ નહીં મેળવનારા બાળકોમાં બમણી વૃદ્ધિ જોવા મળી છે. લગભગ 4.2 ટકા બાળકીઓ શાળાકીય શિક્ષણથી વંચિત હતી, જે એક વર્ષમાં બમણા કરતાં વધુનો વધારો દર્શાવે છે. જ્યારે સરેરાશ 3.3 ટકા હતી, જે બે વર્ષ અગાઉ 1.7 ટકાની હતી.
ગુજરાતમાં સરકારી તથા ખાનગી શાળામાં ભણતા બાળકોનો ગુણોત્તર વર્ષ 2018માં 85 ટકા હતો, જે 0.2 ટકાની સામાન્ય વૃદ્ધિ સાથે 85.2 પર પહોંચ્યો છે. ઉત્તર પ્રદેશમાં 2018થી 2021 દરમિયાન સરકારી શાળા પ્રવેશમાં 13.2 ટકાનો વધારો થયો છે.
કેરળમાં 11.9 ટકા, રાજસ્થાનમાં 9.4 ટકા અને તામિલનાડુમાં 9.6 ટકાનો વધારો થયો છે. અસર સેન્ટરના ડાયરેક્ટર વિલિમા વાધવાના કહેવા પ્રમાણે:
"આર્થિકભીંસને કારણે સરકારી શાળાઓમાં પ્રવેશમાં વૃદ્ધિ, વ્યાજબી ફીવાળી પ્રાઇવેટ શાળાઓ બંધ થવી, ગ્રામીણ વિસ્તારોમાં હિજર વગેરે બાબતો જવાબદાર હોય શકે છે."
"આ કાયમી પરિસ્થિતિ છે કે મહામારી પછીની પરિસ્થિતિમાં પરિવર્તન આવશે, તે સ્પષ્ટ નથી. પરંતુ સરકારી શાળાઓ તથા સંશાધનો સજ્જ હોય તે જરૂરી છે."
અસરના વર્ષ 2018ના અભ્યાસ પ્રમાણે, સરેરાશ 36.5 ટકા બાળકોના (સરકારી શાળામાં 29.6 અને ખાનગી શાળામાં 49.9 ટકા) ઘરોમાં સ્માર્ટફોન હતા. માર્ચ-2020માં લૉકડાઉન લાગુ થયું હતું. એ વર્ષે આ સરેરાશ વધીને 61.8 ટકા ઉપર પહોંચી ગઈ હતી. આ સરવે દરમિયાન સરકારી શાળાના 56.4 તથા ખાનગી શાળઆના 74.2 ટકા બાળકોના ઘરમાં સ્માર્ટફોન આવી ગયા હતા.
અસર 2021ના સરવે દરમિયાન સરેરાશ 67.6 ટકા બાળકો પાસે સ્માર્ટફોન હતા, જેમાં સરકારી શાળાના બાળકો પાસે સરેરાશ 63.7 ટકા, જ્યારે ખાનગી શાળાના 78 ટકા બાળકોના ઘરમાં સ્માર્ટફોન આવી ગયા હતા.
'અસર' પોતાના તારણમાં નોંધે છે, "ઓછો અભ્યાસ કે સ્માર્ટફોન જેવા સંસાધન વગરના પરિવારોના બાળકોની પાસે શીખવાની તકો ઓછી છે. આવા પરિવારમાં વાલીઓએ માત્ર તેમનાં સંતાનોના ભણતર માટે જ સ્માર્ટફોન ખરીદ્યા હોવાના પુરાવા પણ છે. છતાં, જ્યારે શાળાઓ ફરીથી ખૂલશે, ત્યારે આ બાળકોને અન્યોની સરખામણીમાં વધુ સહાયતાની જરૂર પડશે."
"ASER 2021માં સ્પષ્ટ થયું છે કે પરિવારમાં સ્માર્ટફોન હોય તો પણ ઘણી વખત બાળકો માટે તે ઉપલબ્ધ નથી હોતા. ભવિષ્યમાં જ્યારે રિમોટ લર્નિંગ કે ડિજિટલ કન્ટેન્ટ કે ડિવાઇસ દ્વારા શૈક્ષણિક પ્રવૃત્તિ હાથ ધરવા વિશે વિચારવામાં આવે, ત્યારે આ બાબતને ધ્યાને લેવી જોઈએ."
અસર 2018ના સરવે દરમિયાન ગુજરાતના 44.7 ટકા બાળકો પાસે સ્માર્ટફોન હતા, જેમાં લગભગ બમણી વૃદ્ધિ થઈને 2021માં આ આંકડો 88.4 ટકા ઉપર પહોંચી ગયો હતો. જેમાંથી માત્ર 37.9 ટકા બાળકોને અભ્યાસ માટે સ્માર્ટફોન હંમેશા ઉપલબ્ધ હતો, જ્યારે 57.5 ટકા બાળકોને ક્યારેક અને 4.7 ટકા બાળકોને બિલકુલ ઉપલબ્ધ ન હતો.
સ્માર્ટફોન સુધી બાળકોની પહોંચ એ ઑનલાઇન શિક્ષણને માટે સૌથી મોટો પડકાર છે. પરિવારમાં સ્માર્ટફોન હોય, પરંતુ તે બાળકો માટે ઉપલબ્ધ ન હોય, એવું બને.
પ્રથમના સીઈઓ રુકમિનિ બેનરજીનું માનવું છે, "ભવિષ્યમાં (ઑનલાઇન શિક્ષણ માટે) ડિજિટલ લાઇબ્રેરીઓ ઊભી કરવાની જરૂર છે, જેથી દરેક બાળકોની પહોંચ સ્માર્ટફોન સુધી હોય."
સરેરાશ 27.9 ટકા પરિવારોએ બાળકોના ભણતર માટે સ્માર્ટફોન ખરીદ્યા હતા. જેમાં ઓછું ભણતર ધરાવતા 26.8 ટકા, મધ્યમ ભણતર ધરાવતા 27.3 ટકા તથા ઉચ્ચ ભણતર ધરાવતા 29.3 ટકા પરિવારોએ માર્ચ-2020 પછી ભણતર માટે સ્માર્ટફોન વસાવ્યો છે. ગત વખતના સરવે દરમિયાન આ સરેરાશ 9.1 ટકાની હતી.
સંસ્થા દ્વારા શિક્ષણના બદલે પરિવારને ધ્યાનમાં રાખીને સરવે કરવામાં આવે છે. ગુજરાતમાં 2011ની વસતિ ગણતરી મુજબના તમામ 26 જિલ્લાને સરવેમાં આવરી લેવામાં આવ્યા હતા. ગુજરાતના 775 ગામડાંના ચાર હજાર 310 ઘરો અને બે હજાર 600થી વધુ બાળકો પાસેથી વિગતો મેળવવામાં આવી હતી.
15મા રિપોર્ટની જેમ જ 16મો રિપોર્ટ પણ રૂબરૂના બદલે ફોન ઉપર કરવામાં આવેલા સરવેના આધારે માહિતી એકઠી કરવામાં આવી હતી. જેમાં 25 રાજ્ય તથા ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશમાંથી માહિતી મેળવવામાં આવી હતી.
581 જિલ્લાના 17 હજાર 184 ગામડાંમાંથી વિગતો મેળવવામાં આવી હતી. આ સરવે 16થી 30 સપ્ટેમ્બર દરમિયાન આ સરવે હાથ ધરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં તા. બીજી સપ્ટેમ્બરથી ધો. છથી ધો. આઠ માટેની શાળાઓ ખૂલી ગઈ હતી. બાળમંદિરથી ધો. પાંચ સુધીના બાળકો માટે શાળાઓ હજુ સુધી ખૂલી નથી. આથી ધોરણ એક અને ધોરણ બેના મોટાભાગના બાળકોએ શાળાઓ જોઈ જ નથી અને પરંપરાગત માધ્યમથી શિક્ષણ મેળવ્યું નથી.
https://www.youtube.com/watch?v=lpGIZ2QJifo
ગુજરાતનાં સરેરાશ 93.6 ટકા બાળકોને પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ હતાં, ગત વર્ષના સરવે દરમિયાન આ ટકાવારી 95 ટકા હતી.
ગુજરાતનાં બાળકોમાં ટ્યુશન લેવાનું પ્રમાણ છેલ્લાં ત્રણ વર્ષમાં બમણું થયું છે. વર્ષ 2018ના સરવે દરમિયાન 16.9 ટકા બાળકો ટ્યુશન લેતાં હતાં, જે ટકાવારી વધીને ચાલુ વર્ષે 35.7 ટકા ઉપર પહોંચી ગઈ છે. છતાં તે 39.2 ટકાની રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઓછું પ્રમાણ છે.
ગુજરાતની સરકારી શાળાઓમાં ભણતા 74.6 ટકા બાળકોનું કહેવું હતું કે તેમને ભણવા માટેની પ્રવૃત્તિઓ કે સામગ્રી મળી હતી.
ગુજરાતની સરકારી શાળાનાં 75.7 ટકા બાળકોને પરંપરાગત માધ્યમથી, 53 ટકાને પ્રસારણમાધ્યમથી (ટીવી અથવા રેડિયો) તથા 59.8 ટકાને ઑનલાઇન માધ્યમથી શિક્ષણ મળ્યું હતું.
ગુજરાતની ખાનગી શાળાનાં 81 ટકા બાળકોને પરંપરાગત માધ્યમથી, 58.2 ટકાને પ્રસારમાધ્યમો થકી તથા 70.1 ટકાને ઑનલાઇન માધ્યમોથી શિક્ષણ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ વિશે માહિતી મળી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો