નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે બુધવારના રોજ ત્રિપુરા પોલીસને બે વકીલો મુકેશ કુમાર અને અંસાર ઈન્દોરી અને પત્રકાર શ્યામ મીરા સિંહ સામે કોઈ જબરદસ્તી કાર્યવાહી ન કરવાનો આદેશ આપ્યો છે. તેમની સામે ગેરકાયદેસર પ્રવૃતિ નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તાજેતરમાં ત્રિપુરામાં લઘુમતી સમુદાય વિરુદ્ધ 'લક્ષિત હિંસા' વિશે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા બદલ UAPA હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
ચીફ જસ્ટિસ એનવી રમના અને જસ્ટિસ એએસ બોપન્ના અને જસ્ટિસ હિમા કોહલીની બેચે એડવોકેટ મુકેશ અને અન્સારુલ હક અને પત્રકાર શ્યામ મીરા સિંહની અરજી પર અગરતલા પોલીસને નોટિસ જાહેર કરી હતી. સુપ્રીમ કોર્ટે ત્રિપુરા પોલીસને વકીલ મુકેશ કુમાર, અંસારુલ હક અંસારી અને પત્રકાર શ્યામ મીરા સિંહની ધરપકડ કરવા પર રોક લગાવી છે, જેમની પર UAPA હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
સુપ્રીમ કોર્ટે બુધવારના રોજ ત્રિપુરા રાજ્ય પોલીસને UAPAની જોગવાઈઓ હેઠળ તેમની સામે નોંધાયેલી FIRમાં નાગરિક સમાજના ત્રણ સભ્યો સામે કોઈ જબરદસ્તી પગલાં ન લેવાનો નિર્દેશ આપ્યો હતો. સિવિલ સોસાયટીના આ સભ્યોમાં એક પત્રકારનો સમાવેશ થાય છે. ઉત્તરપૂર્વીય રાજ્યમાં તાજેતરમાં આગચંપી, લૂંટફાટ અને હિંસાની ઘટનાઓ જોવા મળી છે. હિંસા બાંગ્લાદેશના અહેવાલો બાદ આવી છે કે, 'દુર્ગા પૂજા' દરમિયાન હિંદુ લઘુમતીઓ પર નિંદાના આરોપમાં હુમલો કરવામાં આવ્યો હતો.
પત્રકારો અને વકીલો પર તેમની સોશિયલ મીડિયા પોસ્ટ્સ અને ત્રિપુરામાં સાંપ્રદાયિક હિંસા અંગે રિપોર્ટિંગ કરવા બદલ UAPA લાદવામાં આવ્યો હતો. ત્રિપુરા પોલીસે રાજ્યમાં તાજેતરની હિંસા વિશે કથિત રીતે વિકૃત અને વાંધાજનક સામગ્રી ફેલાવવા બદલ 102 ટ્વિટર એકાઉન્ટ્સ સામે UAPAની અરજી પણ કરી હતી. વકીલો રાજ્યમાં હિંસા વિશે તથ્ય શોધવાની ટીમનો ભાગ હતા.