2020માં ગુજરાતમાં પોલીસ કસ્ટડીમાં સૌથી વધુ મૃત્યુ થયા છે. છેલ્લા 20 વર્ષમાં દેશભરમાં પોલીસકર્મીઓ વિરુદ્ધ આવા 893 કેસ નોંધાયા છે. યુપીમાં અલ્તાફના મોતથી ફરી એકવાર પોલીસ કસ્ટડીમાં થયેલા મોતે ચર્ચા જગાવી છે. છેલ્લા 20 વર્ષમાં દેશભરમાં પોલીસ કસ્ટડીમાં 1888 લોકોના મોત થયા છે. જ્યારે માત્ર 26 પોલીસકર્મીઓ જ દોષી સાબિત થયા છે.
નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો અનુસાર, જો આપણે દેશભરમાં છેલ્લા 20 વર્ષના ડેટા પર નજર કરીએ તો, કસ્ટોડિયલ ડેથના કેસમાં પોલીસકર્મીઓ વિરુદ્ધ 893 કેસ નોંધાયા છે. 358 સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. પરંતુ માત્ર 26 પોલીસકર્મીઓને જ દોષિત ઠેરવવામાં આવ્યા છે.
NCRB ડેટા દર્શાવે છે કે, 2006માં સૌથી વધુ 11 પોલીસકર્મીઓને કસ્ટોડિયલ ડેથ માટે દોષિત ઠેરવવામાં આવ્યા હતા. જેમાં યુપીમાં સાત અને મધ્યપ્રદેશમાં ચાર દોષિત જાહેર થયા હતા. ગયા વર્ષે એટલે કે 2020 માં, 76 લોકો કસ્ટડીમાં મૃત્યુ પામ્યા હતા. જેમાં ગુજરાતમાં સૌથી વધુ 15 મોત થયા છે. આ સિવાય આંધ્ર પ્રદેશ, આસામ, બિહાર, છત્તીસગઢ, હરિયાણા, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, પંજાબ, રાજસ્થાન, તમિલનાડુ, તેલંગાણા અને પશ્ચિમ બંગાળમાંથી પણ આવા કેસ નોંધાયા છે. જો કે ગયા વર્ષે કોઈને દોષિત ઠેરવવામાં આવ્યા નથી.
NCRB 2017 થી કસ્ટોડિયલ ડેથ કેસમાં ધરપકડ કરાયેલા પોલીસકર્મીઓનો ડેટા જાહેર કરી રહ્યું છે. છેલ્લા ચાર વર્ષમાં કસ્ટોડિયલ ડેથના સંદર્ભમાં 96 પોલીસકર્મીઓની ધરપકડ કરવામાં આવી છે. જો કે, તેમાં ગયા વર્ષના ડેટાનો સમાવેશ થતો નથી. બ્યુરો ડેટા દર્શાવે છે કે 2001 થી, "રિમાન્ડ વગરની શ્રેણીમાં 1,185 અને રિમાન્ડ દરમિયાન 703 મૃત્યુ થયા છે.
છેલ્લા બે દાયકા દરમિયાન કસ્ટોડિયલ ડેથ સંબંધમાં પોલીસ કર્મચારીઓ સામે નોંધાયેલા 893 કેસમાંથી 518 એવા છે કે જેમાં મૃતક રિમાન્ડ પર નહોતા. જ્યારે NCRB ડેટા વિશે ધ ઈન્ડિયન એક્સપ્રેસ દ્વારા સંપર્ક કરવામાં આવ્યો ત્યારે નિવૃત્ત IPS અને ભૂતપૂર્વ UP DGP પ્રકાશ સિંહે કહ્યું કે, પોલીસની કામગીરીમાં ખામી સ્વીકારવી જોઈએ અને તેને સુધારવી જોઈએ.
તેમણે કહ્યું કે, 20 વર્ષમાં 1,888 કસ્ટોડિયલ મૃત્યુ ભારતના કદ અને વસ્તીવાળા દેશ માટે મોટી સંખ્યા નથી. પરંતુ મહત્વની બાબત એ છે કે પોલીસકર્મીઓ કસ્ટડીમાં રહેલા વ્યક્તિને ઇજા પહોંચાડવા માટે થર્ડ-ડિગ્રી પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. આ એક ખોટી પ્રથા છે. પોલીસકર્મીઓને સંવેદનશીલ અને શિક્ષિત કરવાની જરૂર છે, તેઓએ તપાસની વૈજ્ઞાનિક પદ્ધતિઓ અને યોગ્ય પૂછપરછ તકનીકો પર આધાર રાખવો જોઈએ.
તમને જણાવી દઈએ કે, અલ્તાફનું મૃત્યુ યુપીના કાસગંજમાં થયું હતું. પોલીસે તેની હિંદુ પરિવારની દિકરીને ભગાડવા બદલ ધરપકડ કરી હતી અને તેને પોલીસ સ્ટેશન લાવી હતી. જે બાદ અલ્તાફનું મોત થયું અને પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું કે યુવકે બાથરૂમના નળ સાથે લટકીને આત્મહત્યા કરી છે.