જંગલમાં 40 વર્ષ સુધી આ 'સાધુ' એકલવાયું જીવન કઈ રીતે જીવ્યા?

By BBC News ગુજરાતી
|

લગભગ 40 વર્ષ સુધી કેન સ્મિથે પરંપરાગત જીવનનો ત્યાગ કર્યો છે. તેઓ વીજળી તથા નળના પાણી વગર સ્કૉટલૅન્ડના તળાવકિનારે હાથેથી બનેલી કૅબિનમાં રહે છે.

કેન કહે છે, "આ સારું જીવન છે. બધા આવું જીવન જીવવા ઇચ્છે છે, પરંતુ કોઈ ક્યારેય એવું કરતું નથી."

જોકે 74 વર્ષની ઉંમરે એકલા જંગલનિવાસી જેવું જીવન જીવવાનું, માછીમારી કરવાની, બળતણનાં લાકડાં એકઠાં કરવાનાં તથા જાહેરમાં કપડાં ધોવાનું બધાને પસંદ ન પણ પડે.

તેમના ઘરથી નજીકના રસ્તે પહોંચવા માટે બે કલાકની પદયાત્રા કરવી પડે, જે રાનોચ મૂરની ધારે આવેલો છે.

કેનના કહેવા પ્રમાણે, "લોકો તેને એકાકી તળાવ તરીકે ઓળખે છે. અહીં નજીકમાં કોઈ રસ્તો નથી તથા ડૅમનું નિર્માણ થયું તે પહેલાં લોકો અહીં રહેતા હતા."

નવ વર્ષ અગાઉ ફિલ્મનિર્માતા લિઝી મૅકેન્ઝીએ પ્રથમ વખત કેનનો સંપર્ક સાધ્યો હતો. ગત બે વર્ષ દરમિયાન તેમણે બીબીસી સ્કૉટલૅન્ડની ડૉક્યુમેન્ટરી ધ હર્મિટ ઑફ ટ્રૅગનું નિર્માણ કર્યું છે.


કેનની કહાણી

કેન મૂળે ઇંગ્લૅન્ડના ડર્બીશાયર વિસ્તારના છે અને માત્ર 15 વર્ષની ઉંમરે તેમણે ફાયર સ્ટેશન બાંધવાનું કામ શરૂ કર્યું હતું.

જોકે 26 વર્ષની ઉંમરે તેમની જિંદગી બદલાઈ ગઈ. તેઓ રાત્રે બહાર ફરવા માટે નીકળ્યા હતા ત્યારે ઠગોની ટોળીએ તેમની સાથે મારઝૂડ કરી હતી.

આને કારણે તેમને બ્રેઇન હેમરેજ થયું અને 23 દિવસ સુધી બેભાન રહ્યા. કેન કહે છે, "તેઓ કહેતા હતા કે હું ક્યારેય સાજો નહીં થાઉં, હું ક્યારેય બોલી નહીં શકું, હું ફરી ક્યારેય ચાલી નહીં શકું. એ સમયે મેં નક્કી કર્યું કે હું બીજા લોકોની શરતો પર જીવન નહીં જીવું."

કેને લાંબી મુસાફરી શરૂ કરી અને વનનિવાસના વિચાર તરફ આકર્ષાયા. અલાસ્કા સાથે જોડાયેલા કૅનેડાના યૂકોનમાં ખૂબ જ ભ્રમણ કર્યું.

તેઓ "ક્યાંય ન જવા માટે" હાઈવે ઉપરથી નીચે ઊતરી જતા અને ચાલતા રહેતા. બસ પગપાળા ચાલ્યા કર્યું. તેઓ કહે છે કે લગભગ 22 હજાર માઇલની સફર ખેડ્યા બાદ તેઓ ઘરે પરત ફર્યા છે.

પરત ફર્યા ત્યાં સુધીમાં તેમનાં માતા-પિતા મૃત્યુ પામ્યાં હતાં અને ઘરે પરત ફર્યા ત્યાં સુધી તેમને આના વિશે કોઈ જાણ ન થઈ. કેને કહ્યું, "પહેલા મને કંઈ ન થયું, મને આઘાત લાગવામાં સમય લાગ્યો."

કેન બ્રિટનમાં લાંબી પગપાળા યાત્રા કરીને સ્કૉટલૅન્ડની ટેકરીઓ પર રાનોચ ખાતે પહોંચ્યા ત્યારે અચાનક જ તેમને માતા-પિતાની યાદ આવી અને તેઓ ધ્રૂસકે-ધ્રૂસકે રડવા લાગ્યા.

ડૉક્યુમેન્ટરીમાં કેન કહે છે, "હું ચાલતાં-ચાલતાં રડતો હતો. મને વિચાર આવ્યો કે બ્રિટનની સૌથી નિર્જન જગ્યા કઈ છે? મેં દરેક દરિયાકિનારા કે ટેકરીઓનો પ્રવાસ ખેડ્યો. હું એવી જગ્યા શોધી રહ્યો હતો કે જ્યાં ઘરનું નિર્માણ થયું ન હોય."

"મેં વગર કારણે સેંકડો-સેંકડો કિલોમીટરનો પ્રવાસ ખેડ્યો. મેં આ તળાવની નજીક આ જંગલ જોયું." કેનને લાગ્યું કે અહીં જ રહેવા માગે છે. તેમનું રુદન બંધ થયું અને તેમનો એકાકી પ્રવાસ અહીં પૂર્ણ કર્યો.


એકાંતવાસનો અનુભવ

કેને અહીં કૅબિન બનાવવાનું શરૂ કર્યું અને નાની-નાની લાકડીઓની મદદથી ડિઝાઇનના પ્રયોગ કર્યા. દાયકાઓની મહેનત પછી ત્યાં આગ છે, પરંતુ ઇલેક્ટ્રિસિટી, ગૅસ તથા નળનું પાણી નથી અને મોબાઇલ ફોનનાં સિગ્નલ પણ નથી મળતાં.

બળતણ માટેનાં લાકડાં લેવા માટે જંગલમાં જવું પડે છે તથા અહીં પરત આવવું પડે છે. તેઓ શાકભાજી અને બેરી ઉગાડે છે, પરંતુ તેમનો મુખ્ય ખોરાક તળાવમાંથી આવે છે.

કેન કહે છે, "જો તમે સ્વતંત્ર રહેવા માગતા હો, તો તમને માછલી પકડતા આવડવું જ જોઈએ."

લેઝ્જીએ શૂટિંગ કરીને પરત ફર્યા, તેના 10 દિવસ પછી ફેબ્રુઆરી-2019માં તેમને બરફમાં સ્ટ્રૉક આવી ગયો હતો. તેમને એકાંતમય સ્થળેથી ઘરે લાવવા પડ્યા હતા.

કેનની ભાળ મેળવવા માટે પર્સનલ જીપીએસ લૉકેટર લાકડીએ મદદ કરી, જે તેમને થોડા દિવસ અગાઉ જ આપવામાં આવી હતી.

આના મારફત એક આપાતકાલીન સંદેશ વહેતો થયો હતો, જેના આધારે યુકેના તટરક્ષકદળને જાણ થઈ હતી અને તેમને ફૉર્ટ વિલિયમ હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

લગભગ સાત અઠવાડિયાં સુધી કેનની ત્યાં સારવાર ચાલી. સ્ટાફે તેઓ જંગલમાં પરત ફરી શકે અને ફરીથી સ્વતંત્ર રીતે જીવી શકે તે માટે તમામ પ્રયાસ કર્યા.

તબીબોએ તેમને ગાડી અને ફ્લૅટ દ્વારા ફરી સામાન્ય જીવનમાં ઢાળવાના પ્રયાસ કર્યા, પરંતુ કેન તેમની કૅબિને પરત ફરવા ઉતાવળા હતા.

જોકે બીમારીને કારણે તેમને 'ડબલ વિઝન'ની સમસ્યા થઈ અને સ્મૃતિશક્તિ ક્ષીણ થઈ, આથી અગાઉ તેઓ અન્ય લોકો પર આધારિત હતા, તેના કરતાં વધુ બહારના લોકો પર આધારિત બની ગયા છે.

આ વિસ્તારના જંગલના રખેવાળ અમુક અઠવાડિયે તેમના માટે ભોજન લાવે છે અને કેન તેમના પેન્શનમાંથી રકમની ચુકવણી કરે છે.

કેન કહે છે, "હાલના દિવસોમાં લોકો મારી સાથે સારો વર્તાવ કરે છે."

કેનને બચાવવામાં આવ્યા તેના એક વર્ષ બાદ ફરી એક વખત તેમને ઍરલિફ્ટ કરવાની જરૂર ઊભી થઈ હતી. તેમની પર લાકડાં પડ્યાં હતા.

આના વિશે કેન કહે છે, "આપણે ધરતી પર કાયમને માટે નથી આવ્યા. હું મારા જીવનના અંતિમ દિવસો સુધી અહીં આવતો રહીશ. મારા જીવનમાં અનેક ઘટનાઓ ઘટી છે, છતાં દરેક વખતે હું બચી ગયો છું."

"હું ફરી બીમાર પડીશ જ. એવું કંઈક બનશે, જે મને એક દિવસ લઈ જશે. બીજાને પણ લઈ જાય છે. પરંતુ મને આશા છે કે હું 102 વર્ષ સુધી જીવીશ."



https://www.youtube.com/watch?v=kTJzX8vN-24

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો