ચંદીગઢ, 12 નવેમ્બર : પંજાબમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમામ રાજકીય પક્ષો કમર કસી રહ્યા છે. કોંગ્રેસ સત્તામાં પાછા ફરવા માટે તમામ પ્રયાસો કરી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી પણ સત્તામાં આવવા માટે કોઈ કસર છોડી રહી નથી. આ દરમિયાન પંજાબ વિધાનસભા ચૂંટણી 2022 ને લઈને એબીપી સી-વોટર સર્વેમાંથી AAP માટે સારા સમાચાર આવ્યા છે. સર્વે અનુસાર પંજાબમાં આમ આદમી પાર્ટી સૌથી મોટી રાજકીય પાર્ટી તરીકે ઉભરી રહી છે. આ સાથે ભાજપનું સૌથી ખરાબ પ્રદર્શન રહેવાની સંભાવના છે.
આગામી પંજાબ વિધાનસભાની ચૂંટણી પહેલા ABP C-Voter નો સર્વે દર્શાવે છે કે, 2017માં યોજાયેલી અગાઉની ચૂંટણીઓની સરખામણીમાં આ વખતે AAPને વોટ શેર અને બેઠકોની સંખ્યામાં મોટો વધારો જોવા મળશે. પંજાબની કોંગ્રેસ સરકારમાં ચાલી રહેલી ગરબડ અને ત્રણ કૃષિ કાયદાઓને લઈને ખેડૂતો કેન્દ્ર સરકારનો વિરોધ કરી રહ્યા છે તેનો લાભ આ ચૂંટણીમાં આપને મળી શકે છે.
લોકોનો મૂડ જાણવા માટે કરવામાં આવેલા સર્વે અનુસાર અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી પંજાબમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી શકે છે. આ સર્વે અનુસાર, 2017માં યોજાયેલી અગાઉની ચૂંટણીની સરખામણીમાં આ વખતે AAPને પંજાબમાં વોટ શેર અને સીટોમાં ફાયદો થઈ શકે છે. પંજાબમાં જેમાં 117 બેઠકો છે તેમાંથી AAPને 47-53 બેઠકો મળવાની સંભાવના છે, જ્યારે સત્તાધારી કોંગ્રેસને 42 થી 50 બેઠકો અને શિરોમણી અકાલી દળને 16-24 બેઠકો મળવાની ધારણા છે.
આ દરમિયાન ભાજપ માટે સૌથી ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. સર્વે અનુસાર, ભાજપ તાજેતરના દાયકાઓમાં પંજાબમાં તેના સૌથી ખરાબ પ્રદર્શનમાંથી પસાર થશે. આમ થવા પાછળનું કારણ નવા કૃષિ કાયદાઓ પ્રત્યે ખેડૂતોની નારાજગી અને SAD સાથેનું ગઠબંધન હોઈ શકે છે. બીજેપી 0-1 સીટ જીતે તેવી શક્યતા છે.
બીજી તરફ વોટ શેરના સંદર્ભમાં AAPના આંકડા 2017 ના 23.7 ટકાથી વધીને આવતા વર્ષે 36.5 ટકા થઈ જશે. સર્વેમાં આગાહી કરવામાં આવી છે કે સત્તાધારી કોંગ્રેસનો વોટ શેર અને બેઠકોની સંખ્યા બંનેમાં ઘટાડો થશે. કોંગ્રેસનો વોટ શેર 2017માં 38.5 ટકાથી ઘટીને 2022માં 34.9 ટકા થઈ જશે.
બીજી તરફ વોટ શેરમાં ઘટાડો થવા છતાં SAD માટે સીટોની સંખ્યામાં નજીવો વધારો થઈ શકે છે. SADનો વોટ શેર 2021માં 20.6 ટકા થઈ જશે, જે છેલ્લી ચૂંટણીમાં 25.2 ટકામાંથી 4.6 ટકાનો ઘડાટો છે. જો કે તેની બેઠકોની સંખ્યા છેલ્લી વખતની 15 થી વધીને 2021 માં 16-24 થવાની સંભાવના છે.