ગુવાહાટી : આસામના પૂર્વ મુખ્યમંત્રી હિતેશ્વર સાયકિયાના પુત્ર અશોક સૈકિયાની CBI દ્વારા ધરપકડ કરવામાં આવી છે. બેંક લોન ફ્રોડ કેસમાં CBI દ્વારા અશોક સૈકિયાની ધરપકડ કરવામાં આવી છે.
CBI કસ્ટડીમાં જતા પહેલા અશોક સૈકિયાએ જણાવ્યું હતું કે, આ સંપૂર્ણપણે રાજકીય રીતે પ્રેરિત કેસ છે, જે 1996નો કેસ છે. મેં લોન ચૂકવી દીધી છે અને મારી પાસે પત્ર પણ છે. હું કોર્ટમાં દસ્તાવેજો રજૂ કરીશ. CBIના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, અશોક સાયકિયાની 23 વર્ષ જૂના લોન ફ્રોડ કેસમાં ધરપકડ કરવામાં આવી છે.
CBI અધિકારીએ જણાવ્યું હતું કે, અશોક સૈકિયાને અનેક વખત સમન્સ પાઠવવામાં આવ્યા હતા, પરંતુ તેમ છતાં તેઓ કોર્ટમાં હાજર રહ્યા ન હતા ત્યાર બાદ તેમની સામે બિનજામીનપાત્ર વોરંટ જાહેર કરવામાં આવ્યું હતું. CBIની ટીમે ગુવાહાટીમાં અશોક સૈકિયાની પૂછપરછ કરી અને ત્યારબાદ તેની ધરપકડ કરી હતી. અશોક સૈકિયાને સોમવારના રોજ CBIની વિશેષ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
જ્યારે અશોક સૈકિયાના મોટા ભાઈ દેવવ્રત સૈકિયાનું કહેવું છે કે, તેમના ભાઈને CBI ટીમ સાથે લઈ ગઈ છે. મને ખબર નથી કે તેની ધરપકડ કરવામાં આવી છે કે, કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. મને એ પણ ખબર નથી કે CBI તેને ક્યાં લઈ ગઈ છે. આ બહુ જૂનો મામલો છે અને તેનું સમાધાન થઈ ગયું છે. જો બેંકે આ અંગે કોર્ટને જાણ કરી નથી, તો તે બેંકની ભૂલ છે.
દેવવ્રતે જણાવ્યું હતું કે, CBIનો દાવો છે કે, તેમણે નોટિસ મોકલી હતી, પરંતુ મારી માતા હંમેશા તે સરનામે રહે છે જ્યાં નોટિસની વાત કરવામાં આવી રહી છે અને તેમને કોઈ નોટિસ મળી નથી. આ બાબત પર બિનજરૂરી હોબાળો મચાવવામાં આવી રહ્યો છે.