કાળી ચૌદશ: આત્માનું વજન માપવાનો પ્રયોગ કોણે કર્યો હતો અને તેનું શું પરિણામ આવ્યું હતું?
માણસના શરીરમાં આત્મા હોય છે? માણસની મૃત્યુ પછી આત્મા દેહની બહાર નીકળી જતો હોય છે? આવા સવાલો અને આત્મા વિશેની કલ્પનાની ચર્ચા આખી દુનિયામાં લોકો હજારો વર્ષોથી કરતા રહ્યા છે. એ બાબતે જાતજાતના દાવાઓ છે અને અલગ અલગ સંસ્કૃતિની અલગ અલગ માન્યતાઓ પણ છે.
પ્રાચીન કાળમાં ઇજિપ્તના લોકો એવું માનતા હતા કે માણસ મૃત્યુ પામે પછી તે અનંતના પ્રવાસે રવાના થાય છે અને એ યાત્રા બહુ મુશ્કેલ હોય છે. સૂર્યદેવ તેમની હોડીમાં એ મૃત વ્યક્તિને 'હોલ ઑફ ડબલ ટ્રુથ' સુધી લઈ જાય છે, એવું પણ ઇજિપ્તના લોકો માનતા હતા.
ઇજિપ્તની માન્યતા મુજબ, તે હોલ ઑફ ડબલ ટ્રુથમાં સત્ય અને અસત્યનો ન્યાય તોળવામાં આવે છે. આત્માનો તમામ હિસાબ કરીને ચુકાદો આપવામાં આવે છે.
તે હોલમાં સત્ય અને ન્યાયની કલમના વજનની સરખામણી વ્યક્તિના હૃદયના વજન સાથે કરવામાં આવે છે. પ્રાચીન ઇજિપ્તવાસીઓ માનતા હતા કે માણસના તમામ સારા અને ખરાબ કાર્યોનો રેકોર્ડ તેના હૃદય પર લખાયેલો હોય છે.
એવું પણ માનવામાં આવતું હતું કે જે વ્યક્તિનું જીવન સાદું અને નિષ્કપટ હોય તેનો આત્મા એકાદ પીછાં જેટલો હળવો હોય છે અને તેને ઓસિરિસના સ્વર્ગમાં કાયમી સ્થાન મળે છે.
પ્રાચીન ઇજિપ્તની માન્યતાઓ વિશેનો એક સંશોધન લેખ 'જર્નલ ઑફ ધ અમેરિકન સોસાયટી ફૉર સાયકિક રિસર્ચ'માં 1907માં પ્રકાશિત કરવામાં આવ્યો હતો.
'આત્મા નામના પદાર્થની પરિકલ્પના અને તેના અસ્તિત્વના પ્રાયોગિક પુરાવા' વિષય પરના તે સંશોધનમાં માણસના મૃત્યુ પછી તેના આત્માનું શું થાય છે તેની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
- શું ભારત એક હજાર વર્ષ સુધી મુસ્લિમ શાસકોનું ગુલામ હતું?
- એ પ્રાચીન સંસ્કૃતિ કઈ છે, જેણે નપાણિયા વિસ્તારમાં શહેર વસાવ્યું?
આત્માનું વજન કેટલું?
આ સંશોધન વિશેનો એક લેખ ન્યૂ યોર્ક ટાઇમ્સ અખબારમાં માર્ચ, 1907માં પ્રકાશિત કરવામાં આવ્યો હતો.
તે લેખમાં ડૉક્ટરોએ જણાવ્યું હતું કે આત્માનું નિશ્ચિત વજન હોય છે. એ લેખમાં, ડૉ. ડંકન મેકડોગલ નામના એક ફિઝિશિયને કરેલા પ્રયોગની ચર્ચા કરવામાં આવી હતી.
સ્કોટલૅન્ડના ગ્લાસગોમાં 1866માં જન્મેલા ડૉ. ડંકન 20 વર્ષ થયા ત્યારે મૅસેચ્યૂએટ્સ, અમેરિકા ગયા હતા. તેમણે હ્યુસ્ટન યુનિવર્સિટીની સ્કૂલ ઑફ મેડિસિનમાં અભ્યાસ કર્યો હતો.
એ પછી તેમણે તેમના જીવનનો મોટો હિસ્સો હેવરિલ શહેરના એક ધર્માદા દવાખાનામાં લોકોની સારવારમાં વીત્યો હતો.
એ ધર્માદા દવાખાનાના એક માલિકને વ્યાપાર અર્થે ચીન જવાનું થયું હતું. તેઓ ચીનથી એક વસ્તુ લાવ્યા હતા, જેનું નામ સ્કેલ ઑફ ફેરબેન્ક્સ હતું.
એ ત્રાજવાનું નિર્માણ 1830માં કરવામાં આવ્યું હતું. તેમાં વસ્તુઓનું વજન બહુ આસાનીથી કરી શકાતું હતું.
ડૉ. ડંકન જ્યાં કામ કરતા હતા એ દવાખાનામાં રોજ લોકો મરણ પામતા હતા. હૉસ્પિટલમાં વજનકાંટો જોઈને માણસના આત્માનું વજન કરવાનો વિચાર ડૉ. ડંકનને આવ્યો હતો.
ન્યૂ યોર્ક ટાઇમ્સમાં પ્રકાશિત લેખમાં જણાવાયા મુજબ, એ ઘટનાના છ વર્ષ પછી આ મુદ્દો લોકો સમક્ષ આવ્યો હતો. 'માણસ મૃત્યુ પામે પછી તેના શરીરમાંથી આત્મા અલગ થયા બાદ શરીરના વજનમાં કોઈ ફેરફાર થાય છે કે નહીં?' એ વિશેનો તે લેખ હતો.
તેમના સંશોધનનો વિષય, પ્રાચીન ઇજિપ્તવાસીઓની માન્યતાને ચકાસવાનો કે ઇજિપ્તના દેવી-દેવતાઓ વિશે જાણવાનો જ ન હતો. તેમની સમગ્ર રજૂઆત તે માન્યતાઓને સુસંગત હતી.
અહીં ધ્યાનાકર્ષક બાબત એ છે કે તેમણે સંશોધનની શરૂઆત જ, આત્મા શરીરથી અલગ થાય છે ત્યાંથી કરી હતી. તેનો અર્થ એ કે આત્માનું અસ્તિત્વ હોય છે કે નહીં એ બાબતે તેમણે શંકા વ્યક્ત કરી જ ન હતી. તેમણે એ બાબતને વૈજ્ઞાનિક સ્તરે સમર્થન અપાવવાનો પ્રયાસ કર્યો હોય એવું લાગે છે.
- જહાંગીર : એ શરાબી મુઘલ બાદશાહ જેનું ખુદ સેનાપતિએ અપહરણ કર્યું હતું
- એક સદી અગાઉનું એ પુસ્તક જેણે દુનિયામાં જાપાનની ઇમેજ બદલી નાખી
- 'જ્યારે મારી જ સ્મશાનયાત્રામાં હું જ હાજર રહ્યો'
ડૉ. ડંકન મેકડોગલનો પ્રયોગ

ડૉ. ડંકને ઓછા વજનનો એક ખાસ પલંગ બનાવડાવ્યો હતો અને તેને વજનકાંટા પર ફીટ કરાવ્યો હતો. તેમણે વજન માપવાની એટલી ચોક્કસ વ્યવસ્થા કરી હતી કે વજનમાં એક ઔંસ (એટલે 28 ગ્રામ) ફેરફાર થાય તો પણ જાણી શકાય.
જે દર્દીઓ ગંભીર રીતે બીમાર હોય અથવા જેમના જીવિત રહેવાની કોઈ આશા ન હોય એવા દર્દીઓને તે પલંગ પર સુવડાવવામાં આવતા હતા અને તેમના મૃત્યુની પ્રક્રિયા પર બારીક નજર રાખવામાં આવતી હતી.
શરીરના વજનમાં થતા ફેરફાર નોંધવામાં આવતા હતા. દર્દીના મૃત્યુ પછી તેના શરીરમાંના પાણી, લોહી, પરસેવો, મળ-મૂત્ર અને ઓક્સિજન તથા નાઇટ્રોજનના વજનની ગણતરી પણ તેઓ કરતા હતા.
એ સંશોધનમાં ડૉ. ડંકન સાથે અન્ય ચાર ફિઝિશિયન પણ કામ કરતા હતા અને બધા પોતપોતાની નોંધ રાખતા હતા.
"માણસ મૃત્યુ પામે છે ત્યારે તેના શરીરના વજનમાં અર્ધાથી સવા ઔંસનો ઘટાડો થાય છે," એવો દાવો ડૉ. ડંકને કર્યો હતો.
ડૉ. ડંકને કહેતા કે "જે ક્ષણે માણસનું શરીર નિષ્ક્રિય થાય છે તે ક્ષણે ત્રાજવાનો કાંટો ઝડપભેર નીચો આવે છે. શરીરમાંથી કશુંક અચાનક બહાર નીકળી ગયું હોય એવું લાગે છે."
ડૉ. ડંકને આ પ્રયોગ 15 કૂતરાં ઉપર પણ કર્યો હતો. તેમણે કહેલું કે "કૂતરાના મૃત્યુ પછી તેના શરીરના વજનમાં કોઈ ફેરફાર થયાનું ધ્યાનમાં આવ્યું નથી."
આ રીતે તેમણે સ્પષ્ટ કર્યું હતું કે "માણસના મૃત્યુ પછી તેના શરીરના વજનમાં ફેરફાર થાય છે, કારણ કે માણસના શરીરમાં આત્મા હોય છે, પણ કૂતરાના શરીરના વજનમાં કોઈ ફેરફાર થતો નથી, કારણ તે તેના શરીરમાં આત્મા હોતો નથી."
સંશોધનમાં અનેક ખામીઓ
છ વર્ષ ચાલેલા આ પ્રયોગમાં માત્ર છ કેસની તપાસ કરવામાં આવી હતી. ચાર પૈકીના બે ડૉક્ટરની નોંધનો સમાવેશ અંતિમ તારણમાં કરવામાં આવ્યો ન હતો.
એક ડૉક્ટરે કહ્યું હતું કે "અમારો સ્કેલ સંપૂર્ણપણે સ્થિર કરવામાં આવ્યો ન હતો અને અમારા કામનો બહારના લોકો બહુ વિરોધ કરતા હતા."
બીજા ફિઝિશિયને કહ્યું હતું કે "તપાસ અચૂક ન હતી. એક દર્દીનું મૃત્યુ, તેને વજનકાંટા પરના પલંગમાં સુવડાવવામાં આવ્યાની પાંચ જ મિનિટમાં થયું હતું. તેનું મૃત્યુ થયું ત્યારે વજનકાંટો સંપૂર્ણપણે એડજસ્ટ કરી શકાયો ન હતો."
તેનો અર્થ એ કે પ્રસ્તુત તારણ માત્ર ચાર દર્દીના પ્રયોગ પર આધારિત હતું. એ પૈકીના ત્રણના કિસ્સામાં મૃત્યુ પછી દર્દીના શરીરના વજનમાં પહેલાં ઘટાડો થયો હતો અને પછી વધારો થયો હતો. ચોથા દર્દીના શરીરનું વજન મૃત્યુ બાદ ઘટ્યું હતું, પછી વધ્યું હતું અને છેલ્લે ફરી ઘટ્યું હતું.
ડૉ. ડંકન અને તેમની ટીમ દર્દીઓના મૃત્યુનો ચોક્કસ સમય જણાવી શકી ન હતી, જે એક મહત્વનો મુદ્દો હતો.
વાસ્તવમાં આ શોધ સંબંધી ચર્ચામાં બે ભાગ પડી ગયા હતા. ધાર્મિક અખબારમાં લોકોએ જણાવ્યું હતું કે આત્માના અસ્તિત્વને નકારી શકાય નહીં અને આ આત્માના અસ્તિવનો પુરાવો છે.
પોતાના પ્રયોગના તારણોમાંથી કશું સિદ્ધ થયાની ખાતરી ન હોવાનું ડૉ. ડંકને જણાવ્યું હતું. આ પ્રયોગ શરૂઆત માત્ર છે અને આ સંબંધે વધુ સંશોધન કરવું જરૂરી છે, એવું પણ ડૉ. ડંકને જણાવ્યું હતું.
આ પ્રયોગનાં તારણોને વિજ્ઞાનીઓએ નકાર્યાં ન હતાં, પરંતુ આ પ્રયોગને સ્વીકૃતિ આપી ન હતી.
જે છ લોકો પર ડૉ. ડંકને પરીક્ષણ કર્યું હતું એ પૈકીના પ્રથમ દર્દીના શરીરમાં થયેલા ફેરફાર વિશેની ચર્ચા આજે પણ ચાલુ છે.
પ્રયોગના તારણોને આધારે એવું કહી શકાય કે માણસના આત્માનું વજન ¾ ઔંસ એટલે કે 21 ગ્રામ હોય છે. ડૉ. ડંકને પ્રથમ દર્દી પર પ્રયોગ કર્યો હતો તે વ્યક્તિના મૃત્યુ પછી તેના વજનમાં 21 ગ્રામનો ફેરફાર થયો હતો.
- કોરોના વાઇરસની દવા મળી, જે બચાવી રહી છે લોકોના જીવ
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચી શકાય?
- કોરોના વાઇરસ દૂધની થેલી અને શાકભાજી પર કેટલું જીવે છે?
- કોરોના વાઇરસનો ચેપ આખરે કયા પશુમાંથી ફેલાયો?
https://www.youtube.com/watch?v=1XYpSsro0Eg
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો