40 થી વધુ જિલ્લામાં વેક્સિનેશનની ધીમી ગતિ પર PM મોદી બેઠક કરશે!
નવી દિલ્હી, 3 નવેમ્બર : ઈટાલી, વેટિકન સિટી અને ગ્લાસગોના પ્રવાસ પરથી પરત આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે કોરોના વાયરસ રસીકરણને લઈને મહત્વપૂર્ણ બેઠક કરશે. પીએમ મોદીની આ વર્ચ્યુઅલ મીટિંગ દેશના 40 થી વધુ જિલ્લાઓના અધિકારીઓ સાથે યોજાશે, જ્યાં કોરોના વાયરસ રસીકરણની ગતિ હજુ પણ ધીમી છે. મળતી માહિતી મુજબ બપોરે 12 વાગ્યે યોજાનારી આ બેઠકમાં કેટલાક રાજ્યોના મુખ્યમંત્રી પણ ભાગ લઈ શકે છે. પીએમઓ દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, બેઠકનું ધ્યાન તે જિલ્લાઓ પર રહેશે જ્યાં માત્ર 50 ટકાથી ઓછી પુખ્ત વસ્તીને જ કોરોના રસીનો પ્રથમ ડોઝ મળ્યો છે. આ ઉપરાંત બીજો ડોઝ આપવામાં જે જિલ્લાઓ હજુ પાછળ છે તેની પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.
પીએમઓના અહેવાલ મુજબ, આ ઓછા રસીકરણ વાળા જિલ્લાઓ ઝારખંડ, મણિપુર, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, મેઘાલય અને કેટલાક અન્ય રાજ્યોમાં છે. સ્વાસ્થ્ય વિભાગના ડેટા પર નજર કરીએ તો 27 ઓક્ટોબર સુધી નાગાલેન્ડના કિફિરમાં માત્ર 16.1 ટકા લોકો જ રસીનો પ્રથમ ડોઝ મેળવી શક્યા છે, જે દેશમાં સૌથી ઓછુ છે. બિહારનો અરરિયા જિલ્લો થોડો આગળ છે, જ્યાં આ આંકડો 49.6 ટકા છે. આ સિવાય દિલ્હીના ઉત્તર પશ્ચિમ જિલ્લા (48.2 ટકા), ઔરંગાબાદ (46.5 ટકા), નાંદેડ (48.4 ટકા), અકોલા (49.3 ટકા), દેવઘર (44.2 ટકા) અને પશ્ચિમ સિંઘભૂમ (47.8 ટકા) મુખ્યત્વે આ 48 જિલ્લાઓમાં સામેલ છે, જ્યાં વાયરસ રસીકરણની ઝડપ ઓછી છે.
જો કે, દેશમાં સરેરાશ રસીકરણ દર ઝડપી છે અને મંગળવાર સુધીમાં કોરોના વાયરસ રસીના 1.07 અબજ ડોઝ આપવામાં આવ્યા છે. આ સમગ્ર આંકડામાં રસીના 73,61,08,324 પ્રથમ ડોઝ અને 33,64,33,302 બીજા ડોઝનો સમાવેશ થાય છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, 2 નવેમ્બરે સાંજે 7 વાગ્યા સુધી 37 લાખથી વધુ રસી આપવામાં આવી હતી. તે જ સમયે, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ સોમવારે કહ્યું કે ભારતની 78 ટકા વસ્તીને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 38 ટકા લોકોને બંને રસી આપવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે હવે દેશમાં રસીકરણ માટે હર ઘર દસ્તક અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે. જેમાં ઘરે ઘરે જઈને રસી આપવામાં આવશે.