WHOએ ભારત બાયોટેકની કોરોના વેક્સિન 'કોવેક્સિન'ને મંજૂરી આપી!
નવી દિલ્હી, 3 નવેમ્બર : ભારત બાયોટેકની કોરોના રસી 'કોવેક્સિન' ને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા મંજૂરી આપવામાં આવી છે. WHOના નિષ્ણાતોના વ્યૂહાત્મક સલાહકાર જૂથે રસીના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપી છે. ભારત બાયોટેકે ઘણા સમય પહેલા રસીની મંજૂરી માટે અરજી કરી હતી, પરંતુ તેને WHO દ્વારા માન્યતા આપવામાં આવી ન હતી. 26 ઓક્ટોબરે WHO સમિતિએ વેક્સીન બનાવતી કંપની ભારત બાયોટેક પાસેથી કેટલીક માહિતી માંગી હતી. જે બાદ આજે રસીને ઈમરજન્સી યુઝ લિસ્ટ (EUL)માં સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
WHOના ટેકનિકલ એડવાઇઝરી ગ્રૂપે કહ્યું છે કે આ રસી કોરોના સંક્રમણ સામે રક્ષણ માટેના ધોરણોને પૂર્ણ કરે છે અને વિશ્વભરમાં તેનો ઉપયોગ કરી શકાય છે. સગર્ભા સ્ત્રીઓ પર રસીનો ઉપયોગ WHO દ્વારા પણ યોગ્ય જણાયો છે. WHOના સ્ટ્રેટેજિક એડવાઇઝરી ગ્રુપ ઓફ એક્સપર્ટ્સ ઓન ઈમ્યુનાઇઝેશન (SAGE) એ કોવેક્સીન વિશે કહ્યું કે 18 અને તેથી વધુ ઉંમરના લોકોને ચાર અઠવાડિયાના અંતરાલમાં બે ડોઝ આપવામાં જોઈએ.
કોવેક્સિન ભારતમાં વિકસિત કોરોના રસી છે. તેને હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક કંપનીએ તૈયાર કરી છે. ભારત બાયોટેકે ઇમરજન્સી યુઝ લિસ્ટ (EUL)માં રસીનો સમાવેશ કરવા માટે આ વર્ષે 19 એપ્રિલે WHOને અરજી કરી હતી. સાત મહિનાની રાહ જોયા બાદ આ રસીને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
ભારતમાં આ વર્ષે જાન્યુઆરીમાં કોરોના રસીકરણ શરૂ થયું હતું. ભારતમાં ઓક્સફર્ડ અને એસ્ટ્રાઝેનેકાની રસી કોવિશિલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિનનો મુખ્યત્વે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કોવિશિલ્ડને WHO દ્વારા માન્યતા આપવામાં આવી છે પરંતુ કોવેક્સિનને માન્યતા હતી નહી. આ કારણે રસી લેનારા લોકોને વિદેશ પ્રવાસમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. આ સ્થિતિમાં WHOની મંજૂરી પછી કોવેક્સિન લેનારા લોકોને રાહત મળશે.