ડેન્ગ્યુના વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે 9 રાજ્યોમાં કેન્દ્રીય ટીમ મોકલી
નવી દિલ્હી : દેશમાં કોવિડના પ્રકોપ વચ્ચે, આ દિવસોમાં રાજ્યોમાં ડેન્ગ્યુનો કહેર વધી રહ્યો છે, તેને ધ્યાનમાં રાખીને અને તેના તાત્કાલિક નિવારણ માટે મોદી સરકારે મહત્વપૂર્ણ પગલાં લીધા છે. ડેન્ગ્યુને વહેલામાં વહેલી તકે અટકાવવા પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા અને દર્દીઓને યોગ્ય સમયે યોગ્ય સારવાર મળે તે સુનિશ્ચિત કરવા તેણે મંગળવારના રોજ નવ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં નિષ્ણાતોની કેન્દ્રીય ટીમ મોકલી છે.
ઉલ્લેખનીય છે કે, જે રાજ્યોમાં આરોગ્ય ટીમ મોકલવામાં આવી છે, તેમાં હરિયાણા, પંજાબ, કેરળ, રાજસ્થાન, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી અને જમ્મુ-કાશ્મીર છે. સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, 31 ઓક્ટોબર સુધી દેશમાં ડેન્ગ્યુના કુલ કેસમાંથી 86 ટકા કેસ આ રાજ્યોમાંથી આવ્યા છે.

સરકારી દવાખાનામાં થાય છે ડેન્ગ્યુનો ટેસ્ટ
નોંધનીય છે કે, દિલ્હીમાં અત્યાર સુધીમાં ડેન્ગ્યુના 1,530 કેસ નોંધાયા છે, જેમાંથી 12,000 કેસ માત્ર ઓક્ટોબરમાં જ નોંધાયા છે, જે છેલ્લા ચાર વર્ષમાં સૌથી વધુ છે.
જેબાદ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ આરોગ્ય સચિવને એવા રાજ્યોમાં કેન્દ્રીય ટીમ મોકલવા સૂચના આપી હતી, જ્યાં ડેન્ગ્યુના વધુ કેસ છે.
જે બાદ કેન્દ્રીયટીમોને રાજ્યોમાં મોકલવામાં આવી છે. દરેક સરકારી દવાખાનામાં ડેન્ગ્યુનો ટેસ્ટ થતો હોવાનું જાણવા મળે છે.

ડેન્ગ્યુના લક્ષણો
- ડેન્ગ્યુ એડીસ ઇઝિપ્તિ મચ્છરના કરડવાથી થાય છે.
- આ રોગમાં દર્દીને ભારે તાવ આવે છે.
- એટલું જ નહીં તાવની સાથે શરીર પર લાલ ચકામા પણ દેખાય છે.
- તાવ ખૂબ જ આવે છે અને માથામાં સખત દુઃખાવો થાય છે.
- શરીરના સાંધાઓમાં પણ દુઃખાવો થાય છે.
- શરીરમાં પ્લેટલેટ્સ ઘટે છે.
- લોકોને ખોરાક પચવામાં તકલીફ થવા લાગે છે.
- તેમને ઉલ્ટી થવા લાગે છે, તેમને ભૂખ લાગતી નથી.
- તેનું બ્લડપ્રેશર ઘટી જાય છે.
- તેને ચક્કર આવવા લાગે છે, નબળાઈ લાગે છે.

ડેન્ગ્યુથી બચવા માટેના ઉપાયો
- ડેન્ગ્યુના મચ્છર સામાન્ય રીતે બપોરે એટલે કે દિવસ દરમિયાન કરડે છે.
- તમારા ઘરની અંદર અને આસપાસ સ્વચ્છતા રાખો, પાણી એકઠું ન થવા દો.
- ઠંડુ પાણી હોય કે ફ્લાવર પોટ કે ડોલનું પાણી હોય, પાણી ખાલી અને ચોખ્ખું રાખવું જોઈએ. કારણ કે, સ્થિર પાણીમાં મચ્છરો પેદા થાય છે.
- જો ખુલ્લામાં સૂવું એ મજબૂરી હોય તો મચ્છરદાનીનો ઉપયોગ કરો.
- ઘરમાં હંમેશા મચ્છર ભગાડનારી અગરબત્તીનો ઉપયોગ કરો.