કોરોના કેસોમાં 14%નો ઉછાળો, 24 કલાકમાં મળ્યા 11903 દર્દી અને 311 લોકોના મોત
નવી દિલ્લીઃ તહેવારની સિઝનમાં કોરોના વાયરસનુ જોખમ યથાવત છે અને છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના કેસોમાં 14.2 ટકાનો ઉછાળો આવ્યો છે. કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર મંત્રાલયે જણાવ્યુ કે છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના વાયરસના 11903 કેસ મળ્યા છે જ્યારે 311 લોકોના મોત થયા છે. જો કે, કોરોના વાયરસથી રિકવર થનાર દર્દીઓની સંખ્યા વધી છે અને એક દિવસની અંદર 14159 દર્દી રિકવર થયા છે. રિકવર થનાર દર્દીઓની સંખ્યા વધવાથી કોરોના વાયરસના સક્રિય કેસ ઘટી ગયા છે અને હાલમાં આ આંકડો 151209 પર આવી ગયો છે.
આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ કે રિકવર થનાર દર્દીઓની સંખ્યા વધવાતી કોરોના વાયરસના સક્રિય કેસ પણ ઘટી ગયા છે અને હાલમાં આ આંકડો 151209 પર આવી ગયો છે, જે છેલ્લા 252 દિવસોમાં સૌથી ઓછો છે. કોરોના વાયરસના કુલ દર્દીઓમાંથી અત્યાર સુધી 3,36,97,740 દર્દી રિકવર થઈ ચૂક્યા છે. આ ઉપરાંત દેશભરમાં કોરોના વાયરસ સામે રસીકરણ પણ ચાલુ છે જેમાં અત્યાર સુધી વેક્સીનનો કુલ 1,07,29,66,315 ડોઝ આપવામાં આવી ચૂક્યો છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ કે આમાંથી 41,16,230 ડોઝ છેલ્લા 24 કલાકની અંદર આપવામાં આવ્યો છે.
આ પાંચ રાજ્યોમાં કોરોના કેસ સૌથી વધુ
આરોગ્ય મંત્રાલય મુજબ હજુ પણ કોરોના વાયરસના સૌથી વધુ કેસ દેશના પાંચ રાજ્યોમાં જ છે. આમાં 6444 કેસો સાથે કેરળ પહેલા નંબરે છે. ત્યારબાદ મહારાષ્ટ્ર(1078 કેસ), તમિલનાડુ(973 કેસ), પશ્ચિમ બંગાળ(862 કેસ) અને મિઝોરમ(638) શામેલ છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ કે નવા કેસોમાં 83.57 ટકા કેસ આ પાંચ રાજ્યોમાંથી છે જ્યારે એકલા કેરળમાં 54.14 ટકાકેસ રેકૉર્ડ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસથી થયેલ કુલ મોતોમાંથી 187 લોકોના જીવ કેરળ અને 48 લોકોના જીવ મહારાષ્ટ્રમાં ગયા છે.
કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ સોમવારે કહ્યું કે ભારતની 78 ટકા વસ્તીને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 38 ટકા લોકોને બંને રસી આપવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે હવે દેશમાં રસીકરણ માટે હર ઘર દસ્તક અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે. જેમાં ઘરે ઘરે જઈને રસી આપવામાં આવશે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, 2 નવેમ્બરે સાંજે 7 વાગ્યા સુધી 37 લાખથી વધુ રસી આપવામાં આવી હતી.