ફેસબુકે દિલ્હી વિધાનસભા સામે હાજર થવા 14 દિવસનો સમય માંગ્યો, જાણો શું છે સમગ્ર મામલો!
નવી દિલ્હી, 2 નવેમ્બર : ફેસબુક ઈન્ડિયાએ દિલ્હી એસેમ્બલીની 'પીસ એન્ડ હાર્મની' કમિટી સમક્ષ હાજર થવા અને નિવેદન આપવા માટે 14 દિવસનો સમય માંગ્યો છે. સમિતિને મોકલવામાં આવેલા ઈમેલમાં ફેસબુક ઈન્ડિયાએ જણાવ્યું કે તે આ હેતુ માટે યોગ્ય અધિકારીની પસંદગી કરી રહી છે.
દિલ્હી જલ બોર્ડના વડા રાઘવ ચઢ્ઢાની આગેવાની હેઠળની સમિતિએ ફેસબુક ઇન્ડિયાને ખોટા અને દૂષિત મેસેજ ફેલાતા રોકવામાં સોશિયલ મીડિયાની ભૂમિકા અંગે સમિતિ સમક્ષ 18 નવેમ્બરના રોજ યોગ્ય વરિષ્ઠ પ્રતિનિધિ નિયુક્ત કરવા જણાવ્યું હતું. સમિતિએ કહ્યું કે આવા સંદેશાઓથી ભ્રમ પેદા થઈ શકે છે અને શાંતિને અસર થઈ શકે છે. દિલ્હી એસેમ્બલીએ આ વર્ષે ફેબ્રુઆરીમાં ફેસબુક ઇન્ડિયાના ડિરેક્ટર અજીત મોહનને સમિતિ સમક્ષ હાજર થવા માટે સમન્સ પાઠવ્યું હતું, જેની સામે ફેસબુક ઇન્ડિયાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
સમિતિએ ફેસબુકને એક સક્ષમ વરિષ્ઠ પ્રતિનિધિ મોકલવા અને 31 ઓક્ટોબરે સાંજે 4 વાગ્યા સુધીમાં તેનું નામ સૂચિત કરવા કહ્યું હતું. આ સમિતિએ કહ્યું કે જો આમ કરવામાં નહીં આવે તો તેને વિધાનસભાની અવમાનના ગણીને કાર્યવાહી કરવામાં આવી શકે છે. આ વર્ષે જુલાઈમાં સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે દિલ્હી વિધાનસભાની સમિતિના વિશેષાધિકારો અને સત્તા સંસદીય વિશેષાધિકારો અને અન્ય વિધાનસભાઓના વિશેષાધિકારો બરાબર છે.
સમિતિના ડેપ્યુટી સેક્રેટરી સદાનંદ સાહે પત્રમાં કહ્યું હતું કે, દિલ્હીમાં ફેબ્રુઆરી 2020માં અભૂતપૂર્વ સાંપ્રદાયિક અસંતોષ અને હિંસા જોવા મળી હતી. એસેમ્બલીએ પરિસ્થિતિને દૂર કરવા અને ધાર્મિક સમુદાયો, ભાષાકીય સમુદાયો અને સામાજિક જૂથો વચ્ચે સંવાદિતા પુનઃસ્થાપિત કરવા માટે યોગ્ય પગલાંની ભલામણ કરવા માટે શાંતિ અને સંવાદિતા પર એક સમિતિની રચના કરી છે. પત્રમાં વધુમાં જણાવાયું છે કે દિલ્હીમાં ફેસબુકના લાખો યુઝર્સ હોવાથી સમિતિએ 2 નવેમ્બર, 2021ના રોજ બપોરે 12.30 વાગ્યાથી એમએલએ લાઉન્જમાં યોજાનારી બેઠકમાં ઉપરોક્ત વિષય પર ફેસબુક ઈન્ડિયાના પ્રતિનિધિઓના મંતવ્યો સાંભળવાનું નક્કી કર્યું છે.