ભારત યુએસ બેઝ સેકન્ડ જનરેશન કોરોના રસીનું ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરશે!
નવી દિલ્હી, 2 નવેમ્બર : ભારત ટૂંક સમયમાં અમેરિકાની એક્સટન બાયોસાયન્સની સેકન્ડ જનરેશન કોરોના રસીનું ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરશે. આ રસીનું ઉત્પાદન ખૂબ સસ્તું છે, જ્યારે રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય ત્યારે તેને ફરીથી આપી શકાય છે અને તેને સુરક્ષિત રાખવા માટે રેફ્રિજરેટરની પણ જરૂર પડતી નથી.
રસીની ટ્રાયલ શરૂ કરતા પહેલા સલામતીને ધ્યાનમાં રાખીને રસીના નમૂના પરીક્ષણ માટે કસૌલીની સેન્ટ્રલ ડ્રગ્સ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. AKS-452 નામની આ રસી 25°C તાપમાને ઓછામાં ઓછા 6 મહિના ટકી શકે છે અને 37°C તાપમાને એક મહિના સુધી અસરકારક રહે છે.
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે તેના નમૂના કસૌલીની લેબમાં મોકલવામાં આવ્યા છે અને એક મહિનામાં દેશના 12 સ્થળોએ તેનું ટ્રાયલ શરૂ થશે. ભારતમાં બીજા અને ત્રીજા તબક્કા હેઠળ તેની કુલ સેમ્પલ સાઈઝ 1600 લોકો છે, જે પૂર્ણ થતાં લગભગ એક વર્ષ લાગશે.
તેમને વધુમાં કહ્યું કે, ભારતને આ રસીના સ્થાનિક ઉપયોગની જરૂર ન પડી શકે પરંતુ ભારત ગરીબ અને મધ્યમ વર્ગની આવક ધરાવતા દેશો માટે તેનું ઉત્પાદન અને નિકાસ કરી શકે છે. આ રસીનું મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, રાજસ્થાન અને ગુજરાતની હોસ્પિટલોમાં ટ્રાયલ શરૂ થવાની ધારણા છે.
જો આ રસી અસરકારક સાબિત થાય તો તે એવા દેશોમાં વરદાન સાબિત થઈ શકે છે, જ્યાં રસીના સંગ્રહ માટે પૂરતું ઈન્ફ્રાસ્ટ્રક્ચર નથી. કંપનીનો દાવો છે કે આ રસી ઓરડાના તાપમાને 6 મહિના સુધી રહી શકે છે. બીજી તરફ આ રસી કેન્યા જેવા ગરમ દેશો માટે આદર્શ સાબિત થશે, કારણ કે તે રેફ્રિજરેટર વિના એક મહિના સુધી સુરક્ષિત રહી શકે છે. આ સિવાય તેને સરળતાથી લઈ જઈ શકાય છે.