15,000 કરોડ રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ, CBIએ દાખલ કર્યો કેસ
નવી દિલ્હી : સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ 15,000 કરોડ રૂપિયાના બાઇક બોટ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે અને તેની તપાસ માટે કેસ પણ નોંધ્યો છે. રૂપિયા 15,000 કરોડનું બાઇક બોટ કૌભાંડ હીરાના વેપારી નીરવ મોદી અને મેહુલ ચોક્સી સાથે સંકળાયેલા પંજાબ નેશનલ બેંકના છેતરપિંડીના કેસ કરતાં પણ મોટું હોવાનું સામે આવ્યું છે.
CBI દ્વારા FIRમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, ઉત્તર પ્રદેશ સ્થિત બાઇક બોટના ચીફ મેનેજિંગ ડિરેક્ટર (મુખ્ય મેનેજિંગ ડિરેક્ટર) સંજય ભાટીએ અન્ય 14 લોકોએ સાથે મળીને સમગ્ર દેશમાં આશરે 15,000 કરોડ રૂપિયાના રોકાણકારોને છેતર્યા હતા.
જાણો શું છે સમગ્ર કેસ?
કથિત બાઇક બોટ કૌભાંડમાં આરોપીઓએ બાઇક બોટના નામે બાઇક-ટેક્સી સેવાની આડમાં અત્યંત આકર્ષક રોકાણ યોજનાઓ બનાવી હતી, જેમાં ગ્રાહક એક, ત્રણ, પાંચ કે સાત બાઇકમાં રોકાણ કરી શકે છે. આ બાઇકોની જાળવણી અને સંચાલન કંપની દ્વારા કરવામાં આવી હતી. રોકાણકારને બાઇક માટે માસિક ભાડું, EMI અને બોનસ (બહુવિધ બાઇકમાં રોકાણના કિસ્સામાં) વગેરે ચૂકવવામાં આવતું હતું. આ તમામ આકર્ષક ઓફર્સ બતાવીને રોકાણકારોને જોડાવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
CBIએ પોતાની ફરિયાદમાં શું કહ્યું?
કંપનીએ તેની સ્કીમના ભાગરૂપે વિવિધ શહેરોમાં કથિત રીતે ફ્રેન્ચાઇઝી ફાળવી હતી, પરંતુ આ શહેરોમાં બાઇક અને ટેક્સી ભાગ્યે જ ચાલી રહી હતી. આ યોજનાઓ ઓગસ્ટ 2017માં શરૂ કરવામાં આવી હતી અને રોકાણકારો, ગ્રાહકો પાસેથી ભંડોળ એકત્રીકરણ અને તેમના માટે ચૂકવણી 2019 ની શરૂઆત સુધી ચાલુ રહી હતી.
સીબીઆઈની એફઆઈઆરમાં જણાવ્યું છે કે, બદ ઈરાદા સાથે રોકાણકારો પાસેથી નાણા પડાવવા માટે, કંપનીએ જાહેરાત કરી કે 'BIKE BOT - THE BIKE TAXI POWERED BY GIPL' યોજના દ્વારા સંચાલિત બાઇક ટેક્સી ખૂબ જ જલ્દી રોકાઈ જશે અને ઈચ્છુક વ્યક્તિઓ સ્કીમનો લાભ લેવા માટે ઝડપથી પૈસા જમા કરાવવા પડશે.
નવેમ્બર 2018થી શરૂ થઈ હતો કૌભાંડનો ખેલ
નવેમ્બર 2018માં કંપનીએ ઇ-બાઇક માટે બાઇક બોટ યોજના શરૂ કરી. ઈ-બાઈક માટે સબસ્ક્રિપ્શનની રકમ નિયમિત પેટ્રોલ બાઈક માટે રોકાણની રકમ કરતાં લગભગ બમણી હતી. એટલે કે સ્કીમ હેઠળ બાઇક ટેક્સી શરૂ કરવામાં આવી હતી. રોકાણકારો પાસેથી આ સ્કીમમાં એક વ્યક્તિ પાસેથી રૂપિયા 62,200નું એકમ રોકાણ કરવામાં આવ્યું હતું. જેના બદલામાં કંપનીએ વચન આપ્યું હતું કે, તેમને એક વર્ષ માટે 9,765 રૂપિયા મળશે, પરંતુ તેમ ન થયું અને ઓપરેટર રોકાણકારોના પૈસા લઈને ફરાર થઈ ગયો હતો.
આ પ્રકારની જાહેરાતો પર લગભગ 2,00,000 રોકાણકારો પૈસા મૂકે છે, પરંતુ સત્ય એ છે કે જે બાદ જ્યારે લોકોને લાગ્યું કે તેમની સાથે છેતરપિંડી થઈ છે, તો તેઓએ પોલીસમાં ફરિયાદ કરી હતી. કંપનીની છેતરપિંડીની પ્રવૃત્તિઓ નોઇડા જિલ્લા સત્તાધિકારી તેમજ પોલીસ અધિકારીઓના ધ્યાન પર આવી હતી.
FIRમાં આરોપ છે કે, પૂર્વ આયોજિત ષડયંત્ર હેઠળ સંજય ભાટી અને તેના સહયોગીઓએ રોકાણકારોને છેતર્યા અને બિઝનેસના નામે દેશભરમાંથી ઓછામાં ઓછા 15,000 કરોડ રૂપિયા ભેગા કર્યા હતા. આ અગાઉ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પ્રાઉડ ઈનોવેટિવ પ્રમોટર્સ લિમિટેડ (કંપનીનું નામ) સંજય ભાટી અને અન્ય લોકો વિરુદ્ધ ગૌતમ બુદ્ધ નગરના દાદરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી વિવિધ એફઆઈઆરના આધારે બાઇક બોટ કૌભાંડમાં મની-લોન્ડરિંગની તપાસ શરૂ કરી હતી. નાણાકીય તપાસ એજન્સીએ આ કેસમાં રૂપિયા 216 કરોડથી વધુની સંપત્તિ પણ જપ્ત કરી છે.