અખિલેશ યાદવ ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણી નહીં લડે, જાહેરાત કરી!
લખનૌ, 01 નવેમ્બર : સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે સોમવારે કહ્યું કે તે આવતા વર્ષે ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી નહીં લડે. તેમણે એમ પણ કહ્યું કે ચૂંટણી માટે તેમની પાર્ટી અને રાષ્ટ્રીય લોકદળ (RLD) વચ્ચે ગઠબંધનને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. અખિલેશ યાદવે પીટીઆઈને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, આરએલડી સાથે અમારું ગઠબંધન અંતિમ છે. બેઠકોની વહેંચણીને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે, અખિલેશ યાદવ આઝમગઢથી સાંસદ છે અને સપાના મુખ્યમંત્રી પદના ઉમેદવાર છે.
યુપીમાં 2022ની ચૂંટણીમાં કાકા શિવપાલ યાદવની પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી લોહિયા (PSPL) સાથે ગઠબંધનની સંભાવના પર અખિલેશે કહ્યું કે, મને તેનાથી કોઈ વાંધો નથી. બીજી તરફ અલીગઢમાં શિવપાલ યાદવે કહ્યું કે જો તેના કાર્યકર્તાઓને સન્માન મળે તો તે સમાજવાદી પાર્ટીમાં ભળવા માટે તૈયાર છે. શિવપાલે કહ્યું કે ભાજપ સરકારમાં કાયદો અને વ્યવસ્થા અને મોંઘવારીએ સામાન્ય માણસની કમર તોડી નાખી છે. કોઈપણ સ્થળ અને કોઈપણ સંસ્થાનું નામ બદલવાથી વિકાસ થઈ શકે નહીં, પરંતુ તેના માટે કામ કરવું પડશે, જે ભાજપ સરકાર કરી રહી નથી. તેમણે કહ્યું કે, સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસના નારા સાથે પણ લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી છે.
સપા પ્રમુખ અખિલેશ યાદવે રવિવારે દાવો કર્યો હતો કે, ઉત્તર પ્રદેશના લોકોના તમામ વર્ગના લોકોએ 2022ની વિધાનસભા ચૂંટણીમાં તેમની પાર્ટીને રાજ્યમાં સત્તા પર લાવવાનું મન બનાવી લીધું છે. હરદોઈમાં એક જનસભાને સંબોધતા તેમણે કહ્યું કે સપા સત્તામાં આવ્યા બાદ ઉત્તર પ્રદેશ સમૃદ્ધિના માર્ગે પરત ફરશે.