નવાબ મલિકે ફડણવીસની પત્ની સાથે ડ્રગ પેડલરનો ફોટો શેર કરી સવાલ ઉઠાવ્યા!
મુંબઈ, 01 નવેમ્બર : NCBના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે પર ફર્જીવાડાનો આરોપ લગાવનાર મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે હવે ડ્રગ્સ કેસના મુદ્દે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને તેમની પત્ની અમૃતા ફડણવીસ પર નિશાન સાધ્યું છે અને બે ફોટો શેર કર્યા છે.

ડ્રગ્સ પેડલર સાથે અમૃતા ફડણવીસ
આ ફોટોમાં અમૃતા ફડણવીસ એક ડ્રગ પેડલર સાથે જોવા મળી રહી છે. આ ફોટો જૂનો છે. આ ડ્રગ્સ પેડલરનું નામ જયદીપ ચંદુલાલ રાણા છે. જેની જુન 2021માં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા ડ્રગ્સના અન્ય કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ફોટો શેર કરતા મલિકે સવાલ ઉઠાવ્યો છે કે ભાજપ અને ડ્રગ્સ પેડલર વચ્ચે શું કનેક્શન છે?

દેવેન્દ્ર ફડણવીસના ડ્રગ્સ પેડલર સાથે શું સંબંધ છે?
તો બીજા ફોટોમાં પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ જયદીપ ચંદુલાલ રાણા સાથે જોવા મળી રહ્યા છે. જો કે નવાબ મલિકે આ ફોટો ક્યાં લેવામાં આવ્યો છે, ક્યારે લીધો છે, કોણે લીધો છે તે વિશે કંઈ લખ્યું નથી. તેમને ટ્વિટ કરેલા ફોટોમાં કેપ્શન લખ્યુ છે કે ચાલો આજે ભાજપ અને ડ્રગ્સ પેડલર વચ્ચેના સંબંધની ચર્ચા કરીએ.

અમૃતાના ગીતનો ફાયનાન્સર રહ્યો હોવાનો આરોપ
આ પછી નવાબ મલિકે ટ્વિટ કર્યું છે કે જયદીપ ચંદુલાલ રાણા અમૃતા ફડણવીસે ગાયેલા ગીતના વીડિયોના ફાઇનાન્સર્સમાંથી એક છે. આ પછી નવાબ મલિકે ટ્વીટ કર્યું કે 'ક્યા હુસ્ન ને સમજા હૈ, ક્યા ઈશ્ક ને જાના હૈ, આપણે ડ્રગ્સની ઝપેટમાં છીએ. મલિકનું આ ટ્વિટ આ સમયે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે. આ અંગે લોકો વિવિધ પ્રકારના સવાલો ઉઠાવી રહ્યા છે.