જમ્મુ-કાશ્મીરમાં શહીદોના નામે રસ્તાઓ અને શાળાઓના નામ રખાશે!
શ્રીનગર, 29 ઓક્ટોબર : જમ્મુ અને કાશ્મીરમાં વહીવટીતંત્રે હવે શાળાઓ, રસ્તાઓ અને ઈમારતોના નામ શહીદ જવાનોના નામ પર રાખવાની જાહેરાત કરી છે, જે આતંકવાદ સામે લડતા ખીણમાં શહીદ થયા હતા. જમ્મુ-કાશ્મીર પ્રશાસને તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ માટે 108 શહીદ જવાનોના નામની યાદી તૈયાર કરવામાં આવી છે. આ તમામ સૈનિકોએ આતંકવાદ સામે લડતી વખતે વીરગતિ પ્રાપ્ત કરી હતી અને તેમને વીરતા પુરસ્કાર પણ મળ્યા હતા.
માહિતી અનુસાર, આ યાદીમાં મોટાભાગના નામ રાજ્ય પોલીસ અને સેનાના જવાનોના છે, જે જમ્મુ અને કાશ્મીરમાં વિદ્રોહ પછી આતંકવાદીઓ સામે લડતા માર્યા ગયા છે. સુરક્ષા દળો ઉપરાંત આ યાદીમાં ટોચના શિક્ષણવિદો અને સાહિત્ય અકાદમી એવોર્ડ જીતનાર કલાકારોના નામ પણ સામેલ છે. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાની અધ્યક્ષતામાં મળેલી બેઠક બાદ સ્થાનિક પ્રશાસને આ નિર્ણય લીધો હતો.
જમ્મુ-કાશ્મીર પ્રશાસન તરફથી કહેવામાં આવ્યું છે કે, આ નિર્ણય ભારત સરકારના આઝાદી કા અમૃત મહોત્સવને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. દેશની આઝાદીના 75 વર્ષની ઉજવણીના ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે આ નિર્ણય લીધો છે.
તમને જણાવી દઈએ કે પ્રશાસન દ્વારા બનાવવામાં આવેલી 108 નામોની યાદીમાં જમ્મુ-કાશ્મીર પોલીસના આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર મોહમ્મદ અકબરનું નામ છે, જેને 2014માં ઉરીના મોહરામાં આર્મી કેમ્પ પર થયેલા આતંકી હુમલામાં જીવ ગુમાવ્યો હતો. આ હુમલામાં ઘણા સૈનિકો અને પોલીસકર્મીઓ શહીદ થયા હતા. આ સિવાય 2009માં કુપવાડામાં ઘૂસણખોરો વિરુદ્ધ ઓપરેશનમાં માર્યા ગયેલા શબ્બીર અહેમદ મલિકનો પણ આ યાદીમાં સમાવેશ છે. આ યાદીમાં જમ્મુ અને કાશ્મીર લાઇટ ઇન્ફન્ટ્રી ડિવિઝનના નાયબ સુબેદાર ચુન્ની લાલનો પણ સમાવેશ થયો છે, જે 24 જૂન, 2007ના રોજ કુપવાડા જિલ્લામાં એન્કાઉન્ટર દરમિયાન શહીદ થયા હતા.