ડ્રગ્સ કેસમાં કિરણ ગોસાવીને 8 દિવસની પોલીસ કસ્ટડી મોકલાયો, છેતરપિંડીના કેસમાં ધરપકડ થઈ છે!
પુણે, ઓક્ટોબર 28 : અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન સાથે જોડાયેલા ડ્રગ કેસમાં સ્વતંત્ર સાક્ષી કિરણ ગોસાવીની આજે પુણે સિટી પોલીસે ધરપકડ કરી હતી. પુણેના ફરાસખાના પોલીસ સ્ટેશનની પોલીસે તેને પકડ્યો છે. છેતરપિંડીના આરોપમાં ધરપકડ કર્યા બાદ કિરણને સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે તેને આઠ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે.
ગોસાવીના વકીલ સચિને આ વિશે જણાવ્યું હતું કે, પોલીસનું મુખ્ય કામ ખાતામાં ગયેલા પૈસા જપ્ત કરવાનું હતું. અમારી દલીલ એવી હતી કે જે ખાતામાં પૈસા ગયા છે તે ખાતુ કેસના અન્ય આરોપી કુરેશીનું છે. પોલીસે ખોટા દસ્તાવેજો બનાવવા માટે કલમ 465 પણ લગાવી છે. કોર્ટે 8 દિવસની પોલીસ કસ્ટડી આપી છે.
પુણે શહેરના પોલીસ કમિશનર અમિતાભ ગુપ્તાએ જણાવ્યું કે, કિરણ ગોસાવીની 2018ના છેતરપિંડીના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. આ છેતરપિંડીની FIR કિરણ ગોસાવી વિરુદ્ધ મે 2018ના રોજ પુણેમાં ફરાસખાના પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી હતી. આ કેસમાં 2019માં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. પુણે સિટી પોલીસે ફરાસખાના પોલીસ સ્ટેશનમાં બનાવટી દસ્તાવેજો બનાવવા બદલ કિરણ ગોસાવી સામે IPCની કલમ 465 અને કલમ 468 પણ ઉમેરી છે.
શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની NCB ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવ્યા બાદ કિરણ ગોસાવીની તસવીર સામે આવી હતી. જેમાં તે NCB ઓફિસમાં આર્યન સાથે સેલ્ફી લેતો જોવા મળ્યો હતો. પોતાને પ્રાઈવેટ ડિટેક્ટીવ કહેતા કિરણ ગોસાવી આ પછી અચાનક ચર્ચામાં આવ્યો હતો. એનસીબીએ તેને આર્યનના કેસમાં સ્વતંત્ર સાક્ષી બનાવ્યો હતો.
આર્યન સાથે સેલ્ફી વાયરલ થયા બાદ આ મામલામાં કિરણની ભૂમિકા પર સવાલો ઉભા થયા હતા. જે પછી તે ગાયબ થઈ ગયો હતો. ત્યારબાદ સમાચાર હતા કે તે ઉત્તર પ્રદેશ આવશે અને લખનૌમાં આત્મસમર્પણ કરશે. આ પછી તેણે મીડિયામાં મુંબઈમાં NCB અધિકારીઓ સમક્ષ હાજર થવાની વાત કરી હતી. ગુરુવારે સવારે કિરણની ધરપકડ કરવામાં આવી હતી.
ઉલ્લેખનિય છે કે આ પહેલા ડ્રગ્સ કેસમાં આર્યન ખાનને બોમ્બે હાઈકોર્ટે જામીન આપ્યા છે. ત્રણ દિવસ સૂનાવણી ચાલ્યા બાદ આખરે હવે આર્યન ખાનને કોર્ટે જામીન આપ્યા છે. જામીનની કોપી મળતા આર્યન જેલમાંથી બહાર આવશે.