નવાબ મલિકના આરોપો પર સમીર વાનખેડેના પિતાએ આપી સફાઈ, કહ્યુ - નિકાહનામુ સાચુ છે પરંતુ અમે હિંદુ છીએ
મુંબઈઃ મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસ વિવાદમાં રોજ નવા-નવા ખુલાસા થઈ રહ્યા છે. એનસીબી ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે વિશે રોજ કોઈને કોઈ ખુલાસા થઈ રહ્યા છે. મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નવાબ મલિકે એનસીબીના સમીર વાનખેડે વિશે બુધવારે તેમના નિકાહનામાની એક કૉપી સાર્વજનિક કરી છે. જેના પર સમીરના પિતાનુ નિવેદન સામે આવ્યુ છે. જ્ઞાનદેવ વાનખેડેએ કહ્યુ કે અમારા અંગત જીવન પર હુમલો કરવામાં આવ્યો છે. જો તે(નવાબ મલિક) અમને નિશાન બનાવતા રહ્યા તો અમે માનહાનિનો કેસ કરીશુ.
નવાબ મલિકના બુધવારના ખુલાસા પર જવાબ આપીને જ્ઞાનદેવ વાનખેડેએ કહ્યુ કે, 'અમારા અંગત જીવનને નિશાન બનાવવામાં આવ્યુ છે. જો તે(નવાબ મલિક) અમને નિશાન બનાવતા રહ્યા તો માનહાનિનો કેસ કરીશુ...કોર્ટમાં જઈશુ. જ્યારથી તેમના જમાઈને ડ્રગ કેસમાં પકડ્યા ત્યારથી તે અમને નિશાન બનાવી રહ્યા છે.' તેમણે આગળ કહ્યુ કે, અમારા જીવનને જોખમ છે. તે(નવાબ મલિક) એક પ્રભાવશાળી વ્યક્તિ છે અને રાવણની જેમ છે - તેના 10 હાથ, 10 મોઢા, પૈસા છે, કંઈ પણ કરી શકે છે...હું દલિત છુ, મારા દાદા, પરદાદા બધા હિંદુ હતા તો દીકરો ક્યાંથી મુસ્લિમ થઈ ગયો? એ તેમણે(નવાબ મલિકે સમજવુ જોઈએ.
સમીર વાનખેડેના પિતા જ્ઞાનદેવે પણ કબૂલ કર્યુ છે કે નિકાહનામુ સાચુ છે પરંતુ અમે હિંદુ છીએ. હું, મારો દીકરો અને એક દીકરી એક નાનો પરિવાર છે અને અમે બધા હિંદુ છીએ. મારી પત્ની મુસ્લિમ હતી. સમીર વાનખેડેના પિતાને જ્યારે નિકાહનામા પર તેમના દાઉદ નામ વિશે પૂછવામાં આવ્યુ ત્યારે તેમણે કહ્યુ કે, 'તે એક મોટા લગ્ન હતા, હું ઉર્દૂ નથી સમજતો, મારી પત્નીએ એ લખ્યુ હશે. મારુ નામ જ્ઞાનદેવ છે દાઉદ નથી. કદાચ મારી પત્નીએ લગ્ન માટે દાઉદ લખ્યુ હશે. મે કંઈ છૂપાવ્યુ નથી. હું જન્મથી હિંદુ છુ.'
વળી, સમીરની પત્ની ક્રાંતિએ કહ્યુ કે નિકાહનામુ સાચુ છે. નિકાહ થયો પરંતુ સમીરે કાનૂની રીતે પોતાનો ધર્મ, જાતિ નથી બદલી. આ માત્ર એક ઔપચારિકતા હતી કારણકે મારા સાસુ મુસ્લિમ હતા અને તેમની ખુશી માટે નિકાહ થયા હતા. નવાબ મલિક દ્વારા શેર કરવામાં આવેલ જન્મ પ્રમાણપત્ર ખોટુ છે. સમીર વાનખેડેને ખબર હતી કે તે હિંદુ છે અને તેમણે સ્પેશિયલ મેરેજ એક્ટરમાં લગ્ન કરવાના અને તેમણે તે કર્યા. તો આમાં છેતરપિંડી ક્યાં થઈ? સમીર વાનખેડેએ પોતાની જાતિ અને ધર્મ વિશે ક્યારેય ખોટુ બોલ્યુ નથી.
ક્રાંતિએ કહ્યુ કે અમારી અંગત ફોટા શેર કરીને નવાબ મલિકે પોતાના દ્વારા લેવામાં આવેલ બંધારણીય શપથ વિરુદ્ધ કામ કર્યુ છે. અમે તેમની સામે કાનૂની કાર્યવાહી કરીશુ, એફઆઈઆર નોંધી લેવામાં આવી છે. તેમનો એક જ હેતુ સમીર વાનખેડેને પદ પરથી હટાવવાનો છે જેથી તેમના જમાઈને બચાવી શકાય. હવે નવાબ મલિકના આરોપો બાદ સમીન વાનખેડેના નિકાહ કરાવનાર કાજી મુજમ્મિલ અહેમદ પણ સામે આવ્યા છે.
કાજી મુજમ્મિલ અહેમદનો દાવો છે કે સમીર મુસ્લિમ હતા માટે લગ્ન થયા. જો મુસ્લિમ ન હોત તો લગ્ન ન થાત. નિકાહનામામાં પિતાનુ નામ દાઉદ લખેલુ હતુ. તેમણે કહ્યુ, 'જો તે હિંદુ હોત તો હું નિકાહ ના કરાવત. લોખંડવાલા વિસ્તારના ગાર્ડન હૉલમાં હજાર-બે હજાર લોકો વચ્ચે નિકાહ કરાવ્યા હતા.'