ફટાકડાની દુકાનમાં આગ લાગી, 5 લોકોના મોત
નવી દિલ્હી : તમિલનાડુના કલ્લાકુરિચી જિલ્લાના શંકરાપુરમ શહેરમાં મંગળવારના રોજ એક મોટી દુર્ઘટના સર્જાઇ હતી. આ ઘટનામાં ફટાકડાની દુકાનમાં આગ લાગી હતી. જેમાં કુલ 5 લોકોના મોત થયા છે. આ ઘટનામાં કેટલાય લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. તમામ ઘાયલેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
જો કે આગનું ચોક્કસ કારણ હજૂ સુધી જાણી શકાયું નથી. તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનો માટે વળતરની જાહેરાત કરી છે. રાજ્ય સરકાર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે, ફટાકડાની દુકાનમાં આગ લાગવાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 5 લાખ રૂપિયા અને ઈમરજન્સી વોર્ડમાં દાખલ ઘાયલોને 1 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે.
મળતી માહિતી મુજબ દિવાળીના કારણે શંકરપુરમ શહેરમાં આવેલી દુકાનમાં ફટાકડાનો મોટો સ્ટોક હતો. મંગળવારના રોજ અચાનક દુકાનમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો, આ અંગે લોકો કંઈ સમજે તે પહેલા જ દુકાન આગના લપેટામાં આવી ગઈ હતી. તાત્કાલિક પહોંચેલા ફાયર બ્રિગેડના વાહનોએ બચાવ કામગીરી શરૂ કરી હતી, પરંતુ ત્યાં સુધીમાં 5 લોકોના મોત થઈ ચૂક્યા હતા. જિલ્લા કલેક્ટર પીએન શ્રીધરે આ અંગે માહિતી આપી છે. શ્રીધરે જણાવ્યું હતું કે, ઘાયલોને સારવાર આપવામાં આવી રહી છે. આ સાથે એક ટીમ આ સમગ્ર ઘટનાની તપાસમાં લાગેલી છે.
આ પહેલા 16 લોકોના મોત થયા હતા
ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં તમિલનાડુના વિરુધુનગરમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. જેના કારણે 16 લોકોના મોત થયા છે. મૃતકોમાં એક મહિલા પણ શામેલ છે. નિષ્ણાતોના મતે ફટાકડાની ફેક્ટરીઓ અને દુકાનોમાં ઘણો દારૂગોળો હોય છે, પરંતુ પૈસા બચાવવા માટે તેના સંચાલકો ઈમરજન્સી માટે જરૂરી વસ્તુઓ રાખતા નથી, જેના કારણે આવી ઘટનાઓ બને છે.