Wankhede vs Malik: હવે કાજી મુઝમ્મિલ અહેમદે કહ્યુ - 'સમીર મુસ્લિમ છે એટલે તો કરાવ્યા હતા શબાના સાથે નિકાહ'
મુંબઈઃ ક્રૂઝ ડ્ર્ગ્સ કેસના કારણે ચર્ચામાં આવેલા એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે વિરુદ્ધ નવાબ મલિકનો વિવાદ વધી રહ્યો છે. લેટેસ્ટ ઘટનાક્રમની વાત કરીએ તો નવાબ મલિકે સમીર વાનખેડેના એક કથિત નિકાહનામામાં પોતાના ટ્વિટર હેન્ડલ પર જાહેર કરીને આરોપ લગાવ્યો કે સમીર વાનખેડેએ નકલી રીતે આઈઆરએસની નોકરી મેળવી છે. તમને જણાવી દઈએ કે એ નિકાહનામામાં સમીર અને તેની પૂર્વ પત્ની શબાના કુરેશીનો ફોટો છે.

'સમીર મુસ્લિમ છે માટે તો થયા હતા શબાના સાથે નિકાહ'
નવાબ મલિકના આ ટ્વિટ બાદ મુજમ્મિલ અહેમદ નામના કાજીએ દાવો કર્યો છે કે તેમણે જ વર્ષ 2006માં સમીર દાઉદ વાનખેડેના નિકાહ શબાના કુરેશી સાથે કરાવ્યા હતા. ઈન્ડિયા ટીવીના સમાચાર મુજબ કાજી મુજમ્મિલ અહેમદે કહ્યુ કે, 'જે નિકાહનામુ ટ્વિટ કરવામાં આવ્યુ છે તેમાં તેમના જ હસ્તાક્ષર છે અને તેમણે આ લગ્ન કરાવ્યા હતા.'

સમીરે પોતાના પિતાને પણ મુસ્લિમ જ બતાવ્યા હતા
કાજીએ કહ્યુ કે, 'સમીર જ્યારે અહીં નિકાહ માટે આવ્યા ત્યારે તેમણે પોતાને મુસ્લિમ કહ્યા હતા અને તેમણે પોતાના પિતાને પણ મુસ્લિમ જ ગણાવ્યા હતા. ત્યારે તો લગ્ન થયા હતા નહિતર બિન મુસ્લિમ છોકરા સાથે એક મુસ્લિમ છોકરીના નિકાહ અમે કેવી રીતે કરાવીએ? શરીયત આની મંજૂરી નથી આપતો. અહીં બધાને એ જ ખબર છે કે સમીર મુસ્લિમ છે માટે નિકાહ પઢવામાં આવ્યા હતા. મને ખબર નથી તે હવે ખુદને હિંદુ કેમ કહી રહ્યા છે? પરંતુ અહીં જ્યારે આવ્યા ત્યારે તેમણે ખુદને મુસ્લિમ જ ગણાવ્યા હતા. જો તે હિંદુ ગણાવતા તો ના નિકાહ થતા ના લગ્ન. સાચુ તો એ છે કે સમીર વાનખેડે જૂઠુ બોલી રહ્યા છે.'

શું કહ્યુ હતુ નવાબ મલિકે?
નવાબ મલિકે ટ્વિટ કર્યુ, '7 ડિસેમ્બર 2006, ગુરુવારે રાતે 8 વાગે મુંબઈના લોખંડવાલા કૉમ્પ્લેક્સમાં સમીર દાઉદ વાનખેડે અને શબાના કુરેશીના નિકાહ થયા. નિકાહમાં મહેરની રકમ 33 હજાર રૂપિયા હતી. આ નિકાહમાં સાક્ષી નંબર 2 તરીકે સમીર દાઉદ વાનખેડેની મોટી બહેન યાસ્મીન દાઉદ વાનખેડેના પતિ અઝીઝ ખાન હતા.' જો કે નવાબ મલિકના બધા આરોપોને સમીર વાનખેડે અને તેમના પરિવારે ખોટા ગણાવ્યા છે અને કહ્યુ છે કે નવાબ મલિકના જમાઈને સમીર વાનખેડેએ ડ્ર્ગ્સ કેસમાં અરેસ્ટ કર્યા છે માટે તે તેમના પર ખોટા આરોપ લગાવી રહ્યા છે.

શબાના કુરેશી સમીર વાનખેડેની પહેલી પત્ની હતી
તમને જણાવી દઈએ કે ડૉ. શબાના કુરેશી, સમીર વાનખેડેની પહેલી પત્ની હતી. વર્ષ 2016માં બંનેના તલાક થઈ ગયા હતા. વર્ષ 2017માં સમીરે મરાઠી સ્ટાર ક્રાંતિ રેડકર સાથે લગ્ન કર્યા હતા. બંનેના લગ્ન હિંદુ ધર્મ પ્રમાણે કર્યા હતા. જેના ફોટા બે દિવસ પહેલા જ ક્રાંતિએ ટ્વિટ કર્યુ હતુ. આ લગ્નથી સમીર-ક્રાંતિને બે જોડિયા દીકરીઓ છે.