કોણ છે પંજાબની રાજનીતિ ગરમાવનાર પાકિસ્તાની પત્રકાર અરૂસા આલમ?
પંજાબમાં રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે. કોંગ્રેસ સાથે છેડો ફાડી પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ નવી રાજકીય પાર્ટી બનાવવાની તૈયારી કરી રહ્યા છે. આ તમામ ઘટનાઓ વચ્ચે પાકિસ્તાની મહિલા પત્રકાર અરુસા આલમ સાથેના કેપ્ટનના સબંધોએ ટ્વિટરથી લઈને રાજકીય મેદાનમાં માહોલ ગરમાવી દીધો છે. અરુસા આલમ લાંબા સમયથી કેપ્ટન અમરિન્દર સિંહની મિત્ર છે અને અનેક પ્રસંગોએ બન્નેને સાથે જોવામાં આવ્યા છે.
હવે બંનેના એક સાથે ફોટોને લઈને હોબાળો મચ્યો છે. પંજાબના ઉપમુખ્યમંત્રી સુખજિંદર સિંહ રંધાવાએ કહ્યું છે કે, અરુસાના પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI સાથે સંબંધો છે અને તપાસની માંગ કરી છે. કેપ્ટને રસ્તો બદલ્યા બાદ અચાનક લાઇમલાઇટમાં આવેલી અરુસા આલમ અને કેપ્ટનની મિત્રતા તેમજ અરુસાના ભારત પ્રવાસ વિશે લોકો જાણવા માંગે છે.

કોણ છે અરુસા આલમ?
અરુસા આલમ પાકિસ્તાની પત્રકાર છે. તે પાકિસ્તાનમાં સંરક્ષણ મંત્રાલય સાથે સંકળાયેલી પત્રકાર રહી ચૂકી છે અને આ મુદ્દાઓ પર તેની આંતરિક પકડ છે. વિદેશી બાબતોમાં રસ ધરાવતા વિદ્વાન અને લેખક ડૉ. સંજીવ ઝા કહે છે કે અરુસાના પિતા એક સમયે સમાજવાદી નેતા હતા. 1970ના દાયકામાં તેના પિતાની પાકિસ્તાનની રાજનીતિમાં સારી દખલ હતી. જો કે, બાદમાં તેને સાઇડલાઇન કરવામાં આવ્યા હતા. તેઓ જણાવે છે કે અરુસાની માતાની રુચિ સંરક્ષણ બાબતો અને સૈન્ય ક્ષેત્રમાં રહી છે. આવી સ્થિતિમાં અરુસા પણ આ ક્ષેત્રથી પ્રભાવિત થઈ હતી. જ્યારે અરુસા પત્રકારત્વમાં આવી ત્યારે તેણે રિપોર્ટિંગ માટે સંરક્ષણ અને લશ્કરી વિષયો પસંદ કર્યા. Agusta-90B સબમરીન ડીલ પર અરુસાનો અહેવાલ ચર્ચામાં રહ્યો હતો, જેના કારણે 1997માં પાકિસ્તાન નેવીના તત્કાલિન વડા મન્સૂરલ હકની ધરપકડ કરવામાં આવી હતી.

કેપ્ટનને ક્યારે મળી અને કેવી રીતે મિત્રતા કેવી રીતે વધી?
અરુસા આલમ કેપ્ટન અમરિંદર સિંહની મિત્ર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અરુસા સાથે કેપ્ટન અમરિંદરની પહેલી મુલાકાત 2004માં પાકિસ્તાનના પ્રવાસ દરમિયાન થઈ હતી. 2006માં જલંધરમાં મુલાકાત બાદ આ મિત્રતા વધતી ગઈ. ત્યારબાદ તે જાલંધરમાં પંજાબ પ્રેસ ક્લબના ઉદ્ઘાટન સમારોહમાં પત્રકારોના આમંત્રણ પર અહીં આવી હતી. ત્યારબાદ કેપ્ટન અને અરુષાની મિત્રતા ચાલુ રહી. 2006માં કેપ્ટન અમરિંદર સિંહે અરુસાના વિઝા માટે વિનંતી કરી હતી અને તે પછી તે ઘણી વખત ભારતની મુલાકાતે આવી હતી. 2010માં પણ અરુસા અમરિંદર સિંહના પુસ્તક 'ધ લાસ્ટ સનસેટ'ના વિમોચન માટે ભારત આવી હતી. વિરોધીઓએ પણ તેમના પર નિશાન સાધ્યું હતું. પરંતુ કેપ્ટને કહ્યું કે ભારતીય હાઈ કમિશને અરુસાને ભારત આવવાની પરવાનગી આપી દીધી છે.

યુપીએ અને એનડીએ બંનેના કાર્યકાળ દરમિયાન ભારતની મુલાકાતે આવતી રહી છે
યુપીએ સરકાર અને એનડીએ સરકાર બંનેના કાર્યકાળ દરમિયાન અરુસા ભારતની મુલાકાતે આવતી રહી છે. તે ચંદીગઢમાં કેપ્ટન અમરિંદર સિંહના સત્તાવાર નિવાસસ્થાને પણ આવતી જતી રહી છે. કેપ્ટન અમરિંદર સિંહની પત્ની મહારાણી પ્રનીત કૌર પણ તેને સારી રીતે ઓળખે છે. અરુસા આલમ કેપ્ટન અમરિંદર સિંહને મહારાજ સાહેબ કહીને બોલાવે છે. 2017માં જ્યારે કેપ્ટન અમરિંદર સિંહ મુખ્યમંત્રી બન્યા ત્યારે શપથ ગ્રહણ સમારોહ દરમિયાન અરુસા VVIP સીટ પર બેઠેલી જોવા મળી હતી. પાકિસ્તાનના નાગરિકને ભારતના વિઝા સરળતાથી મળતા નથી. કેટલીકવાર ગુપ્તચર અહેવાલો પણ મંગાવવામાં આવે છે. અરુસાની ભારત મુલાકાતને લઈને કેન્દ્રીય એજન્સીઓ પણ ઘણી વખત સક્રિય થઈ હતી, પરંતુ આઈબી સહિત અન્ય ગુપ્તચર એજન્સીઓના અહેવાલ બાદ તેને વારંવાર વિઝા આપવામાં આવ્યા હતા.

અરુસા બે બાળકોની માતા છે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અરુસા આલમ પરિણીત છે અને તેના બે બાળકો છે. કહેવાય છે કે તેને હંમેશાથી ભારતને જાણવામાં રસ રહ્યો છે અને તેથી જ તે અહીં આવતી-જતી રહી છે. કેપ્ટન અમરિંદરને તેની નિકટતા અંગે ઘણી વખત સવાલ કરવામાં આવ્યા હતા, પરંતુ અરુસાએ ઘણી વખત સ્પષ્ટ કર્યું છે કે કેપ્ટન અમરિંદર સિંહ અને તેઓ માત્ર સારા મિત્રો છે. બીજી તરફ કેપ્ટને પણ અરુષા સાથેની મિત્રતા છુપાવી નથી. બીજી વખત સીએમ તરીકેની તાજપોશી બાદ તેમને પોતાના જન્મદિવસ પર અરુસાને બોલાવી હતી. હાલ કેપ્ટન અને તેના પરિવારના સભ્યો સાથે અરુસાની તસવીરોને લઈને પંજાબનું રાજકીય તાપમાન હાલમાં ગરમાઈ રહ્યું છે.