શાહરૂખની મેનેજર પૂજા દદલાની પર NCBના ગંભીર આરોપ!
મુંબઈ, 26 ઓક્ટોબર : શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનના જામીનનો વિરોધ કરતા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ બૉમ્બે હાઈ કોર્ટમાં શાહરૂખ ખાનની મેનેજર પૂજા દદલાની પર ગંભીર આરોપો લગાવ્યા છે. ક્રુઝ-ડ્રગ્સ કેસમાં એજન્સીએ કહ્યું છે કે દદલાનીએ સાક્ષીને પ્રભાવિત કર્યો હોવાનું જણાય છે. એજન્સીએ સોમવારે જ બોમ્બે હાઈકોર્ટમાં લેખિત જવાબ દાખલ કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યુ છે કે આર્યન ખાન તપાસને પ્રભાવિત કરી શકે છે. નોંધપાત્ર વાત એ છે કે, આ કેસમાં પોતાના પુત્રને છોડાવવા શાહરૂખે કોર્ટમાં વકીલોની મોટી ફોજ ઊભી કરી છે, જેનું નેતૃત્વ ભારતના ભૂતપૂર્વ એટર્ની જનરલ મુકુલ રોહતગી કરી રહ્યા છે.

આરોપી સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે-NCB
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ કોર્ટમાં એક લેખિત નિવેદનમાં એમ પણ કહ્યું છે કે આ કેસમાં તપાસ દરમિયાન આર્યન ખાનનું આંતરરાષ્ટ્રીય ડ્રગ કનેક્શન શોધી કાઢવામાં આવ્યું છે, જેના માટે એજન્સીને વધુ સમયની જરૂર છે. NCBએ કહ્યું છે કે,તે તપાસ હેઠળ છે અને નિર્ધારિત માર્ગદર્શિકા મુજબ આ આંતરરાષ્ટ્રીય ડ્રગ કનેક્શનને યોગ્ય રીતે શોધી કાઢવા માટે પૂરતો સમય જરૂરી છે. એટલું જ નહીં, એજન્સીએ કહ્યું છે કે, સમાજમાં આર્યન ખાનના પ્રભાવશાળી સ્થાનને જોતા શક્ય છે કે તે પુરાવા સાથે છેડછાડ અને અન્ય સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે, જેને તે વ્યક્તિગત રીતે ઓળખે છે.

એનસીબીએ સાક્ષીના આરોપોનો હવાલો આપ્યો
એનસીબીએ કહ્યું છે કે આ કેસના સાક્ષી પ્રભાકર સેલના સોગંદનામાથી સ્પષ્ટ થાય છે કે તપાસને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જે શનિવારે દાખલ કરવામાં આવ્યું હતું. NCB એ સનસનાટીભર્યા આરોપો સંદર્ભે આ દાવા કર્યા છે, જેમાં સાક્ષી પ્રભાકર સેલે આરોપ લગાવ્યો છે કે આર્યન ખાન સાથે સેલ્ફી માટે પોઝ આપનાર પ્રાઈવેટ ડિટેક્ટીવ કેપી ગોસાવીએ કેસ સેટ કરવા માટે શાહરૂખની મેનેજર પૂજા દદલાની પાસેથી 25 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. જેમાંથી 8 કરોડ સમીર વાનખેડેને મળવાના હતા, જે કેસની તપાસ કરી રહેલા એનસીબીના અધિકારી છે. જો કે, વાનખેડેએ આ આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે.

શાહરૂખ ખાનની મેનેજર પર NCBનો ગંભીર આરોપ
આ આધારે NCBએ બોમ્બે હાઈકોર્ટમાં જામીનનો વિરોધ કરતા કહ્યું કે, એફિડેવિટમાં સ્પષ્ટપણે આ અરજદાર (આર્યન ખાન) સાથે જોડાયેલ મેનેજર પૂજા દદલાનીના નામનો ઉલ્લેખ છે. એવું લાગે છે કે તપાસ ચાલી રહી છે ત્યારે આ મહિલાએ સાક્ષીને પ્રભાવિત કર્યા છે, તપાસના આ તબક્કે આવા પ્રયાસ તપાસને પ્રભાવિત કરવા માટ છે, જેથી સત્ય બહાર ન આવે.

બે કોર્ટ દ્વારા જામીન અરજી ફગાવી દેવામાં આવી છે
બોમ્બે હાઈકોર્ટમાં આર્યન ખાનની જામીન અરજી પર સુનાવણી શરૂ થાય તે પહેલા જ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોનું લેખિત નિવેદન સામે આવ્યું છે. બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ડ્રગ સંબંધિત આરોપોમાં 8 ઓક્ટોબરથી જેલમાં છે અને તેની જામીન અરજી બે-બે અદાલતોએ ફગાવી દીધી છે. 2 ઓક્ટોબરે ક્રુઝ શિપ પર એનસીબીના દરોડા બાદ આ કેસમાં શાહરૂખના પુત્ર સહિત કુલ 20 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.