નવાબ મલિકને મળેલી NCBના ગુમનામ અધિકારીની ચિઠ્ઠી પર સમીર વાનખેડેનો જવાબ, જાણો શું કહ્યુ
મુંબઈઃ આર્યન ખાન ડ્રગ્સ કેસને લઈને મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિક અને એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે વચ્ચે એક અલગ લડાઈ શરૂ થઈ ગઈ છે. નવાબ મલિક સતત સમીર વાનખેડે પર હુમલો કરી રહ્યા છે. મંગળવારે તેમણે પહેલા તો એક પ્રેસ કૉન્ફરન્સ કરીને સમીર વાનખેડે પર ગંભીર આરોપ લગાવ્યા. ત્યારબાદ તેમણે ટ્વિટર પર એક પત્ર જાહેર કર્યો જેને તેમણે એનસીબીના એક કર્મચારીનો ગણાવ્યો છે. એ લેટરમાં સમીરને લઈને ઘણા સનસનીખેજ ખુલાસા કર્યા છે. આ સમગ્ર મામલે હવે સમીર વાનખેડેની પ્રતિક્રિયા આવી છે. તેમણે નવાબ મલિકના લેટરને જોક ગણાવ્યો છે.
નવાબ મલિક જે ઈચ્છે તે કરી શકે છેઃ સમીર વાનખેડે
સમીર વાનખેડેએ કહ્યુ છે કે નવાબ મલિક દ્વારા શેર કરવામાં આવેલ લેટર સંપૂર્ણપણે ખોટો અને નકલી છે, એ લેટર કોઈ જોકથી કમ નથી. સમીર વાનખેડેએ કહ્યુ કે નવાબ મલિક જે ઈચ્છે તે કરી શકે છે પરંતુ મારા પર લાગી રહેલ આરોપ ખોટા છે. તમને જણાવી દઈએ કે સમીર વાનખેડેના સમર્થનમાં તેમનો પરિવાર પણ ઉભો છે. તેમની પત્નીએ કહ્યુ કે જો કોઈ મારા પતિ સામે પુરાવા લઈને આવશે તો હું માની જઈશ, મારા પતિ પર લાગેલા તમામ આરોપ એકદમ ખોટા છે.
નવાબ મલિકના લેટરમાં સમીર વાનખેડે પર 26 ગંભીર આરોપ
તમને જણાવી દઈએ કે મંગળવારે મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નવાબ મલિકે પહેલા તો એક પ્રેક કૉન્ફરન્સ કરીને સમીર વાનખેડે પર બૉલિવુડની ઘણી હસ્તીઓના ફોન ટેપ કરવાનો આરોપ લગાવ્યો હતા. બાદમાં તેમણે ટ્વિટર પર એક લેટર શેર કર્યો હતો જેમાં તેમણે સમીર વાનખેડે પર આરોપ લગાવ્યા છે કે તેમણે નકલી દસ્તાવેજોના કારણે એક દલિતની નોકરીનો હક માર્યો છે. સાથે જ નવાબ મલિકે આ લેટરને એનસીબીના જ કોઈ કર્મચારી દ્વારા લખેલો ગણાવ્યો છે. લેટરમાં સમીર વાનખેડે પર કુલ 26 ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે.
નવાબ મલિકે કહ્યુ કે મે આ પત્ર એનસીબીના ડીજી અને અન્ય અધિકારીઓને મોકલ્યો છે. નવાબ મલિકે કહ્યુ કે આ લેટરમાં સમીર વાનખેડે સામે છેતરપિંડીના 36 કેસ નોંધાયા હોવાની વાત કહેવામાં આવી છે. એવામાં તેમના પર લાગી રહેલા આરોપોની તપાસ થવી જોઈએ.