ખતરાની ઘંટી? ઇન્દોરમાંથી કોરોના વાયરસનું નવું વેરિઅન્ટ AY-4 મળ્યું!
ઈન્દોર : દેશના સૌથી સ્વચ્છ શહેરોમાંથી એક એવા ઈન્દોરમાં કોરોના વાયરસ AY-4નું નવું વેરિયન્ટ મળી આવ્યું છે. અહીં 7 દર્દીઓના સેમ્પલના જીનોમ સિક્વન્સિંગમાં આ વેરિયન્ટનો ખુલાસો થયો છે. આ તપાસ નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC) દ્વારા કરવામાં આવી હતી, જેની લેબ દિલ્હીમાં છે. જોકે, કોરોનાનું નવું વેરિઅન્ટ AY-4 કેટલું ખતરનાક છે તેની કોઈ ચોક્કસ માહિતી નથી. અત્યારે આ વેરિઅન્ટને લઈને દુનિયાભરમાં રિસર્ચ ચાલી રહ્યું છે. કેટલાક નિષ્ણાતોએ સાવચેતી રાખવાની સલાહ આપી છે, આ વેરિઅન્ટની ચેપની સંભાવના જૂના વેરિઅન્ટ કરતાં વધુ ઝડપી છે.
તમને જણાવી દઈએ કે, મધ્યપ્રદેશમાં તપાસ દરમિયાન ઈન્દોરમાં 7 લોકો કોરોના પીડિત હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ આ લોકોના સેમ્પલ 21 સપ્ટેમ્બરે જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા હતા. જેનો જીનોમ સિક્વન્સિંગ રિપોર્ટ નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC) દ્વારા તાજેતરમાં આપવામાં આવ્યો છે. ઈન્દોરના ચીફ મેડિકલ અને હેલ્થ ઓફિસર ડૉ. બી.એસ. સૈત્યાએ જણાવ્યું હતું કે જે લોકો નવા પ્રકારથી પ્રભાવિત થયા છે તેમાં બે મહુ કેન્ટોનમેન્ટમાં તૈનાત સૈન્ય અધિકારીઓ છે. જેના સેમ્પલ સપ્ટેમ્બરમાં લેવામાં આવ્યા હતા.
એનસીડીસીએ આ સાત લોકોનો પ્રથમ રિપોર્ટ 1 ઓક્ટોબરે અને બાકીના 16 ઓક્ટોબરે જાહેર કર્યા હતા. એમજીએમ મેડિકલ કોલેજના માઇક્રોબાયોલોજી વિભાગના એચઓડી ડો. અનિતા મુથાએ નવા વેરિઅન્ટનું વર્ણન કરતા કહ્યું છે કે AY-4 ડેલ્ટા વેરિએન્ટનું જ પેટા વેરિઅન્ટ છે. તે ડેલ્ટા કે ડેલ્ટા-પ્લસ નથી.
તેમણે કહ્યું કે આ હજું પણ સંશોધકોની રૂચિનું સ્વરૂપ છે, જો કે તેની ટ્રાન્સમિશન ક્ષમતા વિશે બહુ ઓછી માહિતી છે. ઉદાહરણ તરીકે, શું તે ગંભીર ચેપનું કારણ બની શકે છે અને શું તે નિયંત્રિત સંક્રમણ હોઈ શકે છે. ડૉ. અનીતા મુથાએ જણાવ્યું હતું કે, ભારતમાં પ્રથમ વખત મહારાષ્ટ્રમાં આ નવા પ્રકારના કેટલાક કેસ નોંધાયા હતા.
AY.4 વેરિએન્ટ મહારાષ્ટ્રમાં જોવા મળ્યું જ્યારે એપ્રિલમાં ત્યાં પરીક્ષણ કરાયેલા 1% નમૂનાઓમાં તેની પુષ્ટિ થઈ હતી. તે પછી જુલાઈમાં તેનો ગુણોત્તર વધીને 2% થયો અને ઓગસ્ટમાં વધીને 44% થયો. જો કે, NCDC રિપોર્ટ કહે છે કે જિલ્લામાં ડેલ્ટા પ્લસના 5 નવા કેસ નોંધાયા છે. કોવિડ-19 ના ડેલ્ટા વેરિએન્ટે બીજી લહેરમાં ભારતમાં તબાહી મચાવી હતી અને સમગ્ર યુરોપ-અમેરિકામાં ચર્ચાનો વિષય બન્યું હતું.