બંને રસી લીધા બાદ લોકો સંક્રમિત થઇ રહ્યા છે - મુખ્યમંત્રીનો દાવો
કોલકાતા : જીવલેણ વાયરસ કોરોનાએ સમગ્ર વિશ્વમાં ગભરાટ સર્જ્યો છે. આ વાયરસના કારણે વિશ્વભરમાંથી લાખો લોકોના મોત થયા છે. આવા સમયે લોકો હજૂ પણ આ વાયરસના કારણે મરી રહ્યા છે. જેને અટકાવવા માટે સમગ્ર વિશ્વમાં મોટા પાયે રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
ભારતમાં પણ હવે કોરોનાની ઝડપ પર અંકુશ લગાવવામાં આવી રહ્યો છે. દેશમાં કોરોનાના કેસમાં ઘટાડા સાથે નવા કેસમાં પણ ઘટાડો થયો છે. સમગ્ર દેશમાં રસીકરણનો આંકડો 100 કરોડને પાર કરી ગયો છે. આ દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોરોનાની રસી અંગે આશ્ચર્યજનક નિવેદન આપ્યું છે.
બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દાવો કર્યો છે કે, જે લોકો કોરોના રસીના બંને ડોઝ લઈ રહ્યા છે, તેઓ વાયરસથી વધુ સંક્રમિત થઈ રહ્યા છે. મમતા બેનર્જીએ તેમના નિવેદનમાં કહ્યું કે, જે લોકો કોવિડ 19 રસીના બે ડોઝ લઈ રહ્યા છે, તેમની રોગપ્રતિકારક શક્તિ ઘટી રહી છે. મુખ્યમંત્રીએ દાવો કર્યો હતો કે, જે લોકોએ રસી લીધી છે, તેમની રોગપ્રતિકારક શક્તિ માત્ર 6 મહિના સુધી ચાલે છે અને બાદમાં તેઓ વાયરસ માટે સંવેદનશીલ હોય છે.
કોરોનાના આ કેસનું વર્ણન કરતા મમતા 'દીદી' એ જણાવ્યું હતું કે, માહિતી આપતી વખતે આરોગ્ય સચિવે કહ્યું છે કે, લગભગ 20 ટકા લોકો કે જેઓ કોરોનાની પકડમાં છે, તેઓએ રસીના બંને ડોઝ લીધા છે. તે જ સમયે બંગાળના મુખ્યમંત્રીએ આરોગ્ય સચિવને આ મામલે કેન્દ્ર સરકારને પત્ર લખવા કહ્યું અને જણાવ્યું કે, તેની પાછળ સરકારને પૂછવામાં આવે અને આ મુદ્દો કેન્દ્ર સરકારની સામે મજબૂત રીતે ઉઠાવવામાં આવે.