ગુરૂગ્રામ નમાઝ બબાલ મુદ્દે સ્વરા ભાસ્કરનું નિવેદન, હિન્દુ હોવા પર શર્મિંદા છું!
મુંબઈ 23, ઑક્ટોબર : અભિનેત્રી સ્વરા ભાસ્કરે દિલ્હીને અડીને આવેલા ગુરુગ્રામમાં નમાઝ અદા કરતા લોકોને હેરાન કરતા કેટલાક હિન્દુ સંગઠનો પર આકરી પ્રતિક્રિયા આપી છે. 22 ઓક્ટોબરે કેટલાક લોકો ખાનગી મિલકતમાં શુક્રવારની નમાજ અદા કરી રહ્યા હતા ત્યારે કેટલાક લોકોએ જય શ્રી રામના નારા લગાવીને મુસ્લિમોને નમાઝ પઢતા રોકવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, પોલીસે તેને અટકાવ્યા હતા. આ ઘટનાનો વીડિયો ટ્વિટર પર શેર કરતા સ્વરા ભાસ્કરે આ અંગે સખત વાંધો ઉઠાવતા કહ્યું કે, આ જોઈને તેને એક હિંદુ તરીકે શરમ આવી રહી છે. આના પર તેને સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની પ્રતિક્રિયાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

લોકો ખાનગી મિલકત પર નમાઝ અદા કરી રહ્યા હતા
ગુરુગ્રામના સેક્ટર 12 માં ખાનગી મિલકતમાં મુસ્લિમ લોકો નમાઝ અદા કરી રહ્યા હતા. ત્યારબાદ કથિત રીતે બજરંગ દળના કાર્યકરો ત્યાં પહોંચ્યા અને મુસ્લિમોને ખુલ્લામાં નમાઝ ન પઢવાનું કહ્યું. આ લોકોએ જય શ્રી રામના નારા લગાવવાનું શરૂ કર્યું. મુસ્લિમો મિલકત માલિકની પરવાનગીથી શાંતિપૂર્વક નમાઝ અદા કરી રહ્યા હતા. આ સ્થિતિમાં પોલીસે હિન્દુવાદી સંગઠનોના લોકોને રોક્યા. જો કે, આ લોકોએ નમાઝ પૂરી થઈ ત્યાં સુધી સૂત્રોચ્ચાર કરવાનું ચાલુ રાખ્યું હતું. આ અંગે ટ્વિટ કરતા સ્વરાએ લખ્યું કે, હિંદુ હોવા પર શરમ આવે છે.

સોશિયલ મીડિયા પર સ્વરાની ટિપ્પણી
સ્વરા ભાસ્કરનું આ ટ્વીટ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. શુક્રવારે તે આ ટ્વીટને લઈને ટ્રેન્ડ કરી રહી હતી. સ્વરાના આ ટ્વિટ પર બંને પ્રકારની પ્રતિક્રિયાઓ આવી છે. કેટલાક લોકોએ હિંમત બતાવીને આ ઘટનાનો વિરોધ કરવા બદલ સ્વરાની પ્રશંસા કરી છે. સાથે જ આ ટ્વીટ માટે ઘણા લોકોએ તેમને હિન્દુ વિરોધી ગણાવીને નિશાન સાધ્યું છે. ઘણા લોકોએ તેને હિન્દુ ધર્મ છોડવા પણ કહ્યું છે.

સ્વરા બોલવા માટે જાણીતી છે
સ્વરા ભાસ્કરે અભિનેત્રી તરીકે ઓળખ બનાવી છે. તેને એક એક્ટિવિસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે ઘણી વખત સોશિયલ મીડિયા પર ખુલીને વાત કરે છે. સ્વરા ધર્મનિરપેક્ષ અને જાહેર હિતના મુદ્દાઓ પર આ પહેલા પણ બોલતી જોવા મળી છે. સ્વરાને રાજકારણમાં પણ રસ છે. 2019 ની લોકસભાની ચૂંટણીમાં સ્વરાએ દિલ્હી, મધ્યપ્રદેશ અને બિહારની કેટલીક બેઠકો પર વિવિધ પક્ષો માટે પ્રચાર પણ કર્યો હતો.

આ પહેલા પણ તે હિંદુત્વ મુદ્દે ટ્વિટથી ચર્ચામાં આવી ચૂકી છે
અફઘાનિસ્તાનની ઘટનાઓ વિશે સ્વરા દ્વારા કરવામાં આવેલા ટ્વિટ માટે પણ તેને ટ્રોલ કરવામાં આવી હતી. તેને લખ્યું હતું કે, એવું ન થઈ શકે કે, હિંદુત્વના આતંકથી આપણને કોઈ ફરક ન પડે અને તાલિબાન આતંકથી સંપૂર્ણપણે ચોંકી જઈએ અને પરેશાન થઈ જઈએ, આપણે તાલિબાનના આતંકની ચિંતા કર્યા વિના હિંદુત્વના આતંકથી નારાજ ન થઈ શકીએ. આપણા માનવીય અને નૈતિક મૂલ્યો જુલમી અથવા જુલમનો ભોગ બનેલી વ્યક્તિની ઓળખ પર આધારિત ન હોવા જોઈએ.

સ્વરા ટ્રોલિંગ માટે FIR દાખલ કરાવી ચુકી છે
સોશિયલ મીડિયા પર ટ્રોલિંગથી પરેશાન સ્વરા ભાસ્કરે આ મહિને પોલીસમાં FIR પણ નોંધાવી છે. સ્વરાએ ટ્વિટર પર વાંધાજનક ટિપ્પણી કરનારાઓ સામે FIR દાખલ કરી છે. ટ્વિટર પર કેટલાક લોકોએ સ્વરાની ફિલ્મના એક સીન પર વાંધાજનક ટિપ્પણી કરી હતી. જેની સ્વરાએ દિલ્હીના વસંત કુંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.