પ્રિયંકા ગાંધીની પ્રતિજ્ઞા યાત્રા, ખેડૂતોની લોન માફી સહિત 7 મોટી જાહેરાત કરી!
બારાબંકી, 23 ઓક્ટોબર : કોંગ્રેસના મહાસચિવ અને યુપીના પ્રભારી પ્રિયંકા ગાંધી વાડ્રાએ 23 ઓક્ટોબર શનિવારે બારાબંકીથી પ્રતિજ્ઞા યાત્રાને લીલી ઝંડી દેખાડી રવાના કરી હતી. યાત્રા પહેલા પ્રિયંકા ગાંધી વાડ્રાએ 7 પ્રતિજ્ઞાની જાહેરાત કરી હતી. તેમણે આ પ્રસંગે 'હમ વચન નિભાગેંગે' સૂત્ર પણ આપ્યું હતું. જણાવી દઈએ કે આ યાત્રા માટે કોંગ્રેસ પાર્ટીએ ઉત્તરપ્રદેશ રાજ્યને ત્રણ ભાગમાં વહેંચતો રૂટ તૈયાર કર્યો છે. અવધના બારાબંકી અને બુંદેલખંડ જિલ્લાઓ સાથે જોડાઈને ઝાંસી માટે પ્રથમ રૂટ તૈયાર કરવામાં આવ્યો છે અને બીજો માર્ગ પશ્ચિમ અને બ્રિજ પ્રદેશના વિવિધ જિલ્લાઓ માટે તૈયાર કરવામાં આવ્યો છે. તેવી જ રીતે પૂર્વાંચલ માટે ત્રીજો રૂટ નક્કી કરવામાં આવ્યો છે.
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પ્રતિજ્ઞા યાત્રા દરમિયાન સાત સંકલ્પોની જાહેરાત કરી હતી. પ્રિયંકાએ મહિલાઓનો 40 ટકા ટિકિટ, છોકરીઓને સ્માર્ટફોન અને સ્કૂટી, ખેડૂતોની સંપૂર્ણ લોન માફી, 2500 રૂપિયા ક્વિન્ટલ ઘઉં-ડાંગરની ખરીદી, 400 રૂપિયામાં શેરડીની ભાવની જાહેરાતો કરી હતી. એટલું જ નહીં પ્રિયંકા ગાંધીએ જાહેરાત કરી કે કોરોના સમયગાળાનું વીજળી બિલ માફ કરવામાં આવશે અને તમામ ગ્રાહકોનું બિલ અડધું કરી દેવામાં આવશે. તેમણે જાહેરાત કરી છે કે તે કોરોનાથી પીડિત પરિવારોને 25 હજાર રૂપિયાની આર્થિક સહાય પણ આપશે. તો સાથે જ યુપીમાં કોંગ્રેસની સરકાર આવશે ત્યારે 20 લાખ યુવાનોને સરકારી નોકરી આપવામાં આવશે.
કોંગ્રેસની સંકલ્પ યાત્રા માટે બસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બારાબંકી ઉપરાંત આ યાત્રા બે અન્ય શહેરો સહારનપુર અને વારાણસીથી પણ નીકળશે. તમને જણાવી દઈએ કે પ્રતિજ્ઞા યાત્રાનો પ્રથમ રૂટ વારાણસીથી શરૂ થશે અને રાયબરેલીમાં સમાપ્ત થશે, જેમાં ચંદૌલી, સોનભદ્ર, મિર્ઝાપુર, પ્રયાગરાજ, પ્રતાપગઢ અને અમેઠી જિલ્લાનો સમાવેશ થશે. બીજો રૂટ બારાબંકીથી શરૂ થશે અને ઝાંસી પર સમાપ્ત થશે, જે લખનૌ, ઉન્નાવ, ફતેહપુર, ચિત્રકૂટ, બાંદા, હમીરપુર અને જાલૌન જિલ્લાઓને આવરી લેશે. ત્રીજો રૂટ સહારનપુરથી શરૂ થશે અને મથુરા પર સમાપ્ત થશે, જેમાં મુઝફ્ફરનગર, બિજનૌર, મુરાદાબાદ, રામપુર, બરેલી, બદાયુ, અલીગઢ, હાથરસ, આગ્રા જિલ્લાઓનો સમાવેશ થશે.
ઉલ્લેખનિય છે કે આગામી વર્ષો યોજાવા જઈ રહેલી વિધાનસભાની ચૂંટણી પહેલા ઉત્તરપ્રદેશમાં રાજકિય પક્ષોના વાયદા અત્યારથી જ શરૂ થઈ ગયા છે. જેના ભાગરૂપે કોંગ્રેસે પણ આજે આ મહત્વની જાહેરાત કરી હતી.