હેવાન શિક્ષકે હોમવર્ક ન કરતા વિદ્યાર્થીનો માર મારીને જીવ લીધો!
ચુરુ, 21 ઓક્ટોબર : રાજસ્થાનના ચુરુ જિલ્લાના સાલાસર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના કોલાસર ગામમાં આવેલી એક ખાનગી શાળામાં શિક્ષકે ક્રૂરતાની તમામ હદો પાર કરી હતી. હેવાન શિક્ષકે હોમવર્ક ન કરવા બદલ સાતમા ધોરણના વિદ્યાર્થીને લાત, મુક્કા અને લાકડીથી માર મારી વિદ્યાર્થીનો જીવ લીધો હતો.

શાળાની માન્યતા રદ્દ કરવા આદેશ
આરોપી શિક્ષક મનોજ ધીધરીયા શાળાના સંચાલક બનવારીલાલનો પુત્ર છે. બાળકના મૃત્યુ બાદ શિક્ષકની પોલીસે અટકાયત કરી છે. શિક્ષણ વિભાગે પણ આ મામલે કાર્યવાહી કરી છે. શિક્ષણ મંત્રી ગોવિંદસિંહ ડોટાસરાએ અધિકારીઓને શાળાની માન્યતા સ્થગિત કરવા સૂચના આપી છે.

મૃતક ગણેશ સાતમા ધોરણમાં અભ્યાસ કરતો હતો
કોલાસર ગામના રહેવાસી ઓમપ્રકાશે ચુરુ જિલ્લાના સાલાસર પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી કે તેનો 13 વર્ષનો પુત્ર ગણેશ ગામમાં આવેલી મોર્ડન પબ્લિક સ્કૂલમાં સાતમા ધોરણમાં અભ્યાસ કરે છે. ગણેશ ત્રણ ભાઈ-બહેનોમાં સૌથી નાનો હતો. ગણેશ બુધવારે શાળાએ ગયો હતો.

શિક્ષક મનોજે ઘરે ફોન કરીને જાણ કરી
સવારે 9:15 વાગ્યે શિક્ષક મનોજે ઘરે ફોન કર્યો અને કહ્યું કે ગણેશને હોમવર્ક ન કરવા બદલ માર મારવામાં આવ્યો હતો, જેના કારણે તે બેહોશ થઈ ગયો હતો. ગણેશના માતા-પિતા સ્કૂલે પહોંચ્યા અને આરોપી શિક્ષકના વાહનમાં તેને હોસ્પિટલ લઈ ગયા પરંતુ રસ્તામાં તેનું મૃત્યુ થયું હતું.

આરોપી શિક્ષક મનોજ સામે હત્યાનો કેસ નોંધાયો
સાલાસર પોલીસ સ્ટેશનના એસએચઓ સંદીપ વિશ્નોઈએ જણાવ્યું હતું કે પિતા ઓમપ્રકાશના રિપોર્ટ પર શિક્ષક મનોજ સામે હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે અને ત્રણ સભ્યોના મેડિકલ બોર્ડે પાસે ગણેશના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. ઓમપ્રકાશે આરોપ લગાવ્યો છે કે શિક્ષક મનોજે તેના પુત્રને લાત, મુક્કા અને લાકડીથી માર માર્યો હતો, જેના કારણે તેનું મોત થયું છે.