કોરોના કેસોમાં સામાન્ય વધારો, 24 કલાકમાં મળ્યા 14623 દર્દી અને 197ના મોત
નવી દિલ્લીઃ કોરોના વાયરસના કેસોમાં ચડાવ-ઉતાર ચાલુ છે અને દર્દીઓની સંખ્યામાં સામાન્ય વધારો જોવા મળ્યો છે. કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે બુધવારે આંકડા જાહેર કરીને જણાવ્યુ કે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 14623 નવા દર્દી મળ્યા છે જ્યારે 197 લોકોના મોત થયા છે. આ નવા આંકડા બાદ દેશમાં કોરોના વાયરસ સંક્રમણના કુલ કેસ વધીને 3,41,08,996 અને મોતની સંખ્યા 4,52,651 થઈ ગઈ છે. જો કે રાહતની વાત એ છે કે કોરોના વાયરસનો રિકવરી રેટ સતત વધી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં 19,446 દર્દી રિકવર થયા છે.
આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ કે કોરોના વાયરસથી રિકવર થનાર લોકોની સંખ્યા સતત વધી રહી છે અને અત્યાર સુધી સંક્રમિત કુલ દર્દીઓમાંથી 3,34,78,247 લોકો રિકવર થઈ ચૂક્યા છે. રિકવરી રેટ વધવાથી કોરોના વાયરસના સક્રિય કેસોમાં પણ ઘટાડો નોંધવામાં આવ્યો છે અને હાલમાં આ સંખ્યા માત્ર 1,78,098 જ બચી છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં હાલમાં કોરોના વાયરસના દર્દીઓનો રિકવરી રેટ 98.15 ટકા છે જે માર્ચ 2020 બાદ સૌથી વધુ છે. સક્રિય કેસોની સંખ્યા પણ કોરોના વાયરસના કુલ કેસોના માત્ર 0.52 ટકા જ બચી છે.
કોરોના સામે રસીકરણ અભિયાન ક્યાં સુધી પહોંચ્યુ?
આ ઉપરાંત દેશના અલગ-અલગ રાજ્યોમાં ચાલી રહેલ રસીકરણ અભિયાન પૂર ઝડપે ચાલી રહ્યુ છે જેમાં અત્યાર સુધી વેક્સીનનો કુલ 99,12,82,283 ડોઝ આપવામાં આવી ચૂક્યો છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ કોરોના વાયરસ વેક્સીનના 41,36,142 ડોઝ છેલ્લા 24 કલાકની અંદર આપવામાં આવ્યો છે. જો કે દક્ષિણ ભારતીય રાજ્ય કેરળમાં હજુ પણ કોરોના વાયરસના દૈનિક કેસોની સંખ્યા સૌથી વધુ છે અને છેલ્લા એક દિવસમાં સંક્રમણના 7643 નવા કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત કેરળમાં છેલ્લા 24 કલાકની અંદર કોરોના વાયરસના કારણે 77 લોકોના જીવ ગયા છે.