કોવિડ સંક્રમણમાં ઘટાડો, પહેલી વખત આર વેલ્યૂ એક કરતા ઓછી-સંશોધન
નવી દિલ્હી, 20 ઓક્ટોબર : દેશમાં કોરોના વાયરસના નવા કેસને લઈને રાહતના સમાચાર આવ્યા છે. આ દરમિયાન ભારત રસીકરણમાં 100 કરોડના આંકડા આસપાસ પહોંચી ગયુ છે. કોરોના સંક્રમણને લઈને થયેલા અભ્યાસ મુજબ, દેશમાં કોરોનાના સંક્રમણમાં ઘટાડો થયો છે. કોરોના વાયરસ ફેલાવાની ઝડપ દર્શાવતી કોરોનાની આર-વેલ્યુ હાલ 1 સપ્ટેમ્બર પછી સૌથી નીચી સપાટીએ પહોંચી ગઈ છે. તમને જણાવી દઈએ કે આર-વેલ્યુ બતાવે છે કે એક ચેપગ્રસ્ત વ્યક્તિ દેશમાં સરેરાશ કેટલા લોકોને પોઝિટિવ કરે છે.
બીજા શબ્દોમાં કહીએ તો, R વેલ્યૂ સૂચવે છે કે વાયરસ કેટલી સરળતાથી ફેલાઈ રહ્યો છે. 1 કરતાં ઓછી આર-વેલ્યુનો અર્થ એ છે કે રોગ ધીમે ફેલાઈ રહ્યો છે. તેનાથી વિપરીત જો R વેલ્યૂ 1 કરતા વધારે હોય તો તેનો અર્થ એ છે કે દરેક રાઉન્ડમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધી રહી છે. તકનીકી ભાષામાં આને મહામારીનો તબક્કો કહેવાય છે. R મૂલ્ય જેટલું ઉંચું છે, વસ્તીમાં રોગચાળો તેટલી ઝડપથી ફેલાય છે.
ચેન્નઈ સ્થિત ગણિત વિજ્ઞાન સંસ્થાના સંશોધકો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, સૌથી વધુ સક્રિય કેસ ધરાવતા ટોચના 10 રાજ્યોની R વેલ્યૂ 1 ઓક્ટોબરથી 18 ઓક્ટોબર સુધી ઘટી છે. જો કે, કેટલાક શહેરોમાં સક્રિય કેસોની સંખ્યા સતત વધી રહી છે. સંશોધનનું નેતૃત્વ કરી રહેલી સીતાભરા સિન્હાએ જણાવ્યું હતું કે, તાજેતરમાં સમાપ્ત થયેલી દુર્ગા પૂજા દરમિયાન સામુહિક મેળાવડાને જોતા કોલકાતાની આર વેલ્યુ 1 કરતા વધારે છે. તે જ સમયે બેંગલુરુમાં પણ 1 થી વધુ આર વેલ્યુ છે, આ સપ્ટેમ્બરના મધ્યથી વધારે છે, જ્યારે ચેન્નાઈ, પુણે અને મુંબઈમાં આર વેલ્યુ 1 થી નીચે છે. 25 સપ્ટેમ્બરથી 18 ઓક્ટોબર વચ્ચે દેશમાં આર-વેલ્યુ 0.90 નોંધવામાં આવી હતી, જ્યારે 30 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર વચ્ચે મૂલ્ય 1.11 હતી.