કર્ણાટક કોંગ્રેસે પીએમ મોદીને અંગુઠા છાપ કહેનાર ટ્વીટને હટાવ્યુ, ડીકે શિવકુમાર બોલ્યા- ભુલ થઇ
કર્ણાટક કોંગ્રેસે તે ટ્વીટ ડીલેટ કરી લીધુ છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અંગૂઠા છાપ ગણાવ્યા હતા. ટ્વીટ માટે ખેદ વ્યક્ત કરતા કર્ણાટક કોંગ્રેસ અધ્યક્ષ ડી કે શિવકુમારે રાજ્યની સોશિયલ મીડિયા ટીમને ટ્વીટ હટાવવા કહ્યું છે. તેમણે કહ્યું કે ટીમના નવા સભ્યની ભૂલને કારણે આવું થયું છે અને જેમણે આ ટ્વીટ કર્યું છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.
ડીકે શિવકુમારે ટ્વિટ કરીને લખ્યું- હું હંમેશા માનતો આવ્યો છું કે રાજકીય ચર્ચામાં સંસદીય ભાષા હોવી જરૂરી છે. કર્ણાટક કોંગ્રેસના સત્તાવાર ટ્વીટર હેન્ડલ દ્વારા એક શિખાઉ સોશિયલ મીડિયા મેનેજર દ્વારા કરવામાં આવેલી અસભ્ય ટ્વીટ ખેદજનક છે અને તેને હટાવી દેવામાં આવી છે.
કર્ણાટક કોંગ્રેસનું ટ્વીટ શું હતું
કર્ણાટક કોંગ્રેસે કન્નડ ભાષામાં ટ્વીટમાં લખ્યું, કોંગ્રેસે શાળાઓ બનાવી પણ મોદી ક્યારેય ભણવા ગયા નહીં, કોંગ્રેસે પણ ઉમ્રદરાજ શીખવા માટે યોજનાઓ બનાવી પણ અહીં પણ મોદી ન શીખી શક્યા. જેઓએ ભીખ માંગવા પર પ્રતિબંધ હોવા છતાં તેને પસંદ કર્યું, તેઓએ આજે લોકોને ભીખ માંગવા માટે મજબૂર કર્યા છે. અંગુઠા છાપ મોદીના કારણે દેશ પીડિત છે.
આ ટ્વીટ સામે ભાજપે સખત વાંધો ઉઠાવ્યો છે. ભાજપના પ્રદેશ પ્રવક્તા માલવિકા અવિનાશે આ અંગે કહ્યું કે આ ટ્વીટ પરથી અંદાજો લગાવી શકાય છે કે કોંગ્રેસ કેટલી હદે નીચે આવી ગઈ છે.
રાજ્યમાં પેટાચૂંટણી યોજાઈ રહી છે
આ મહિનાના અંતમાં એટલે કે 30 ઓક્ટોબરે કર્ણાટકમાં બે વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. સિંધગી અને હંગલ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી 30 ઓક્ટોબરે થવાની છે. જેડીએસ નેતા એમસી મંગુલ અને ભાજપના સીએમ ઉદાસીના નિધન બાદ આ બેઠકો ખાલી પડી હતી. જેના કારણે રાજ્યમાં રાજકારણ ગરમાયું છે.