પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે નવી પાર્ટી બનાવવાની જાહેરાત કરી!
ચંદીગઢ, 19 ઓક્ટોબર : કોંગ્રેસ હાઇકમાન્ડથી નારાજ પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પોતાની નવી પાર્ટીની રચનાની જાહેરાત કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કેપ્ટન અમરિંદર સિંહ આગામી પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં તેમની પાર્ટી તરફથી ચૂંટણી લડશે. ટૂંક સમયમાં તે નવી પાર્ટી લોન્ચ કરી શકે છે. આ દરમિયાન તેમના મીડિયા સલાહકાર રવિન ઠુકરાલે પણ સંકેત આપ્યો છે કે કેપ્ટન આગામી વર્ષે ચૂંટણીમાં ભાજપ સાથે ગઠબંધન પણ કરી શકે છે. જો કે, આંદોલનકારી ખેડૂતોની માંગણીઓ સ્વીકારવા માટેની તેમને શરત રાખી છે. હવે રાજકીય વર્તુળોમાં કેપ્ટનની નવી પાર્ટીથી પંજાબમાં કોંગ્રેસના ભવિષ્ય પર શું અસર થશે તેની ચર્ચા શરૂ થઈ છે.
મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યા બાદથી જ કેપ્ટન અમરિંદર સિંહ કોંગ્રેસથી અલગ થવાની વાત કરી રહ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હવે તેમને તેની ઔપચારિક જાહેરાત પણ કરી છે. રવિન ઠુકરાલે કેપ્ટનને ટાંકીને પોતાના ટ્વીટમાં લખ્યું હતું કે, પંજાબના ભવિષ્ય માટે લડાઈ ચાલુ છે. હું ટૂંક સમયમાં પંજાબ અને મારા ખેડૂતો સહિતના હિતોની સેવા કરવા માટે મારી પોતાની રાજકીય પાર્ટી શરૂ કરવાની જાહેરાત કરીશ, જે એક વર્ષ કરતા વધુ સમયથી તેમના અસ્તિત્વ માટે લડી રહ્યા છે.
અન્ય એક ટ્વિટમાં રવીન ઠુકરાલે લખ્યું, જો આંદોલન ખેડૂતોના હિતમાં ઉકેલાય તો અમે 2022 પંજાબની ચૂંટણીમાં ભાજપ સાથે ગઠબંધન કરી શકીએ છીએ. આ સિવાય અકાલી દળથી અલગ થયેલી સમાન વિચારધારા વાળા ઢિંઢસા અને બ્રહ્મપુરા જૂથો સાથે પણ ગઢબંધનની અપેક્ષા રાખી શકાય છે. જ્યાં સુધી હું (કેપ્ટન અમરિંદર સિંહ) મારા લોકો અને મારા રાજ્યનું ભવિષ્ય સુરક્ષિત નહીં કરું ત્યાં સુધી હું આરામ કરીશ નહીં. પંજાબને રાજકીય સ્થિરતાની સાથે સાથે આંતરિક અને બાહ્ય ખતરાઓથી રક્ષણની જરૂર છે. હું મારા લોકોને વચન આપું છું કે રાજ્યની શાંતિ અને સલામતી સુનિશ્ચિત કરવા માટે હું જે પણ જરૂરી હશે તે કરીશ.