બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ ભારે હિંસા, 2 હિન્દુઓના મોત!
ઢાંકા, 16 ઓક્ટોબર : બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસા સતત ચાલુ છે અને જાણે કે શેખ હસીનાની સરકારે હિન્દુ લઘુમતીઓને મરવા માટે છોડી દીધા છે. સમગ્ર બાંગ્લાદેશમાં હિન્દુઓની હત્યા કરવામાં આવી રહી છે અને મંદિરોમાં તોડફોડ કરવામાં આવી રહી છે, હિન્દુઓ વિરુદ્ધ હિંસાની તસવીરો વિવિધ વિસ્તારોમાંથી આવી રહી છે. તાજેતરના અહેવાલ મુજબ બાંગ્લાદેશમાં વધુ 2 હિન્દુઓની હત્યા કરવામાં આવી છે અને ઘણા મંદિરોમાં તોડફોડ કરવામાં આવી છે.
પડોશી દેશમાં ધાર્મિક લઘુમતી હિન્દુ સમુદાય સામે ચાલી રહેલા હિંસક હુમલાઓમાં વધુ બે હિન્દુઓના મોત થયા છે. હિંસાની તાજેતરની ઘટના દક્ષિણ શહેર બેગમગંજમાં બની હતી, જ્યારે 200 થી વધુ કટ્ટરપંથી મુસ્લિમોના ટોળાએ એક મંદિર પર હુમલો કર્યો હતો. આ હુમલો ત્યારે થયો જ્યારે હિન્દુ ભક્તો દુર્ગા પૂજાના અંતિમ દિવસે વિધિ કરી રહ્યા હતા. રિપોર્ટ અનુસાર, સ્થાનિક પોલીસ સ્ટેશનના વડા શાહ ઈમરાને કહ્યું કે હુમલાખોરોએ શુક્રવારે મંદિર સમિતિના એક એક્ઝિક્યુટિવ મેમ્બરની છરીના ઘા મારી હત્યા કરી હતી. બીજા દિવસે, પોલીસને મંદિરની બાજુમાં આવેલા એક તળાવ પાસે અન્ય હિન્દુ પુરુષનો મૃતદેહ મળ્યો હતો.
એએફપીએ જિલ્લા પોલીસ વડા શાહિદુલ ઇસ્લામને ટાંકીને કહ્યું કે, ગઈકાલના હુમલા બાદ બે લોકોના મોત થયા છે અને અમે ગુનેગારોને શોધવા માટે કામ કરી રહ્યા છીએ. મુસ્લિમ બહુમતી ધરાવતા દેશમાં હિન્દુઓ વિરુદ્ધ હુમલાઓ ઇસ્લામના કેન્દ્રીય ધાર્મિક ગ્રંથ કુરાનના અપમાનને લઈને શરૂ થયા છે. કામિલામાં પૂજા પંડાલમાં દેવી દુર્ગાની મૂર્તિના ઘૂંટણ પર મુકવામાં આવેલા કુરાનની તસવીર વાયરલ થયા બાદ સમગ્ર દેશમાં હિન્દુઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે અને બાંગ્લાદેશમાં મંદિરોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી સેંકડો મંદિરો પર હુમલા કરવામાં આવ્યા છે અને સંપૂર્ણ તોડફોડ કરવામાં આવી છે. અહેવાલો સૂચવે છે કે હિન્દુ વિરોધી હિંસા નોઆખાલી, ચાંદપુર, કોક્સ બજાર, ચટ્ટોગ્રામ, ચાપૈનવાબગંજ, પબના, મૌલવીબજાર અને કુરીગ્રામ સહિત બાંગ્લાદેશમાં એક ડઝનથી વધુ જિલ્લાઓમાં ફેલાઈ છે.
બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાએ હિન્દુ સમુદાયના નેતાઓને કડક કાર્યવાહીનું વચન આપ્યું છે અને હિન્દુ મંદિરો અને દુર્ગા પૂજા પંડાલો પર હુમલામાં સામેલ લોકોને ચેતવણી આપી છે. પરંતુ, એવું લાગે છે કે વડાપ્રધાને ઉગ્રવાદી મુસ્લિમ ટોળાને આપેલી ચેતવણીનો કોઈ અર્થ નથી. શેખ હસીનાએ કહ્યું છે કે કામિલાની ઘટનાની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે. કોઈને બક્ષવામાં આવશે નહીં. તે કયા ધર્મના છે તે મહત્વનું નથી. તેમને સજા આપવામાં આવશે. તે જ સમયે, ભારત સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે હિન્દુ વિરોધી હિંસા સંદર્ભે બાંગ્લાદેશના સત્તાવાળાઓનો સંપર્ક કરવામાં આવ્યો છે અને બાંગ્લાદેશની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ગુરુવારે જણાવ્યું હતું કે, ઢાંકામાં અમારા હાઇ કમિશન તેમજ બાંગ્લાદેશમાં અમારા કોન્સ્યુલેટ ઢાંકા અને સ્થાનિક સ્તરે સત્તાવાળાઓ સાથે સંપર્કમાં છે.