UNમાં બોલ્યું ભારત- પાક અહીં શાંતિની વાતો કરે છે, જ્યારે ઈમરાન લાદેનને શહીદ ગણાવે છે
આતંકવાદી ગતિવિધિઓને પ્રોત્સાહન આપવા માટે પાકિસ્તાન દુનિયાભરમાં કુખ્યાત છે. ભારત સહિત કેટલાય દેશ પાકિસ્તાનને સમયે સમયે આતંકના મામલે ઘેરતા રહે છે. હાલમાં જ યૂનાઈટેડ નેશનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નામ લીધા વિના ફટકાર લગાવ્યા બાદ ફરી એકવાર ભારતે પાકિસ્તાન પર નિશાન સાધ્યું છે. યૂનાઈટેડ નેશનમાં ભારતે પાકિસ્તાનને આતંકવાદનું કેન્દ્ર ગણાવતા કહ્યું કે આમ તો યૂએનમાં પાકિસ્તાન શાંતિ અને સુરક્ષાની વાતો કરે છે, પરંતુ તેના વડાપ્રધાન ઈમરાન ખાન વૈશ્વિક આતંકવાદી ઓસામા બિન લાદેનને શહીદના રૂપમાં દર્શાવે છે. જણાવી દઈએ કે પાછલા વર્ષે અલ-કાયદાના કુખ્યાત આતંકવાદી ઓસામાને ઈમરાન ખાને શહીદ ગણાવ્યો હતો, જે બાદ આખી દુનિયામાં તેમની થૂ-થૂ થઈ હતી.
યૂનાઈટેડ નેશનમાં ભારતે રાઈટ-ટૂ-રિપ્લાઈ અંતર્ગત ફર્સ્ટ કમિટી જનરલ ડિબેટમાં પાકિસ્તાનને ઝડબાતોડ જવાબ આપ્યો. ભારતે સ્પષ્ટ રૂપે કહ્યું કે, 'પાકિસ્તાનના સ્થાયી પ્રતિનિધિ અહીં શાંતિ, સુરક્ષાની વાતો કરે છે, જ્યારે તેના પ્રધાનમંત્રી ઓસામા બિન લાદેન જેવા વૈશ્વિક આતંકવાદીઓને શહીદોના રૂપમાં જુએ છે.' પાડોસી દેશને આતંકવાદના મામલે આડેહાથ લેતાં ભારતે આગળ કહ્યું, "વૈશ્વિક આતંકવાદના કેન્દ્રના રૂપમાં પાકિસ્તાન યૂનાઈટેડ નેશનના સિદ્ધાંતોની પરવા કર્યા વિના વારંવાર પોતાના પાડોસીઓ વિરુદ્ધ સીમા પાર આતંકવાદમાં સામેલ રહ્યું છે. મંચો પર જૂઠ ફેલાવવાની પાકિસ્તાનની સખત કોશિશ સામૂહિક અપમાનને પાત્ર છે."
UNના મંચ પર પીએમ મોદીએ ફટકાર લગાવી હતી
હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના ઐતિહાસિક પ્રવાસે ગયા હતા, જ્યાં તેમણે યૂનાઈટેડ નેશન જનરલ એસેમ્બલીને સંબોધિત કરી હતી. તેમણે પાકિસ્તાનનું નામ લીધા વિના કહ્યું હતું કે જે કોઈપણ દેશ આતંકવાદનો ઉપયોગ કરી રહ્યો છે, તેમણે પણ સમજવું પડશે કે આ તેમના માટે પણ એટલો જ મોટો ખતરો છે. પાકિસ્તાન પર હુમલો બોલતાં વડાપ્રધાન મોદીએ કહ્યું, "રિગ્રેસિવ થિંકિંગ સાથે જે દેશો આતંકવાદને પૉલિટિકલ ટૂલના રૂપમાં ઉપયોગ કરી રહ્યા છે, તેમણે સમજવું પડશે કે આતંકવાદ તેમના માટે પણ એટલો જ મોટો ખતરો છે." આ ઉપરાંત ભારતના પ્રથમ સચિવ સ્નેહા દુબેએ પણ પાકિસ્તાન પર વાક્ પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે આતંકવાદીઓનું ખુલ્લું સમર્થન કરવાનો પાકિસ્તાનનો ઈતિહાસ રહ્યો છે.
ઓસામાને શહીદ ગણાવી ઘેરાયા હતા ઈમરાન ખાન
જણાવી દઈએ કે પાછલા વર્ષે પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાન નેશનલ એસેમ્બલીને સંબોધિત કરી રહ્યા હતા. તે દરમિયાન તેમણે વૈશ્વિક આતંકવાદી ઓસામા બિન લાદેનને શહીદ ગણાવ્યો હતો. ઈમરાન ખાને કહ્યું હતું, "જ્યારે અમેરિકા એબટાબાદમાં આવ્યું અને ઓસામા બિન લાદેનને શહીદ કરી દીધા હતા ત્યારે અમે પાકિસ્તાની કેવી રીતે શર્મિંદા થયા હતા તે અમે ક્યારેય નહીં ભૂલી શકીએ." આ નિવેદન બાદ આખી દુનિયાએ ઈમરાન ખાન સામે અવાજ ઉઠાવ્યો હતો. જે મામલે થોડા મહિના પહેલાં પાકિસ્તાન સરકારમાં મંત્રી ફવાદ ચૌધરીએ સફાઈ આપતા કહ્યું હતું કે તે સમયે ઈમરાન ખાનની જીભ લપસી ગઈ હતી. જો કે ખુદ મંત્રી પણ ઓસામાને આતંકવાદી કહેવાની હિમ્મત પણ એકઠી નહોતા કરી શક્યા.